જેમ જેમ લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે, તેમ તેમ ગુજરાતના રાજકારણમાં ઉથલપાથલ વધી રહી છે. પહેલા AAPના વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ અને બાદમાં કોંગ્રેસના ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલે રાજીનામા આપ્યા હતા. હવે અહેવાલો મળી રહ્યા છે કે ગુજરાતના 3 અપક્ષ ધારાસભ્યો પણ પોતાના રાજીનામા ધરીને જલ્દી જ કેસરિયો કરવાના છે.
અહેવાલોનું માનીએ તો ગુજરાતના 3 અપક્ષ ધારાસભ્યો જેમાં બાયડના ધવલસિંહ ઝાલા, ધાનેરાના માવાજી દેસાઈ અને વાઘોડિયાના ધર્મેન્દ્રસિંહ વાઘેલા જાન્યુઆરી મહિનાના અંત સુધીમાં રાજીનામા આપી શકે છે. બાદમાં તેઓ ભારતીય જનતા પાર્ટીની (BJP) ટિકીટ પરથી ફરી ચૂંટણી લડી શકે છે. નોંધનીય છે કે અપક્ષ તરીકે ચૂંટણી જેતવા છતાંય આ ત્રણેવ નેતાઓએ ભાજપને પોતાનું સમર્થન જાહેર કરેલું જ છે. ઉપરાંત ધવલસિંહ ઝાલા અને માવજી દેસાઈ તો ભાજપના જ જૂના નેતા છે જેઓ ઘરવાપસી કરી શકે છે.
નોંધનીય છે કે આ પહેલા AAPની ટિકીટ પરથી વિસાવદરના ધારાસભ્ય બનેલ ભૂપત ભાયાણીએ પોતાના ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપ્યું હતું. તેઓ રાજીનામું આપતા પહેલા ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલને પણ મળ્યા હતા.
જે બાદ થોડા જ દિવસોમાં કોંગ્રેસના ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલે પણ વિધાનસભા અધ્યક્ષને પોતાનું રાજીનામું સોંપ્યું હતું. રાજીનામું આપ્યા બાદ મીડિયાને સંબોધતી વખતે ચિરાગ પટેલે અનેક ખુલાસા કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, “કોંગ્રેસમાંથી રાજીનામું આપવાના અનેક કારણો છે. તેમાં મુખ્ય કારણ એ છે કે કોંગ્રેસની માનસિકતા રાષ્ટ્રવિરોધી છે. હમણાં આપણો દેશ વિશ્વની ત્રીજી મહાસત્તા બની રહ્યો છે. તમે સૌ જોઈ રહ્યા છો.”
તેમણે વધુમાં કહ્યું કે, “દેશમાં કેટલો વિકાસ થઈ રહ્યો છે, દેશમાં કેટલા કામો થઈ રહ્યા છે અને બધા સમાજ માટે જ્યારે દેશ કામ રહી રહ્યો છે, ત્યારે પણ કોંગ્રેસના કોઈ લીડર સકારાત્મક દ્રષ્ટિકોણવાળા નથી.” આ સાથે જ તેઓએ અન્ય કોંગ્રેસી ધારાસભ્યો પણ જલ્દી કેસરિયો કરે તેવા સંકેત આપ્યા હતા.