ગુજરાતમાં છેલ્લાં 2 વર્ષથી ગુજરાત પોલીસ ડ્રગ્સ વિરૂદ્ધ અભિયાન ચલાવી રહી છે. ખાસ કરીને દરિયાકાંઠેથી આવતું ડ્રગ્સ પકડવા પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. એક પછી એક માફિયાઓને પકડવામાં આવી રહ્યા છે. માદક પદાર્થોને વેચનારા અને સપ્લાય કરનારા લોકો માટે ગુજરાત સરકારનું વલણ સ્પષ્ટ છે. તાજેતરમાં જ પોલીસે કચ્છમાંથી 80 કિલો કોકેઈનનો જથ્થો જપ્ત કર્યો હતો. ત્યારે ફરી એકવાર ગુજરાત પોલીસે આ દિશામાં મોટી સફળતા મેળવી છે. અમદાવાદ સાયબર ક્રાઇમ અને કસ્ટમ વિભાગે અમદાવાદમાંથી આંતરરાષ્ટ્રીય રેકેટનો પર્દાફાશ કરીને 46 લાખથી વધુ કિંમતનું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે.
અમદાવાદ સાયબર ક્રાઇમ અને કસ્ટમ વિભાગના સંયુક્ત ઓપરેશનમાં ભારતમાં ડ્રગ્સની હેરાફેરી સાથે સંકળાયેલા આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ થયો છે. આ રેકેટ કેનેડામાંથી ચલાવવામાં આવતું હતું. ડાર્ક વેબ અને સોશિયલ મીડિયાની મદદ વડે કેનેડા, અમેરિકા અને ફુકેટથી આંતરરાષ્ટ્રીય કુરિયર કંપની થકી ડ્રગ્સ સપ્લાય કરવામાં આવતું હતું. કસ્ટમ અધિકારીઓએ અમદાવાદ એરપોર્ટ પરથી અંદાજે 46 લાખથી વધુની કિંમતનું ડ્રગ્સ જપ્ત કર્યું છે.
Gujarat | Ahmedabad Cyber Crime and Customs Department busted an international racket allegedly supplying drugs using the dark web and social media. Cocaine weighing 2.31 gms worth Rs 2,31,000 in the domestic market along with high-quality international cannabis weighing 5.970kg… pic.twitter.com/fntRiMcMe3
— ANI (@ANI) September 30, 2023
કેનેડાથી બુક્સ અને રમકડાંમાં સપ્લાય થતું હતું ડ્રગ્સ
આ ડ્રગ્સ કૌભાંડ આંતરરાષ્ટ્રીય સ્તરે મોટાપાયે ચાલી રહ્યું હતું. કેનેડાથી દેશભરમાં કોકેઈન અને કેનાબીજ જેવા માદક ડ્રગ્સ પદાર્થોને સપ્લાય કરવામાં આવી રહ્યા હતા. આ સમગ્ર કૌભાંડમાં ડ્રગ્સને એક કુરિયર કંપની દ્વારા ટ્રાન્સફર કરવામાં આવતું હતું. જાણવા મળી રહ્યું છે કે બુક્સ અને રમકડાંમાં ડ્રગ્સ મંગાવવામાં આવતું હતું. પુસ્તકના પેજમાં ડ્રગ્સ પલાળીને રાખવામાં આવતું હતું અને ડિલિવરી પછી પેજના નાના ટુકડાઓ કરીને ડ્રગ્સ તૈયાર કરવામાં આવતું હતું. આ સંપૂર્ણ ષડયંત્રનો આખરે પર્દાફાશ થયો છે. અમદાવાદ સાયબર ક્રાઇમ અને કસ્ટમ વિભાગના સંયુક્ત પ્રયાસે મોટી સંખ્યામાં ડ્રગ્સથી યુકત બુક્સ અને રમકડાં ઝડપી પાડયા છે.
ડ્રગ્સ પેડલર્સ અને ખરીદનારાઓને ટ્રેસ કરી લેવામાં આવ્યા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. 2.31 ગ્રામનું 2 લાખ 31 હજારનું કોકેઈન અને 6 કિલોગ્રામ આંતરરાષ્ટ્રીય ગાંજો પકડવામાં આવ્યો છે. જેની કિંમત 46 લાખથી વધુની થતી હોવાનું જાણવા મળ્યું છે. ડ્રગ્સ માફિયાઓ ભારતના અલગ-અલગ વિસ્તારોમાં આ ડ્રગ્સ સપ્લાય કરતાં હતા અને તેના માટે ડાર્ક વેબસાઈટ અને સોશિયલ મીડિયાનો ભરપૂર ઉપયોગ કરતા હતા. આખરે સાયબર ક્રાઇમ અને કસ્ટમ વિભાગે ભેગા મળીને અમદાવાદમાંથી આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે અને આગળની તપાસ હાથ ધરી છે.