Thursday, July 25, 2024
More
  હોમપેજમંતવ્ય'ગ્લોબલ હંગર ઈન્ડેક્સમાં ભારતનું સ્થાન પાછળ, ભૂખમરો વધ્યો’: દુષ્પ્રચાર વચ્ચે જાણો શા...

  ‘ગ્લોબલ હંગર ઈન્ડેક્સમાં ભારતનું સ્થાન પાછળ, ભૂખમરો વધ્યો’: દુષ્પ્રચાર વચ્ચે જાણો શા માટે આ ઇન્ડેક્સનાં તારણો શંકાસ્પદ છે

  આ રિપોર્ટ સામે આવતાંની સાથે જ એક ખાસ ટોળકી સક્રિય થઈ ગઈ, જેને ભારતવિરોધી વાતોમાં આમ પણ પહેલેથી જ વધારે રસ પડે છે. બીજી તરફ, મીડિયામાં પણ ઠીકઠાક રિપોર્ટિંગ થયું. જવાનો માટે ‘ફૂંકી માર્યા’ શબ્દો વાપરી ચૂકેલા ગુજરાતી દૈનિક ‘ગુજરાત સમાચાર’ની હેડલાઈનમાં પણ આ રિપોર્ટને સ્થાન આપવામાં આવ્યું. 

  - Advertisement -

  ગુરૂવારે (12 ઓક્ટોબર, 2023) એક રિપોર્ટ સામે આવ્યો, જેમાં ગ્લોબલ હંગર ઈન્ડેક્સ જાહેર કરવામાં આવ્યો. દાવો છે કે આ ઈન્ડેક્સ જે-તે દેશમાં ભૂખમરાની સ્થિતિ દર્શાવે છે. આ સૂચકાંકમાં કુલ 125 દેશોનો સમાવેશ કરવામાં આવ્યો અને ભારતને ક્રમ આપવામાં આવ્યો 111મો. મજાની વાત એ છે કે આર્થિક પાયમાલીનો સામનો કરતા પાડોશી દેશો પાકિસ્તાન, બાંગ્લાદેશ, નેપાળ અને શ્રીલંકાના ક્રમ ભારતથી આગળ છે. 

  આ રિપોર્ટ સામે આવતાંની સાથે જ એક ખાસ ટોળકી સક્રિય થઈ ગઈ, જેને ભારતવિરોધી વાતોમાં આમ પણ પહેલેથી જ વધારે રસ પડે છે. બીજી તરફ, મીડિયામાં પણ ઠીકઠાક રિપોર્ટિંગ થયું. સરહદ પર સર્વોચ્ચ બલિદાન આપનારા દેશના જવાનો માટે ‘ફૂંકી માર્યા’ શબ્દો વાપરી ચૂકેલા ગુજરાતી દૈનિક ‘ગુજરાત સમાચાર’ની હેડલાઈનમાં પણ આ રિપોર્ટને સ્થાન આપવામાં આવ્યું. કોંગ્રેસે પણ મોદી સરકાર પર સવાલો ઉઠાવ્યા.

  ગુજરાત સમાચારની હેડલાઈન છે- ભારતમાં ભૂખમરો વધ્યો, હાલત પાક. કરતાં પણ બદતર. રિપોર્ટની શરૂઆતમાં લખવામાં આવ્યું છે કે, ભારત વિશ્વનું પાંચમા ક્રમનું અર્થતંત્ર બની ગયું છે અને ટૂંક સમયમાં ત્રીજા ક્રમ પર પણ પહોંચશે તેવો કેન્દ્ર સરકાર દાવો કરે છે પણ ગ્લોબલ હંગર ઈન્ડેક્સમાં ભારતનો ક્રમ 111મો આવ્યો છે. આગળ લખવામાં આવ્યું કે, આ ઈન્ડેક્સ અનુસાર ભારતની સ્થિતિ શ્રીલંકા, પાકિસ્તાન અને બાંગ્લાદેશ કરતાં પણ ખરાબ દર્શાવાઈ છે. સાથે આ દેશોના ક્રમ જણાવવામાં આવ્યા છે. આ સિવાય એમ પણ લખવામાં આવ્યું કે મનમોહન સરકારમાં ભારત 63મા ક્રમે હતું જે મોદી સરકારમાં 111 પર પહોંચી ગયું છે. 

  - Advertisement -

  જોકે, ગુજરાત સમાચારે સાથે કેન્દ્ર સરકારે આ રિપોર્ટ ફગાવી દીધો એ પણ એક ખૂણામાં લખ્યું છે, પરંતુ બહુધા વાચકો અંદર વાંચતા હોતા નથી અને માત્ર હેડલાઈન વાંચીને જ ઘણોખરો અભિપ્રાય બાંધી લેતા હોય છે. 

  આમ તો આ રિપોર્ટને લઈને કોઇ સ્પષ્ટતાની પણ જરૂર નથી. પાડોશી દેશો કરતાં ગરીબી, ભૂખમરો કે અન્ય કોઈ પણ રીતે ભારતની સ્થિતિ અનેકગણી સારી છે તે દેખીતી વાત છે, તે માટે કોઇ અભ્યાસ કે રિસર્ચની પણ જરૂર પડતી નથી. છતાં કેન્દ્ર સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે રીતસરનું નિવેદન જારી કરીને જણાવ્યું કે કઈ રીતે આ આંકડાઓ અને આ રિપોર્ટમાં ઝોલ છે. 

  મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે આ ઈન્ડેક્સને લઈને કહ્યું કે, ભૂખમરાની સ્થિતિ માપવા માટેનાં મૂલ્યાંકનો જ ખામીયુક્ત હતાં અને તેમાં જે દર્શાવાયું છે તે અને ભારતની સાચી સ્થિતિ બિલકુલ અલગ છે. સરકારે એમ પણ કહ્યું કે, આ રિપોર્ટ બદઇરાદાપૂર્વક પ્રકાશિત કરવામાં આવ્યો છે. 

  અનેક ગાણિતિક ખામીઓ, 3 માપદંડો માત્ર બાળકોના સ્વાસ્થ્ય પર આધારિત

  મંત્રાલય અનુસાર, આ સૂચકાંકમાં ભૂખમરાની સ્થિતિનું ખોટું માપ કાઢવામાં આવ્યું છે અને તેમાં અનેક ગાણિતિક ખામીઓ છે. ખરેખર તો આ ઇન્ડેક્સ આખી વસતીને લાગુ પાડી શકાય જ નહીં કારણ કે તેની ગણતરી માટે જે ચાર માપદંડો લેવામાં આવ્યાં હતાં, તેમાંથી ત્રણ બાળકોના સ્વાસ્થ્ય સાથે સંબંધિત છે. જેથી દેખીતી રીતે તે સમગ્ર વસ્તીનું પ્રતિનિધિત્વ કરી શકે નહીં. જ્યારે ચોથું અને સૌથી મહત્વપૂર્ણ માપદંડ ‘કુપોષિત વસતીના પ્રમાણ’ અંગેનું છે. જે એક ઓપિનિયન પોલ પર આધારિત છે, જેની સેમ્પલ સાઈઝ માત્ર 3000 જેટલી હતી. માત્ર 3 હજાર લોકોના ઓપિનિયન પોલથી નક્કી કરી નાખવામાં આવ્યું કે કુપોષિત વસ્તીનું પ્રમાણ કેટલું હોય શકે! 130 કરોડની વસતીમાં 3 હજારના ઓપિનિયન પોલ પરથી તારણ નીકળી શકે?

  આગળ મંત્રાલયે સાચી હકીકત આપતાં જણાવ્યું કે, એપ્રિલ, 2023થી પોષણ ટ્રેકર પર ઉપલબ્ધ પાંચ વર્ષથી નાની વયનાં બાળકોના મેઝરમેન્ટ ડેટામાં સતત વધારો જોવા મળ્યો છે. એપ્રિલ 2023માં જે સંખ્યા 6.34 કરોડની હતી, તે સપ્ટેમ્બર 2023 સુધીમાં 7.24 કરોડ પર પહોંચી છે. પણ GHI રિપોર્ટમાં આ સંખ્યા અનેકગણી વધુ બતાવવામાં આવી છે. 

  ચાઇલ્ડ વેસ્ટિંગ રેટમાં પણ ઝોલ?

  આ સિવાય મંત્રાલયે ગ્લોબલ હંગર ઇન્ડેક્સમાં જે ચાઇલ્ડ વેસ્ટિંગની વાત કરવામાં આવી છે તેને લઈને પણ સ્પષ્ટતા કરી. રિપોર્ટનું માનીએ તો ભારતમાં ચાઇલ્ડ વેસ્ટિંગ રેટ 18.7 ટકા જેટલો છે. પણ મંત્રાલયે જણાવ્યું કે, પોષણ ટ્રેકર અનુસાર આ રેટ દર મહિને ઘટી રહ્યો છે અને 7.2 ટકા પર પહોંચ્યો છે. જે હંગર ઈન્ડેક્સમાં જણાવાયેલા 18.7 ટકાથી એકદમ વિપરીત છે. ચાઇલ્ડ વેસ્ટિંગ રેટ બાળકોની ઊંચાઈ અને વજનના આધારે નક્કી કરવામાં આવે છે. એટલે કે કોઇ બાળકની ઊંચાઈ વધુ હોય અને તે જો અમુક નક્કી કરાયેલા વજનના માપદંડમાં ફિટ નહીં બેસે તો તેને ‘વેસ્ટેડ’ જાહેર કરવામાં આવે છે.

  મંત્રાલયે સ્પષ્ટ કર્યું કે, બાકીના બે સૂચક સ્ટંટિંગ અને વેસ્ટિંગ એ ભૂખ ઉપરાંત અન્ય પણ ઘણાં પરિબળોનાં જટિલ ઇન્ટરેક્શનનું પરિણામ છે, જેમાં સેનિટેશન, આનુવંશિકતા, પર્યાવરણ અને ભોજનના ઉપયોગ સહિતની બાબતોનો સમાવેશ થાય છે. પરંતુ ઈન્ડેક્સમાં તેને સ્ટંટિંગ અને વેસ્ટિંગનાં કારક કે પરિણામ ગણવામાં આવ્યાં છે. આ સિવાય ચોથો સૂચક- બાળ મૃત્યુદર એ ભૂખમરાના કારણે જ વધે છે તેમ સાબિત કરવા માટેના કોઇ પુરાવા નથી.

  2022ના રિપોર્ટ પર પણ ઉઠ્યા હતા સવાલ

  આ પહેલાં ગયા વર્ષનો ગ્લોબલ હંગર ઈન્ડેક્સ જાહેર થયા બાદ પણ નિષ્ણાતોએ આવી જ ભૂલો શોધી હતી. તે રિપોર્ટમાં ભારતનું સ્થાન 121 દેશોમાં 107મુ બતાવવામાં આવ્યું હતું. આશ્ચર્યની વાત એ છે કે તે સમયે પણ પાકિસ્તાન સહિતના પાડોશી દેશોને આગળ બતાવાયા હતા. પરંતુ સત્ય એ છે કે તે સમયે (અને હમણાં પણ) પાકિસ્તાન, શ્રીલંકા સહિતના તમામ દેશોની સ્થિતિ સામાન્ય કરતાં પણ કથળેલી હતી. પાકિસ્તાનમાં પૂર આવ્યું હતું, શ્રીલંકામાં રાજકીય અસ્થિરતા સર્જાઈ હતી અને દેશ પર દેવું વધ્યું હતું. અફઘાનિસ્તાનમાં તાલિબાનનું શાસન આવ્યું હતું. છતાં આ દેશોને ભારત કરતાં આગળ દર્શાવાયા હતા. 

  આ રિપોર્ટને લઈને સિડની યુનિવર્સિટીના એક પ્રોફેસરે સવાલ ઉઠાવ્યા હતા અને કહ્યું હતું કે, ભારતનો આ ક્રમ એ બાળકોની સંખ્યામાં ખોટી રીતે નોંધાયેલી વૃધ્ધિના કારણે આપવામાં આવ્યો છે જેમના શરીરનું વજન તેમની લંબાઈની સરખામણીએ ઓછું હોય છે, જેને ‘વેસ્ટિંગ’ કહેવામાં આવે છે. તેમણે રિપોર્ટને લઈને ઉમેર્યું હતું કે, 2022ના રિપોર્ટનો ડેટા તો સરકારના આધિકારીક ડેટા સાથે મેળ ખાય છે, પરંતુ GHIના અગાઉના રિપોર્ટમાં (2014ના) ભારત માટે ખોટાં માપદંડોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેથી રિપોર્ટમાં વેસ્ટિંગમાં વધારો સૂચવવામાં આવ્યો હતો પરંતુ વાસ્તવમાં તેનું પ્રમાણ ઘટી રહ્યું છે. 

  તેમણે એમ પણ સમજાવ્યું હતું કે, જે માપદંડો પર આ ભારતીય અને GHIનો ડેટા આધારિત છે તેને જોતાં એ નિશ્ચિત જ નથી કે તે દેશમાં ભૂખની વાસ્તવિક સ્થિતિને દર્શાવે છે. આ ડેટા વાસ્તવમાં દુનિયાભરનાં બાળકોના રેફરન્સ સરવેની સરખામણીએ ભારતનાં બાળકોનું વજન દર્શાવે છે. 

  ટૂંકમાં સમયે-સમયે આવા ઇન્ડેક્સ સામે આવતા રહે છે અને લેફ્ટ-લિબરલોની ટોળકી હોહા મચાવતી રહે છે. આવો જ એક ઇન્ડેક્સ પ્રેસ ફ્રીડમ વિશેનો છે, જેમાં પણ ભારતનું સ્થાન સતત કથળતું હોવાની વાતો ચાલતી રહે છે. હકીકત એ છે કે ભારતમાં પ્રેસને જેટલી સ્વતંત્રતા છે તેટલી ભાગ્યે જ બીજા દેશોમાં હશે. જોકે, હવે લોકો જાગૃત થયા છે. છાપાં-ટેલિવિઝન સિવાય આસપાસથી જાતે માહિતી એકઠી કરતાં અને સ્વવિવેકથી તેમાં સાચું શું અને ખોટું શું તે તારવતા થયા છે, જે સુખદ બાબત છે. 

  - Advertisement -
  Join OpIndia's official WhatsApp channel

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં