લોકસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે. તમામ રાજકીય પક્ષો વધુને વધુ સીટો મેળવવા માટે સતત પ્રયત્નશીલ છે. ગુજરાતની વાત કરવામાં આવે તો ભાજપે 15 સીટો માટે ઉમેદવાર પણ જાહેર કરી દીધા છે. બીજી તરફ ગુજરાત કોંગ્રસમાં કંકાસ વધી રહ્યો છે. AAP ગુજરાત પણ તાજેતરનું વાતાવરણ જોઈને ચકડોળે ચડ્યું છે. કારણ કે, બંને પાર્ટીઓમાંથી એક બાદ એક નેતાઓ ખરી રહ્યા છે અને ભાજપમાં જોડાઈ રહ્યા છે. ત્યારે હવે ફરી સમાચાર છે કે, કોંગ્રેસમાં વધેલા કંકાસ વચ્ચે દ્વારકાના મુળુ કંડોરિયાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે અને ભાજપમાં જોડાઈ ગયા છે. સાથે NSUI તથા કોંગ્રેસ યૂથના અનેક કાર્યકર્તાઓએ પણ કેસરીયો ધારણ કરી લીધો છે.
ગુજરાતમાં રાહુલ ગાંધીની ન્યાય યાત્રા શરૂ થાય તે પહેલાં જ કોંગ્રેસના નેતાઓએ ભાજપ યાત્રા શરૂ કરી દીધી છે. દરેક દિવસે એક-એક નેતા રાજીનામું આપી રહ્યા છે અને ભાજપમાં જોડાઈ રહ્યા છે. તેવામાં હવે મંગળવારે (5 માર્ચ) દ્વારકાના કોંગ્રેસ નેતા મુળુ કંડોરિયાએ પાર્ટીના તમામ પદો પરથી રાજીનામું આપી દીધું છે અને ભાજપમાં જોડાઈ ગયા છે. નોંધનીય છે કે, મુળુ કંડોરિયાએ વર્ષ 2019માં કોંગ્રેસની ટિકિટ પર જામનગર સીટ પરથી લોકસભા ચૂંટણી લડી હતી. ભાજપના પૂનમબેન માડમ સાથે તેમની સીધી ટક્કર થઈ હતી. જેમાં તેઓને હાર મળી હતી. જે બાદ 2022ની વિધાનસભા ચૂંટણીમાં કંડોરિયા દ્વારકામાં પબૂભા માણેક સામે લડ્યા હતા અને તેમાં પણ તેઓ હાર્યા હતા.
NSUI અને કોંગ્રેસ યૂથના કાર્યકર્તાઓ જોડાયા ભાજપમાં
લોકસભા ચૂંટણી પહેલાં અનેક નેતાઓ ભાજપમાં જોડાઈ ગયા છે અને હજુ પણ રાજીનામાંનો દોર સતત ચાલુ છે. જેમાં 5 માર્ચે NSUI અને કોંગ્રસ યૂથના અનેક કાર્યકર્તાઓએ પણ કેસરિયા ધારણ કરી લીધા છે. ભાજપના ઓપરેશન લોટસ હેઠળ આ તમામ કાર્યકર્તાઓ ભાજપમાં સામેલ થયા છે. નોંધનીય છે કે, બે-ત્રણ દિવસ પહેલાં જ આ તમામ કાર્યકર્તાઓએ પક્ષમાંથી રાજીનામાં આપ્યા હતા. જ્યારે આજે તેઓ સત્તાવાર રીતે ભાજપમાં સામેલ થઈ ગયા છે.
લોકસભાની ચૂંટણી પહેલા ભાજપમાં ભરતી મેળો,
— News18Gujarati (@News18Guj) March 5, 2024
NSUI, યુથ કોંગ્રેસના કાર્યકરોએ પણ કેસરિયા કર્યા#news18gujarati #gujarat #breakingnews #gujaratinews pic.twitter.com/qEfP2M5cKj
નોંધનીય છે કે, 5 માર્ચ, 2024ના રોજ ગાંધીનગરમાં કમલમ ખાતે ભરતી મેળો યોજાયો હતો. આ ભરતી મેળામાં ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન જ મુળુ કંડોરિયા, અંબરીશ ડેર, અર્જુન મોઢવાડિયા, ભૂપેન્દ્રસિંહ ચૌહાણ અને NSUI તથા યૂથ કોંગ્રેસના કાર્યકર્તાઓએ કેસરીયો ખેસ ધારણ કર્યો હતો.
અત્યાર સુધીમાં 5 ધારાસભ્યોએ કર્યા કેસરિયા
લોકસભા ચૂંટણીની બ્યૂગલો ફૂંકાઈ ગઈ છે. તમામ પાર્ટીઓ યુદ્ધના ધોરણે ચૂંટણીની તૈયારીમાં લાગી ગઈ છે. તેવામાં ભાજપની વિપક્ષી પાર્ટીઓમાંથી 5 ધારાસભ્યોએ કાર્યકાળ પૂર્ણ કર્યા પહેલાં જ ધારાસભ્ય પદ પરથી રાજીનામાં આપી દીધા હતા અને કોંગ્રેસ-AAPને ઝટકો આપી ભાજપમાં સામેલ થઈ ગયા હતા. અન્ય વિપક્ષી પાર્ટીઓમાંથી ભાજપમાં જોડાયેલા ધારાસભ્યોમાં સૌથી પહેલું નામ ભૂપત ભાયાણીનું આવે છે.
વિસાવદર બેઠક પર AAPના ધારાસભ્ય તરીકે રહેતા ભૂપત ભાયાણી પદ અને આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં સામેલ થઈ ગયા છે. તે બાદ થોડા જ દિવસોમાં ખંભાતના કોંગ્રેસ ધારાસભ્ય ચિરાગ પટેલે પણ રાજીનામું આપી દીધું હતું અને ભાજપમાં જોડાઈ ગયા હતા. જે બાદ આ વર્ષની શરૂઆતમાં જ 12 જાન્યુઆરી, 2024ના રોજ વિજાપુરના કોંગ્રેસ ધારાસભ્ય સીજે ચાવડાએ કોંગ્રેસને રામ-રામ કહી ભાજપમાં સામેલ થયા હતા.
તે બાદ વાઘોડિયાના અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ ચૌહાણ પણ ભાજપમાં સામેલ થયા હતા. જ્યારે હવે તાજેતરમાં જ કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અને પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ કેસરીયો ધારણ કરી લીધો છે. આ 5 ધારાસભ્યો હમણાં સુધીમાં ભાજપમાં સામેલ થઈ ગયા છે. જેમાંથી ત્રણ ધારાસભ્યો કોંગ્રેસના છે. ગુજરાતનું વાતાવરણ જોતાં લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને ભારે પકડકારોનો સામનો કરવો પડી શકે છે.
નોંધનીય છે કે, આ ધારાસભ્યો ઉપરાંત હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓ પણ ભાજપ સાથે જોડાયા છે. દિવસે અને દિવસે ગુજરાત કોંગ્રેસમાં કંકાસ વધી રહ્યો છે અને ભાજપમાં સમૃદ્ધિ આવી રહી છે. રાજકીય વર્તુળોમાં એવી પણ અટકળો છે કે, રાહુલ ગાંધીની ન્યાય યાત્રા પહેલાં હજુ પણ ભાજપ અને AAPમાંથી મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ખરી શકે છે. જ્યારે અનેક કાર્યકર્તાઓ પણ વિપક્ષી પાર્ટીઓ છોડીને ભાજપ તરફ આવી રહ્યા છે.