કેરળના એક કન્વેન્શન સેન્ટરમાં રવિવારે (29 ઓક્ટોબર) એક પછી એક એમ ત્રણ બૉમ્બ બ્લાસ્ટ થયા હતા. એક તરફ પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે ત્યાં બીજી તરફ એક વ્યક્તિએ સરેન્ડર કરી દીધું છે. તેનો દાવો છે કે બૉમ્બ તેણે જ પ્લાન્ટ કર્યો હતો. કેરળ પોલીસ હાલ ખરાઈ કરી રહી છે.
આ વ્યક્તિની ઓળખ ડોમિનિક માર્ટિન તરીકે થઈ છે. પોલીસે તેના આત્મસમર્પણની પુષ્ટિ કરતાં જણાવ્યું કે, હાલ તેઓ તેના દાવામાં કેટલું સત્ય છે તેની તપાસ કરી રહ્યા છે. કેરળના ADGP (લૉ એન્ડ ઓર્ડર) અજીત કુમારે કહ્યું કે, “1 વ્યક્તિએ ત્રિશૂર રૂરલના કોડાકરા પોલીસ મથકે સરેન્ડર કર્યું છે અને દાવો કર્યો છે કે તેણે જ આ કૃત્ય કર્યું હતું. તેનું નામ ડોમિનિક માર્ટિન છે. તેનો એવો પણ દાવો છે કે તે એ જ સભાનો ભાગ હતો. અમે ખરાઈ કરી રહ્યા છીએ.”
#WATCH | On the blast at Zamra International Convention & Exhibition Centre, Kalamassery, Kerala ADGP (law and order) MR Ajith Kumar, says "One person has surrendered in Kodakra Police Station, in Thrissur Rural, claiming that he has done it. His name is Dominic Martin and he… pic.twitter.com/q59H7TaQC7
— ANI (@ANI) October 29, 2023
પોલીસ અધિકારીએ જણાવ્યું કે, અમે આ કેસનાં તમામ પાસાં જોઈ રહ્યા છીએ. કેસમાં NIA જેવી એજન્સીઓ પણ તપાસ કરી રહી છે કે કેમ તે પૂછવામાં આવતાં તેમણે કહ્યું કે, આ પ્રકારના કેસમાં તમામ પ્રકારની એજન્સીઓ સાથે મળીને જ કામ કરે છે. તેમણે ઉમેર્યું કે, હાલ તેઓ મામલાની તપાસ કરી રહ્યા છે અને સંપૂર્ણ તપાસ બાદ જ વધુ વિગતો આપી શકશે.
બ્લાસ્ટ માટે IED ડિવાઇસનો ઉપયોગ
આ પહેલાં મીડિયા સાથે વાત કરતાં કેરળ DGP શૈક દર્વેશે જણાવ્યું હતું કે, પ્રાથમિક તપાસમાં આ IED બ્લાસ્ટ હોવાનું સામે આવ્યું છે. તેમણે ઉમેર્યું કે, અમારા ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે હાજર છે અને મામલાની તપાસ કરી રહ્યા છે. અમે તમામ એન્ગલથી મામલાની તપાસ કરી રહ્યા છીએ. અમે એ શોધી કાઢીશું કે આની પાછળ કોનો હાથ છે અને કડકમાં કડક પગલાં લઈશું. તેમણે એવું પણ કહ્યું કે કેરળ પોલીસ મામલાની તપાસ માટે સ્પેશિયલ ટીમ બનાવશે.
#WATCH via ANI Multimedia | ‘Preliminary probe shows, it’s an IED device…’ Kerala DGP on Kochi multiple explosionshttps://t.co/fMTsnqyZus
— ANI (@ANI) October 29, 2023
કન્વેન્શન સેન્ટરમાં બ્લાસ્ટ થયા હતા, એકનું મોત
ઉલ્લેખનીય છે કે કેરળના એર્નાકુલમ સ્થિત એક ઝામરા કન્વેન્શન સેન્ટરમાં રવિવારે સવારે એકસાથે ત્રણ બ્લાસ્ટ થયા હતા. જેમાં પહેલો બ્લાસ્ટ હોલમાં વચ્ચે થયો અને ત્યારબાદ બંને છેડે એક-એક બ્લાસ્ટ થયા હતા. જેમાં એક મહિલાનું મોત થયું હતું, તો અનેક લોકોને ઈજા પહોંચી હતી, જેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને તેમાંથી અમુકની હાલત ગંભીર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.
કેરળમાં બ્લાસ્ટની ઘટના બાદ દક્ષિણનાં રાજ્યો સહિત આખા દેશમાં પોલીસ અને એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે. હાલ મામલાની તપાસ ચાલી રહી છે અને કેન્દ્રીય ગ્રહ મંત્રાલય પણ સતત નજર રાખી રહ્યું છે.