થોડા દિવસ પહેલાં ગૌરક્ષક અને હિંદુત્વ એક્ટિવિસ્ટ બિટ્ટુ બજરંગીના ભાઈ પર પેટ્રોલ છાંટી, આગ ચાંપી તેમની હત્યા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેમાં તેઓ ખૂબ ગંભીર રીતે ઘાયલ થયા હતા. પીડિત યુવકની ઓળખ મહેશ પંચાલ તરીકે થઈ છે. હવે, સમાચાર મળી રહ્યા છે કે આ મામલે પોલીસે SITની રચના કરી છે અને મામલાની ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે.
આ ઘટના હરિયાણા ફરીદાબાદમાં બની હતી. જેની તપાસ કરવા માટે રચાયેલી SITની અધ્યક્ષતા ACP ક્રાઇમ અમન યાદવ કરશે. SITમાં સારન પોલીસ સ્ટેશનના SHO, પર્વતીય કોલોની પોલીસ પોલીસ મથકના ઇન્ચાર્જ અને ક્રાઇમ બ્રાન્ચના ઇન્સ્પેક્ટરનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેઓ મામલાની ઉંડાણપૂર્વકની તપાસ કરશે અને પોતાનો રિપોર્ટ સોંપશે.
કાર્યવાહી અંગે જાણકારી આપતાં એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, મામલાની તપાસ માટે વિવિધ ટીમો બનાવવામાં આવી છે અને ACP ક્રાઇમની આગેવાનીમાં CCTV કેમેરાથી લઈને ઘટનાસ્થળની પણ તપાસ કરવામાં આવી રહી છે. પીડિતના ઘરથી લઈને લોકેશન પર પોલીસની નજર છે. સાથે જ તે વિસ્તારની તમામ ગાડીઓ વિશે પણ જાણકારી મેળવવામાં આવી રહી છે.
આ ઘટનામાં ગંભીર રીતે દાઝી ગયેલા પીડિત યુવકનું નિવેદન પોલીસે હોસ્પિટલમાં જઈને નોંધ્યું હતું. જેના આધારે હવે તપાસ કરવામાં આવી રહી છે અને આરોપીઓની શોધખોળ ચાલી રહી છે.
ઉલ્લેખનીય છે કે, ફરીદાબાદ રહેતા બિટ્ટુ બજરંગીના ભાઈને બુધવારે (13 ડિસેમ્બર, 2023) રાત્રે પેટ્રોલ છાંટીને જીવતો સળગાવવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા. જોકે, સદ્ભાગ્યે જીવ બચી ગયો અને હાલ તેઓ હોસ્પિટલમાં દાખલ છે. તેમણે પોતાના એક નિવેદનમાં જણાવ્યું કે હુમલો કરનારા પૈકી એકનું નામ અરમાન છે.
હુમલો કરતાં પહેલાં આરોપીઓએ પુછ્યું હતું કે, “શું તમે બિટ્ટુ બજરંગીના ભાઈ છો?” મહેશ જેવી હા પાડી કે હુમલો કરનારાઓએ પેટ્રોલ છાંટીને આગ ચાંપી દીધી હતી. ત્યારબાદ બિટ્ટુએ જ તેમને દાખલ કર્યા હતા. હાલ મહેશ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે, બીજી તરફ પોલીસે તપાસ શરૂ કરી છે.
બિટ્ટુ બજરંગી ગૌરક્ષક અને હિંદુવાદી નેતા છે. જુલાઈ મહિનામાં થયેલી નૂહ હિંસા બાદ તેમનું નામ ચર્ચામાં આવ્યું હતું અને પોલીસ સાથે ઝપાઝપી દરમિયાન તેમની ધરપકડ પણ કરવામાં આવી હતી. જોકે, પછીથી તેમને જામીન આપી દેવામાં આવ્યા હતા.