Tuesday, May 7, 2024
More
    હોમપેજદેશબંગાળમાં દરોડા પાડવા પહોંચેલી EDની ટીમ પર 200થી વધુના ટોળાનો હુમલો, વાહનોમાં...

    બંગાળમાં દરોડા પાડવા પહોંચેલી EDની ટીમ પર 200થી વધુના ટોળાનો હુમલો, વાહનોમાં તોડફોડ: TMC શાહજહાં શેખના ઘરે પડી હતી રેડ

    ટોળામાં સ્થાનિક ગામના લોકો સામેલ હતા. ટોળાએ EDને કાર્યવાહી કરતી રોકવા માટે આવું કર્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. ઉપદ્રવીઓએ અધિકારીઓ સાથે આવેલા સુરક્ષાકર્મીઓના વાહનો ઉપર પણ પથ્થરમારો કરી વાહનોને ભારે નુકસાન પહોંચાડ્યું હતું.

    - Advertisement -

    પશ્ચિમ બંગાળમાં TMC નેતા શાહજહાં શેખના ઠેકાણાં પર રેડ પાડવા પહોંચેલી EDની ટીમ પર 200થી વધુ લોકોના ટોળાએ હુમલો કરી દીધો હતો. આ દરમિયાન સુરક્ષાકર્મીઓના વાહનો પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો તો મીડિયાકર્મીઓ પર પણ હુમલો થયો હતો. ઘટનામાં એજન્સીની ટીમ સહિત ત્યાં હાજર મીડિયાકર્મીઓ પણ ઘાયલ થઇ ગયા છે.

    પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણામાં આ ઘટના બનવા પામી છે. રાજ્યમાં સામે આવેલા રેશન કૌભાંડમાં મમતા બેનર્જીની પાર્ટી TMCના (તૃણમૂલ કોંગ્રેસ) નેતા શાહજહાં શેખનું પણ નામ બહાર આવ્યું હતું. ત્યારબાદ કાર્યવાહીના ભાગ રૂપે ED (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ) TMC નેતાના ઘર સહિત અન્ય ઠેકાણાં પર દરોડા પાડવા માટે પહોંચી હતી. જે દરમિયાન અચાનક ચાલુ કાર્યવાહીમાં 200થી વધુ લોકોના ટોળાએ એજન્સીની ટીમ પર હુમલો કરી દીધો હતો.

    ટોળામાં સ્થાનિક ગામના લોકો સામેલ હતા. ટોળાએ EDને કાર્યવાહી કરતી રોકવા માટે આવું કર્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. ઉપદ્રવીઓએ અધિકારીઓ સાથે આવેલા સુરક્ષાકર્મીઓના વાહનો ઉપર પણ પથ્થરમારો કરી વાહનોને ભારે નુકસાન પહોંચાડ્યું હતું. આ ઉપરાંત ત્યાં કવરેજ માટે પહોચેલા મીડિયાકર્મીઓ ઉપર પણ હુમલો કરવામાં આવ્યો હતો. અચાનક થયેલા હુમલાની ઘટના બાદ EDએ કાર્યવાહી બંધ કરી દેવી પડી હતી.

    - Advertisement -

    મીડિયાકર્મીઓના જણાવ્યા અનુસાર, ED જ્યારે ઠેકાણાં પર રેડ માટે પહોંચી ત્યારે ટોળાએ તેમના પર હુમલો કરી દીધો. બધા જ સ્થાનિક ગામના લોકો હતા, જે પછી તેમણે અધિકારીઓ અને મીડિયાકર્મીઓ સાથે ઝપાઝપી શરૂ કરી દીધી. જેમાં ઘણા પત્રકારો પણ ઘાયલ થયા છે. હુમલાની ઘટના બાદ EDના અધિકારીઓએ પ્રતિક્રિયા આપતાં જણાવ્યું કે, કેન્દ્રીય એજન્સીની ટીમ પર થયેલા હુમલા માટે શાહજહાં શેખ સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. સાથે આ હુમલામાં જે પણ વ્યક્તિઓ સામેલ હતા તે તમામ વિરુદ્ધ પણ કેસ ચલાવવામાં આવશે. જાણવા મળ્યા અનુસાર, શાહજહાં શેખની પછીથી ધરપકડ કરી લેવામાં આવી હતી.

    નોંધનીય છે કે બંગાળમાં રાશન કૌભાંડ મામલે EDએ 26 ઓક્ટોબર, 2023ના રોજ મંત્રી જ્યોતિપ્રિયા મલિકની ધરપકડ કરી હતી. તેમના પર બંગાળ રાજ્યમાં અનાજના વિતરણમાં ગેરરીતિ આચરવાનો આરોપ છે. કરોડો રૂપિયાના રાશન કૌભાંડમાં ED દ્વારા જ્યોતિપ્રિયા મલિકના વિવિધ ઠેકાણાં પર દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં તેમના દસ્તાવેજો સાથે બેંક ખાતાંની પણ તપાસ કરવામાં આવી હતી. આરોપ છે કે આ કૌભાંડ ત્યારે આચરવામાં આવ્યું હતું જ્યારે મંત્રી જ્યોતિપ્રિયા મલિકને બંગાળ રાજ્યનો ખાદ્ય અને પુરવઠા વિભાગ સોપવામાં આવ્યો હતો.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં