Friday, November 22, 2024
More
    હોમપેજમિડિયાપ્રપંચ ફેલાવતું રહ્યું મેઈનસ્ટ્રીમ મીડિયા, પોલ ખોલતું રહ્યું ઑપઇન્ડિયા: વર્ષ 2023ના એ...

    પ્રપંચ ફેલાવતું રહ્યું મેઈનસ્ટ્રીમ મીડિયા, પોલ ખોલતું રહ્યું ઑપઇન્ડિયા: વર્ષ 2023ના એ રિપોર્ટ, જેનાથી ધ્વસ્ત થયો મીડિયાનો પ્રોપગેન્ડા

    વર્ષ 2023 દરમિયાન ઑપઇન્ડિયાએ આ પ્રકારે મીડિયાનાં અનેક પ્રપંચો ખુલ્લાં પાડ્યાં. ક્યારેક અમારે ગ્રાઉન્ડ પર માહિતી મેળવવા જવું પડ્યું તો ક્યારેક પોલીસની મદદ લેવી પડી. ક્યારેક સનાતનીઓને ઉશ્કેરનારાઓ સામે અવાજ ઉઠાવવો પડ્યો તો ક્યારેક છૂપા એજન્ડાની પોલ ખોલી.

    - Advertisement -

    મીડિયાનું કામ છે જે ઘટનાઓ બને તે જેવી બની છે તેવું દર્શાવવાનું. કશું પણ ઉમેર્યા વગર જે હકીકત છે તે વાચકો સમક્ષ મૂકવું તેને જ પત્રકારત્વ કહેવાય. આ બધી વાતો વાંચવા-સાંભળવામાં સારી લાગી શકે, પણ હકીકત થોડી જુદી છે. આપણું મેઈનસ્ટ્રીમ મીડિયા અમુક પ્રકારની બદમાશીઓ કરવા ટેવાયેલું છે, અમુક પ્રકારની બદમાશીઓ કરવાની તેને ટેવ પડી ગઈ છે. 

    ઘણી વાર એવું બને કે ઘટનાઓનું જે પ્રકારે રિપોર્ટિંગ થયું હોય તે તેવી બની જ ન હોય. ઘણી વખત અર્ધસત્ય હોય તો ઘણી વખત જે કામની માહિતી હોય તેનો જ અભાવ જોવા મળે. આવાં પ્રપંચો વર્ષોથી ચાલતાં આવે છે. ઘણાં નરી આંખે દેખાય આવે છે, ઘણાં ‘હિડન એજન્ડા’ હેઠળ ફેલાવવામાં આવ્યાં હોય તો તેને ઓળખવા થોડી મહેનત કરવી પડે છે. આ ચાલતું આવે છે અને ચાલતું રહેવાનું. પરંતુ પ્રોપગેન્ડા ફેલાવનારાઓને જેટલો ‘અધિકાર’ છે તેટલો જ તથ્યો મૂકનારાઓને પણ છે. 

    વર્ષ 2023 દરમિયાન ઑપઇન્ડિયાએ આ પ્રકારે મીડિયાનાં અનેક પ્રપંચો ખુલ્લાં પાડ્યાં. ક્યારેક અમારે ગ્રાઉન્ડ પર માહિતી મેળવવા જવું પડ્યું તો ક્યારેક પોલીસની મદદ લેવી પડી. ક્યારેક સનાતનીઓને ઉશ્કેરનારાઓ સામે અવાજ ઉઠાવવો પડ્યો તો ક્યારેક છૂપા એજન્ડાની પોલ ખોલી. વર્ષ દરમિયાન આવા અનેક રિપોર્ટ્સ પ્રકાશિત થયા. ઝડપથી એક નજર કરીએ. 

    - Advertisement -

    મહેસાણામાં મુસ્લિમ વિદ્યાર્થીની સાથે ભેદભાવ? 

    મહેસાણા મુસ્લિમ વિદ્યાર્થીની ભેદભાવ ફેકટચેક
    લેખ સંપૂર્ણ વાંચવા માટે તસવીર પર ક્લિક

    ઓગસ્ટ, 2023માં સ્વતંત્રતા દિવસ (15 ઓગસ્ટ)ની ઉજવણી પછી ગુજરાતના સોશિયલ મીડિયામાં એક સમાચાર વાયરલ થયા. દાવો એવો કરવામાં આવ્યો હતો કે મહેસાણાના ખેરાલુની એક શાળામાં એક વિદ્યાર્થિનીને માત્ર એટલા માટે ઇનામ ન અપાયું કારણ કે તે મુસ્લિમ હતી. અમુક મોદીવિરોધી એજન્ડાધારીઓએ મુદ્દો ઉપાડ્યા બાદ પાર્ટીવિશેષના પ્રોપગેન્ડા આગળ ચલાવવાનું કામ કરતી અમુક યુ-ટ્યુબ ચેનલોએ પણ ખૂબ ચગાવ્યું. પછીથી મીડિયામાં પણ આવ્યું. 

    ઑપઇન્ડિયાએ જ્યારે ગ્રાઉન્ડ પર તપાસ કરી તો જાણવા મળ્યું કે હકીકત સાવ જુદી છે. હકીકતે શાળામાં ઇનામ વિતરણ નાના પાયે માત્ર શાળાનાં જ વિદ્યાર્થીઓ માટે કરવામાં આવ્યું હતું અને વિદ્યાર્થિની શાળા છોડી ગઈ હતી. તેને 26 જાન્યુઆરીએ ઇનામ આપવામાં આવશે. ધાર્મિક ભેદભાવની કોઇ વાત ન હતી. 

    જય શ્રીરામ ન બોલવા બદલ યુવકને માર મરાયો? ના. 

    દિવ્ય ભાસ્કર ભ્રામક સમાચાર
    લેખ સંપૂર્ણ વાંચવા માટે તસવીર પર ક્લિક કરો

    3 ઓક્ટોબર, 2023ની દિવ્ય ભાસ્કરની અમદાવાદ આવૃત્તિમાં એક સમાચાર છપાયા. દાવો એવો થયો કે એક મુસ્લિમ યુવકને એટલા માટે માર મરવામાં આવ્યો કારણ કે તેણે ‘જય શ્રીરામ’ બોલવાની ના પાડી હતી. 

    ઑપઇન્ડિયાએ પોલીસનો સંપર્ક કર્યો તો સાવ જુદી હકીકત નીકળી. બન્યું હતું એવું કે યુવક હિન્દી ભાષી હતો અને તે રસ્તા પર ઉભો હતો ત્યારે ત્યાંથી પસાર થતા અમુક હિંદુ યુવકોએ એકબીજાને ‘જય શ્રીરામ’નું સંબોધન કર્યું હતું. પરંતુ યુવક એવું સમજ્યો કે તેને કહેવામાં આવ્યું છે. જેથી તેણે હિંદુ યુવકો સાથે ઝઘડો કર્યો હતો અને પછી બંને પક્ષે ધમાલ થઈ હતી. પોલીસે પણ સ્પષ્ટપણે ધાર્મિક એન્ગલ નકારી દીધો હતો અને કહ્યું કે, મીડિયામાં ચાલે છે તેવું કશું જ નથી. 

    પાટણમાં દલિત દુકાનદાર સાથે ભેદભાવ? 

    પાટણ કાનોસણ દલિત ભેદભાવ
    લેખ સંપૂર્ણ વાંચવા માટે તસવીર પર ક્લિક કરો

    સપ્ટેમ્બરમાં એક સમાચાર ઝડપથી વાયરલ થયા હતા. પરંતુ આ વખતે પ્રકાશિત કરનાર મિડિયા હાઉસ ગુજરાતી નહીં પરંતુ અંગ્રેજી હતું. ‘ઈન્ડિયન એક્સપ્રેસ’ જાણીતું અખબાર છે. તેની ગુજરાત આવૃત્તિમાં પાટણના એક ગામને લઈને સમાચાર પ્રકાશિત થયા હતા, જેને પછીથી દલિત-સવર્ણનો એન્ગલ આપીને સોશિયલ મીડિયા પર ગુજરાતને ખૂબ ભાંડવામાં આવ્યું અને અન્ય પણ કેટલાંક મીડિયા હાઉસોએ ચકાસણી કર્યા વગર સમાચાર છાપી દીધા. 

    ઈન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટની હેડલાઈન કંઈક આવી હતી. ગુજરાતમાં ગ્રામજનો દલિતની દુકાનેથી અનાજ ખરીદશે નહીં, કલેક્ટરે બાજુના ગામમાં તમામ કાર્ડ ટ્રાન્સફર કર્યા. આ ભ્રામક હેડલાઈનના કારણે જ માથાકૂટ થઈ હતી. કારણ કે આ રિપોર્ટ પોતે જ જણાવે છે કે જાતિવાદ જેવું કશું જ નથી અને ગામલોકોએ તેમને પૂરતું અનાજ ન મળતું હોવાના કારણે અનાજ ખરીદવાનું બંધ કર્યું હતું.

    વાસ્તવમાં ગામલોકોએ આરોપ લગાવ્યો હતો કે સસ્તા અનાજની દુકાન ચલાવતો દુકાનદાર તેમને પુરતું અનાજ આપતો ન હતો અને જો તેઓ ફરિયાદ કરે તો ST/SC એક્ટ હેઠળ ફસાવી દેવાની ધમકી આપતો હતો. જેથી તેમણે તેમના કાર્ડ અન્યત્ર ટ્રાન્સફર કરવા માટે અપીલ કરી હતી. આખરે ક્લેક્ટરે તપાસ કરતાં ફરિયાદ સાચી નીકળી હતી અને તેમણે કાર્યવાહી કરી હતી. આમાં ભેદભાવ જેવી કોઇ વાત ન હતી. 

    આ મામલે ઑપઇન્ડિયાએ સ્થાનિક તંત્રનો પણ સંપર્ક કર્યો અને પછીથી ગુજરાત સરકારે પણ સ્પષ્ટતા કરી હતી. દુકાનદાર વિરુદ્ધ કોઇ પણ પ્રકારના ભેદભાવોના આરોપોને નકારતાં રાજ્ય સરકાર તરફથી જણાવવામાં આવ્યું કે, આ કાર્યવાહી કોઇ પણ પ્રકારના ભેદભાવનાં પરિણામસ્વરૂપ નહીં પરંતુ દુકાનદાર વિરુદ્ધ દાખલ કરવામાં આવેલ ફરિયાદના જવાબમાં કરવામાં આવી હતી. સસ્તા અનાજની દુકાનેથી અનાજ ખરીદતા કાર્ડધારકોને બાજુના ગામમાં સ્થાનાંતરિત કરવાનો ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો હતો કે તેમને સમય પર પૂરતા પ્રમાણમાં અનાજ મળે અને તપાસ દરમિયાન જે ખામીઓ ધ્યાને આવી હતી તેને દૂર કરી શકાય.  

    સુરતના બ્રિજના નિર્માણમાં ખામી? 

    સુરત બ્રિજ પ્રોપગેન્ડા ફેક્ટચેક
    લેખ સંપૂર્ણ વાંચવા માટે તસવીર પર ક્લિક કરો

    નવેમ્બર મહિનામાં સામી દિવાળીએ સોશિયલ મીડિયામાં એક વિડીયો ફરતો થયો હતો, જેમાં એક ST બસ એક બ્રિજ પરથી રિવર્સ લેતી જોવા મળી હતી. આ વિડીયો સુરતનો હોવાનો દાવો કરીને કહેવામાં આવ્યું કે સરકારે એક નવો બ્રિજ બનાવ્યો પરંતુ તેનું નિર્માણ એવી રીતે કરવામાં આવ્યું કે એક બસ પણ ટર્ન લઇ શકતી નથી અને પરત ફરવું પડ્યું હતું. 

    મોટાં અખબારોનાં સોશિયલ મીડિયા પેજથી માંડીને પ્રોપગેન્ડા યુ-ટ્યુબ ચેનલોએ જાણ્યા-સમજ્યા વગર આ દાવાને આગળ વધાર્યો હતો. પરંતુ અહીં વાસ્તવિકતા એ હતી કે આ બ્રિજ મુખ્ય બ્રિજનો એક્સ્ટેન્શન બ્રિજ હતો અને તેનો ઉપયોગ જ નાના વાહનો માટે હોય છે. મોટાં વાહનોએ મુખ્ય બ્રિજનો જ ઉપયોગ કરવાનો હોય છે. બ્રિજનું ઉદ્ઘાટન તાજેતરમાં થયું હોવાના કારણે બસ ચાલકને તેની ખબર ન હતી, જેથી બસ ત્યાં પહોંચી ગઈ હતી. 

    મોરારી બાપુએ મોદી અને તેમની સરકારને નાપાસ કર્યા?

    મોરારી બાપુ મોદી નાપાસ
    લેખ સંપૂર્ણ વાંચવા માટે તસવીર પર ક્લિક કરો

    જુલાઈમાં વિખ્યાત કથાકાર મોરારી બાપુએ હરિદ્વારથી તલગાજરડા સુધી યાત્રાનું આયોજન કર્યું હતું. તે સમયે તેમણે વિવિધ મીડિયા સંસ્થાઓ સાથે વાતચીત કરી હતી. જેમાં ABP ન્યૂઝ સાથેની એક ચર્ચામાં તેમણે જે વાત કહી હતી તેનું ઊંધું અર્થઘટન કરીને છાપી દેવામાં આવી હતી. પછીથી અમુક સ્થાનિક છાપાંએ પ્રોપગેન્ડા આગળ ચલાવ્યો હતો. 

    ‘મોરારી બાપુના મતે મોદી સરકાર નાપાસ’ શીર્ષકથી ચલાવાયેલા સમાચારમાં દાવો કરવામાં આવ્યો કે મોરારી બાપુએ ઇન્ટરવ્યૂમાં મોદી સરકારનો રિપોર્ટ આપતાં કહ્યું હતું કે, તેઓ વર્તમાન સરકારને 100માંથી 30 માર્ક્સ આપે છે, એટલે કે પાસિંગ માર્ક્સ પણ નહીં. 

    અહીં હકીકત એ હતી કે મોરારી બાપુ મોદી સરકારની નહીં પરંતુ વર્તમાન રાજકીય પરિસ્થિતિને વાત કરી રહ્યા હતા. એન્કરે પૂછતી વખતે કે તેમણે જવાબ આપતી વખતે ક્યાંય સરકારનો ઉલ્લેખ કર્યો ન હતો. તેમણે સમગ્ર રાજકારણ અને હાલની પરિસ્થિતિને લઈને પોતાનો મત આપ્યો હતો. ABP ન્યૂઝે પણ પછીથી આ વિશે ચોખવટ કરી હતી. 

    ગ્લોબલ હંગર ઈન્ડેક્સ, જે અન્યોએ છુપાવ્યું તે અમે સરળ કરીને સમજાવ્યું 

    ગ્લોબલ હંગર ઈન્ડેક્સ
    લેખ સંપૂર્ણ વાંચવા માટે તસવીર પર ક્લિક કરો

    આ વર્ષે ઓક્ટોબર મહિનામાં એક રિપોર્ટ આવ્યો. જેમાં દાવો કરવામાં આવ્યો કે ગ્લોબલ હંગર ઇન્ડેક્સમાં ભારતનું સ્થાન પાકિસ્તાન અને અન્ય પાડોશી દેશો કરતાં પણ પાછળ છે. પછીથી વિરોધી પાર્ટીઓએ પણ ઘણું ચલાવ્યું. પરંતુ કોઈએ સંપૂર્ણ ચિત્ર રજૂ ન કર્યું. 

    વાસ્તવમાં, ભૂખમરાની સ્થિતિ માપવા માટેનાં મૂલ્યાંકનો જ ખામીયુક્ત હતાં. આ ઇન્ડેક્સ આખી વસતીને લાગુ પાડી શકાય જ નહીં કારણ કે તેની ગણતરી માટે જે ચાર માપદંડો લેવામાં આવ્યાં હતાં, તેમાંથી ત્રણ બાળકોના સ્વાસ્થ્ય સાથે સંબંધિત છે. જેથી દેખીતી રીતે તે સમગ્ર વસ્તીનું પ્રતિનિધિત્વ કરી શકે નહીં. જ્યારે ચોથું અને સૌથી મહત્વપૂર્ણ માપદંડ ‘કુપોષિત વસતીના પ્રમાણ’ અંગેનું છે. જે એક ઓપિનિયન પોલ પર આધારિત છે, જેની સેમ્પલ સાઈઝ માત્ર 3000 જેટલી હતી. આ સિવાય જે ચાઇલ્ડ વેસ્ટિંગ રેટમાં પણ ઝોલ જોવા મળ્યો હતો. કારણ કે ચાઇલ્ડ વેસ્ટિંગ રેટ બાળકોની ઊંચાઈ અને વજનના આધારે નક્કી કરવામાં આવે છે. એટલે કે કોઇ બાળકની ઊંચાઈ વધુ હોય અને તે જો અમુક નક્કી કરાયેલા વજનના માપદંડમાં ફિટ નહીં બેસે તો તેને ‘વેસ્ટેડ’ જાહેર કરવામાં આવે છે.

    મોહન ભાગવતના ભાષણનો મીડિયાએ કર્યો હતો ખોટો અનુવાદ 

    મોહન ભાગવત
    લેખ સંપૂર્ણ વાંચવા માટે તસવીર પર ક્લિક કરો

    ફેબ્રુઆરીમાં RSS વડા ડૉ. મોહન ભાગવતના એક ભાષણને લઈને વિવાદ સર્જાયો હતો, જેનું કારણ એ હતું કે તેમણે મરાઠીમાં આપેલા ભાષણનો મીડિયાએ ખોટો અનુવાદ કર્યો હતો. તેમને ટાંકીને એમ લખવામાં આવ્યું કે, ‘આપણી સમાજ પ્રત્યે પણ કેટલીક જવાબદારીઓ છે. જો દરેક કામ સમાજ માટે હોય તો કોઈ કામ મોટું, નાનું કે જુદું કઈ રીતે હોય શકે? ભગવાને હંમેશા કહ્યું છે કે તેમના માટે બધા જ સરખા છે અને કોઈ જાતિ-વર્ગ નથી. પરંતુ પંડિતોએ જે શ્રેણી બનાવી તે ખોટું હતું.’

    અહીં તેમણે જે ‘પંડિત’ શબ્દનો ઉપયોગ કર્યો હતો તે કોઇ જાતિ માટે નહીં પરંતુ ‘વિદ્વાનો’ના સંદર્ભમાં હતો. વાસ્તવમાં તેઓ સંત રવિદાસને ટાંકીને સનાતન ધર્મનો અર્થ સમજાવી રહ્યા હતા. ક્યાંય કોઇ જાતિને અનુલક્ષીને વાત કહી ન હતી. જોકે, પછીથી ન્યૂઝ એજન્સીને પણ ભૂલ સમજાતાં નવેસરથી સમાચાર પ્રકાશિત કરવામાં આવ્યા હતા. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં