Thursday, May 2, 2024
More
    હોમપેજદેશકેરળના એક કન્વેન્શન સેન્ટરમાં ભીષણ બ્લાસ્ટ, 1નું મોત, 20થી વધુને ઈજા: 2...

    કેરળના એક કન્વેન્શન સેન્ટરમાં ભીષણ બ્લાસ્ટ, 1નું મોત, 20થી વધુને ઈજા: 2 દિવસ પહેલાં હમાસના આતંકવાદીએ સંબોધિત કરી હતી સભા

    રિપોર્ટમાં કાર્યક્રમના આયોજકને ટાંકીને કહેવામાં આવ્યું કે, 9:40થી થોડી-થોડી સેકન્ડોના અંતરે ત્રણ બ્લાસ્ટ થયા હતા. પહેલો બ્લાસ્ટ હોલમાં વચ્ચેના ભાગમાં થયો, જ્યારે બાકીના 2 બંને છેડે થયા હતા.

    - Advertisement -

    કેરળના એર્નાકુલમમાં એક કન્વેન્શન સેન્ટરમાં ચાલતા કાર્યક્રમ દરમિયાન બ્લાસ્ટ થયાના સમાચાર મળી રહ્યા છે. જેમાં એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે 20થી વધુને ઈજા પહોંચી છે. 

    આ ઘટના એર્નાકુલમના કલામાસેરી સ્થિત એક ઝામરા કન્વેન્શન સેન્ટર પર બની હતી. અહીં એક ખ્રિસ્તી જૂથે પ્રેયર મીટિંગનું આયોજન કર્યું હતું. દરમ્યાન ભીષણ બ્લાસ્ટ થયો, જેમાં ઘણા લોકો ઈજા પામ્યા. ઘટના સવારે 9:40 વાગ્યે બની હોવાનું કહેવાય છે અને ઇજાગ્રસ્તોની સંખ્યા 20થી 23 વચ્ચેની હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. 

    માતૃભૂમિના રિપોર્ટ અનુસાર, ઘટનાને નજરે જોનારાઓએ જણાવ્યું કે થોડી જ મિનિટોના ગાળામાં એકસાથે 3 બ્લાસ્ટ થયા હતા. હાલ ઇજાગ્રસ્તો પૈકી પાંચ લોકોની સ્થિતિ ગંભીર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. 

    - Advertisement -

    રિપોર્ટમાં કાર્યક્રમના આયોજકને ટાંકીને કહેવામાં આવ્યું કે, 9:40થી થોડી-થોડી સેકન્ડોના અંતરે ત્રણ બ્લાસ્ટ થયા હતા. પહેલો બ્લાસ્ટ હોલમાં વચ્ચેના ભાગમાં થયો, જ્યારે બાકીના 2 બંને છેડે થયા હતા. જાણવા મળ્યા અનુસાર, આ ત્રિ-દિવસીય કાર્યક્રમ 27 ઓક્ટોબરના રોજ શરૂ થયો હતો અને આજે પૂર્ણ થવાનો હતો. જે માટે લગભગ 2300 લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. 

    બ્લાસ્ટનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી, હાલ પોલીસ તપાસ કરી રહી છે. બીજી તરફ DGP સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી રહ્યા છે. 

    ઘટનાને લઈને કેરળના મુખ્યમંત્રી પિનારાઈ વિજયનનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે. અમે આ ઘટનાને લઈને માહિતી મેળવી રહ્યા છીએ. ઉચ્ચ અધિકારીઓ એર્નાકુલમ પહોંચી રહ્યા છે. DGP પણ ઘટનાસ્થળ પર પહોંચી રહ્યા છીએ. અમે ખૂબ ગંભીરતાથી લઇ રહ્યા છીએ અને મેં DGP સાથે પણ વાત કરી છે. તપાસ બાદ વધુ વિગતો સામે આવી શકશે. જોકે, થોડી વાર પછી તેઓ દિલ્હીમાં ગાઝાના સમર્થનમાં વિરોધ-પ્રદર્શનમાં ભાગ લેતા જોવા મળ્યા હતા. 

    ટેરર એન્ગલ પણ તપાસવામાં આવી રહ્યો હોવાના અહેવાલ, પુષ્ટિ બાકી

    હજુ સુધી પોલીસે પુષ્ટિ કરી નથી પરંતુ મીડિયા રિપોર્ટ્સમાં જણાવવામાં આવ્યા અનુસાર આ મામલે ટેરર એંગલની પણ તપાસ કરવામાં આવી રહી છે. ગૃહ મંત્રાલયના રિપોર્ટને ટાંકીને કહેવામાં આવ્યું કે કેરળ પોલીસ પાસેથી પ્રાથમિક તપાસના રિપોર્ટ મળ્યા બાદ આ મામલે આગળ કાર્યવાહી કરવામાં આવશે. જ્યારે ન્યૂઝ18નો રિપોર્ટ જણાવે છે કે ફોરેન્સિક ઉપરાંત NIAની પણ એક ટીમ સ્થળ પર પહોંચી છે. જોકે, એજન્સી પાસેથી પુષ્ટિ મેળવવાની બાકી છે. 

    આ કાર્યક્રમ ‘જેહોવાહ વિટનેસિસ’ ગ્રુપ દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો. આ એક ખ્રિસ્તી જૂથ છે પરંતુ તેઓ પોતાને પ્રોટેસ્ટન્ટ્સ તરીકે ઓળખાવતા નથી. દર વર્ષે તેઓ 3 દિવસ માટે આ પ્રકારના કાર્યક્રમો યોજે છે. 

    આ બ્લાસ્ટ એવા સમયે થયો જ્યારે કેરળ પહેલેથી જ પેલેસ્ટાઇન સમર્થક રેલીના કારણે ચર્ચામાં છે. બે દિવસ પહેલાં કેરળમાં પેલેસ્ટાઇનના સમર્થનમાં એક રેલી યોજવામાં આવી હતી, જેમાં આતંકવાદી સંગઠન હમાસના આતંકવાદીએ સંબોધન કર્યું હતું. આ રેલીમાં હિંદુત્વવિરોધી નારા પણ લાગ્યા હતા. હમાસ એ જ આતંકવાદી સંગઠન છે જેની સામે ઇઝરાયેલ યુદ્ધે ચડ્યું છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં