છેલ્લા ઘણા સમયથી NIA ગુજરાતમાં આતંકવાદી ગતિવિધિઓ સાથે જોડાયેલા વ્યક્તિઓ બાબતે ઊંડી તપાસ કરી રહ્યું છે. ગુજરાત ATS અને ક્રાઇમ બ્રાન્ચ સાથે મળીને તેણે ઘણા આતંકીઓ અને તેમણે મદદ કરનારાઓને ઓળખીને પકડી પાડ્યા છે. તેવામાં હવે સુરત ક્રાઇમ બ્રાન્ચના હાથે વધુ એક સફળતા લાગી છે. સુરતના વેસુ વિસ્તારમાંથી તેણે એક બાંગ્લાદેશી નાગરિકને પકડી પડ્યો છે જે NIAની તપાસમાં રહેલા અલ-કાયદાના એક વોન્ટેડ આતંકીના સંપર્કમાં હતો.
અહેવાલો અનુસાર સુરત ક્રાઇમ બ્રાન્ચે ગુરૂવાર (26 ઓક્ટોબર) ના રોજ વેસુ કેનાલ રોડ પાસેથી અબુ બકર હઝરત અલી નામના એક વ્યક્તિની ધરપકડ કરી છે. NIAની વોન્ટેડ લિસ્ટમાં રહેલાં અલ-કાયદાના આતંકી હુમાયુખાન સાથે આ અબુ બકર સોશિયલ મીડિયાથી સંપર્કમાં હતો. NIA અને સુરત ક્રાઇમ બ્રાન્ચ ઘણા સમયથી આ બાંગ્લાદેશી નાગરિકને શોધી રહી હતી. તેવામાં ગુરુવારે જ્યારે અબુ વેસુ વિસ્તારમાં પોતાના એક મિત્રના ત્યાં કોઇ કામથી જઈ રહ્યો હતો ત્યારે જ પોલીસે ચોક્ક્સ બાતમીને આધારે દરોડો પાડીને તેને ઝડપી પાડ્યો હતો.
પોલીસને ભરમાવવા તેણે નકલી આધારકાર્ડ પણ બતાવ્યું
ઉલ્લેખનીય છે કે જ્યારે સુરત ક્રાઇમ બ્રાન્ચે તેને પકડ્યો ત્યારે તેણે પોતાને એક ભારતીય નાગરિક તરીકે દર્શાવ્યો હતો. ઉપરાંત તેને પોતાની પાસે રહેલ ખોટું આધારકાર્ડ પણ બતાવ્યું હતું. પરંતુ પોલીસ માટે આ વાત નવી નહોતી. તેઓની તપાસમાં તે આધારકાર્ડ નકલી હોવાનું સાબિત થયું હતું.
પોલીસે તેની વધુ તપાસ કરતા તેની પાસેથી નકલી આધારકાર્ડ ઉપરાંત વધુ ડોક્યુમેન્ટ્સ અને 2 મોબાઈલ પણ મળી આવ્યા હતા. આ ડોક્યુમેન્ટ્સમાં ભારતના આધારકાર્ડ, બાંગ્લાદેશનું ઓળખપત્ર, અંગ્રેજી અને બાંગ્લાદેશી ભાષામાં જન્મના દાખલા વગેરેનો સ્મવેશ થાય છે.
તપાસમાં એ પણ સામે આવ્યું છે કે તે વર્ષ 2015થી અમદાવાદમાં આ ખોટા ડોક્યુમેન્ટ્સના આધારે રહી રહ્યો હતો. ધરપકડ કર્યા બાદ હવે ક્રાઇમ બ્રાન્ચે આગળની કાર્યવાહી શરૂ કરી છે. શક્ય છે કે વધુ તપાસમાં આ વિષયમાં વધુ મોટા ખુલાસાઓ પણ થઈ શકે છે.
સુરતમાં આ પહેલા પણ અલ-કાયદા સાથે જોડાયેલા બાંગ્લાદેશીઓ પકડાયા છે
આ વર્ષના જુલાઇ મહિનામાં પણ સુરતમાંથી જ વધુ એક બાંગ્લાદેશી ઘુષણખોર ઝડપાયો હતો જેનો સંબંધ પણ આતંકી સંગઠન અલ-કાયદા સાથે હતો.
સુરતમાં અલ-કાયદા સાથે જોડાયેલો શંકાસ્પદ બાંગ્લાદેશી ઘુષણખોરને ઝડપ્યા બાદ ATSએ જણાવ્યું હતું કે, “અમદાવાદથી દબોચવામાં આવેલા બાંગ્લાદેશીઓ અને આ ઇસમ અલ-કાયદાના જ, પણ અલગ-અલગ મોડ્યુલ પર કામ કરતા હતા.”
જોકે ધરપકડની આ બંન્ને ઘટનાઓમાં તમામ વ્યક્તિઓનો હેન્ડલર એક જ હોવાનો ખુલાસો થયો છે. એજન્સીઓને માહિતી મળી છે કે, બાંગ્લાદેશના મેમનસિંગ પ્રાંતના સક્રિય આતંકવાદી સમૂહના આકાઓ શરીફુલ ઇસ્લામ અને શાયબાના કમાંડ પર આ તમામ લોકો કામ કરતા હતા.
નોંધનીય છે કે આ જ મોડ્યુલ પર કામ કરનાર અન્ય આતંકવાદીઓ અમદાવાદના દાણીલીમડાના ચંડોળા અને નારોલ વિસ્તારથી પણ પકડાઈ ચૂક્યા છે. હાલ તમામ એજન્સીઓ સાથે મળીને આ બાબતે વધુ તપાસ કરી રહી છે. શક્ય છે કે આગળ જતા આ બાબતે વધુ ખુલાસાઓ થાય.