ગાઝિયાબાદની ABES કૉલેજમાં ‘જય શ્રીરામ’ કહીને અભિવાદન કરવા બદલ વિદ્યાર્થીને ઠપકો આપીને પ્રતાડિત કરવાના કેસમાં હવે કોલેજ પ્રશાસને કાર્યવાહી કરી છે અને 2 મહિલા પ્રોફેસરોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં છે. તેમની ઓળખ મમતા ગૌતમ અને શ્વેતા શર્મા તરીકે થઈ છે. શનિવારે (21 ઓક્ટોબર, 2023) આ કાર્યવાહીની પુષ્ટિ કોલેજના પ્રોફેસર અને ડાયરેક્ટર સંજય કુમાર સિંહે કરી હતી.
સંજય કુમાર સિંહે કાર્યવાહી અંગે જાણકારી આપતાં સંસ્થાના આધિકારિક ટ્વિટર હેન્ડલ પર એક વીડિયો પોસ્ટ કર્યો અને જણાવ્યું કે, “મારા ધ્યાનમાં ગઈકાલે એક વીડિયો આવ્યો હતો, જેના આધારે અમે એક ઉચ્ચસ્તરીય તપાસ સમિતિની રચના કરી હતી. કોલેજ પ્રશાસને આ સમિતિને 24 કલાકમાં રિપોર્ટ આપવાના નિર્દેશ આપ્યા હતા. સમિતિ દ્વારા આપવામાં આવેલ માહિતીના આધારે બિનજવાબદાર વ્યવહાર કરનારા 2 ફેકલ્ટીને સસ્પેન્ડ કરવામાં આવે છે.
— abes (@abesecofficial) October 21, 2023
સસ્પેન્ડ કરવામાં આવેલાં પ્રોફેસર મમતા ગૌતમ ABES કોલેજમાં રસાયણ વિજ્ઞાન વિભાગમાં એસોસિએટ પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે. જ્યારે અન્ય એક પ્રોફેસર શ્વેતા શર્મા સામે પણ એક્શન લેવામાં આવી છે, જેઓ આ જ કોલેજમાં રસાયણ વિજ્ઞાન વિભાગમાં જે આસિસ્ટન્ટ પ્રોફેસર હતાં. મમતા 16 વર્ષનો અને શ્વેતા 12 વર્ષનો શિક્ષક તરીકેનો અનુભવ ધરાવે છે તેમ જાણવા મળ્યું છે.
અહીં નોંધવું જોઈએ કે 21 ઓક્ટોબરના રોજ જ ABES કોલેજની વેબસાઈટ હૅક થઈ ગઈ હતી અને હૅકરે હોમપેજ પર અંગ્રેજી અને હિન્દી મૂળાક્ષરોમાં ‘જય શ્રીરામ’ લખીને ભગવાન રામને તસવીર પોસ્ટ કરી હતી. આ સિવાય એક ખૂણામાં પ્રોફેસર મમતા ગૌતમને શૂર્પણખા તરીકે દર્શાવવામાં આવ્યાં હતાં. જોકે, પછીથી વેબસાઈટ રિકવર કરી લેવામાં આવી હતી.
શું છે સમગ્ર મામલો?
સમગ્ર મામલો એવો છે કે ગાઝિયાબાદની કોલેજમાં આયોજિત કલ્ચરલ ફેસ્ટિવલમાં એક વિદ્યાર્થી સ્ટેજ પરફોર્મન્સ પહેલાં ઑડિયન્સમાં બેઠેલા વિદ્યાર્થીઓના ‘જય શ્રીરામ’ના અભિવાદનનો જવાબ તે જ નારા સાથે આપ્યો હતો. પરંતુ આ 2 પ્રોફેસરોને પસંદ ન પડ્યું અને તેમણે અટકાવીને વિદ્યાર્થીને ‘તમે આના માટે કોલેજ આવો છો?’ અને ‘આ ચલાવી લેવામાં નહીં આવે’ તેમ કહીને સ્ટેજ પરથી અપમાનિત કરીને ઉતારી મૂક્યો હતો.
આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો અને ત્યારબાદ પોલીસ સુધી પણ મામલો પહોંચ્યો. પોલીસે એક તરફ પ્રાથમિક તપાસ શરૂ કરી હતી તો બીજી તરફ કૉલેજ પ્રશાસને પણ કાર્યવાહી કરીને શિક્ષિકાઓને સસ્પેન્ડ કરી દીધી હતી. વધુમાં આ મામલે પ્રોફેસર મમતા ગૌતમનું પણ નિવેદન સામે આવ્યું છે, જેમાં તેમણે પોતાનો બચાવ કરીને વિદ્યાર્થીની જ ભૂલો કાઢી અને એમ પણ કહ્યું કે તેમના વિરુદ્ધ સોશિયલ મીડિયા પર જે ટિપ્પણીઓ કરવામાં આવી રહી છે તેની સામે તેઓ કોર્ટમાં જશે.