પશ્ચિમ બંગાળમાંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. TMC નેતા સુજીત બોસ પર EDએ કાર્યવાહી કરતા તેમના વિવિધ ઠેકાણાંઓ પર છાપેમારી શરૂ કરી છે. મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી કૌભાંડમાં EDની ટીમ વહેલી સવારથી સુજીત બોસ અને અન્ય 2 મંત્રીઓ સાથે એક નગરપાલિકા અધ્યક્ષના ઠેકાણાંઓ પર દરોડા પાડી રહી છે.
મળતી માહિતી પ્રમાણે શુક્રવારની (12 જાન્યુઆરી 2024) વહેલી સવારથી જ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ED) બંગાળના TMC નેતાઓના ઠેકાણાંઓ પર છાપેમારી શરૂ કરી દીધી છે. જેમાં મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભરતી કૌભાંડ મામલે રાજ્યના મંત્રી અને TMC નેતા સુજીત બોસના ઘર સહિત વિવિધ ઠેકાણાંઓ પર EDએ કાર્યવાહી કરી છે. સુજીત બોસના ઘર પર સુરક્ષા દળો ખડકી દેવામાં આવ્યા છે. આ સાથે જ બીજા એક નેતા તાપસ રોય અને પૂર્વ પાલિકા અધ્યક્ષ સુબોધ ચક્રવર્તીના ઠેકાણાઓ ઉપર પણ ED કાર્યવાહી કરી રહી છે. TMC નેતાઓના 51 કેનાલ સ્ટ્રીટ શ્રીભૂમિ, 65 કેનાલ શ્રીભૂમિ અને સાઉથ દમ દમ નગરપાલિકા સ્થિત ઠેકાણાંઓ પર ED છાપેમારી કરી રહી છે.
#WATCH | ED raid underway at the premises of West Bengal minister and TMC leader Sujit Bose in Kolkata. Details awaited. pic.twitter.com/qQNCYuSIV5
— ANI (@ANI) January 12, 2024
મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી કૌભાંડ મામલે આ પહેલાં CBI દ્વારા TMC નેતા સુજીત બોસને સમન પાઠવી 31 ઓગસ્ટ 2023ના રોજ હાજર થવા માટે કહેવામાં આવ્યું હતું. જેમાં TMC નેતાએ સમન નથી મળ્યાનું કહી કેન્દ્રીય એજન્સી સમક્ષ હાજર થયા ન હતા. તેમના પર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પૈસા લઈને ભરતી કરવાનો આરોપ છે.
EDની ટીમ પર થયો હતો જીવલેણ હુમલો
ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલાં જ બીજા એક TMC નેતા શાહજહાં શેખના ઘરે દરોડા પાડવા પહોંચેલી EDની ટીમ પર જીવલેણ હુમલો થયો હતો. જેમાં 1000થી વધુના હિંસક ટોળાએ કાર્યવાહી બંધ કરાવવા તપાસ અધિકારીઓ પર હુમલો કરી દીધો હતો. જેમાં અધિકારીઓ સહિત મીડિયાકર્મીઓ પણ ગંભીર રૂપે ઘાયલ થઇ ગયા હતા. આ ઉપરાંત સુરક્ષાકર્મીઓના વાહનો ઉપર પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો.
આ અંગે શુક્રવારના (5 જાન્યુઆરી, 2024) રોજ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટેના અધિકારીએ નિવેદન આપતાં જણાવ્યું કે, એજન્સીના અધિકારીઓ જ્યારે રાશન કૌભાંડ મામલે TMC નેતા શાહજહાં શેખના ઘરે દરોડા પાડવા માટે ગયા ત્યારે તેમના પર 800થી 1000ના ટોળાએ અચાનક જીવલેણ હુમલો કરી દીધો હતો. આ ઘટનામાં અત્યાર સુધી ત્રણ પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી.