Saturday, July 27, 2024
More
    હોમપેજગુજરાતકચ્છમાંથી ફરી પકડાયું ડ્રગ્સ: ગુજરાત પોલીસે દરિયાકાંઠેથી 80 કિલો કોકેઈનનો જથ્થો ઝડપી...

    કચ્છમાંથી ફરી પકડાયું ડ્રગ્સ: ગુજરાત પોલીસે દરિયાકાંઠેથી 80 કિલો કોકેઈનનો જથ્થો ઝડપી પાડ્યો, આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 800 કરોડ

    ડ્રગ્સની ડિલીવરી થયા બાદ આરોપીઓ તેને સગેવગે કરે તે પહેલાં જ પોલીસની ટીમ પહોંચી ગઈ હતી અને દરોડા પાડીને જથ્થો ઝડપી પાડ્યો હતો. જોકે, આરોપીઓ પોલીસને જોઈને ભાગી છૂટ્યા હતા, જેમની શોધખોળ હાલ ચાલી રહી છે. 

    - Advertisement -

    કચ્છમાંથી ફરી ગુજરાત પોલીસે કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. પકડાયેલ જથ્થો 80 કિલો જેટલો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે, જેની માર્કેટ કિંમત 800 કરોડ જેટલી થાય છે. 

    કચ્છના પૂર્વના એસપીએ જણાવ્યું હતું કે, ગુજરાત પોલીસે દરિયાકાંઠેથી 80 કિલો ડ્રગ્સ પકડી પાડ્યું છે, જેની ઇન્ટરનેશનલ માર્કેટમાં કિંમત 800 કરોડ જેટલી થાય છે. માહિતી મળતાં જ પોલીસ એક્શનમાં આવી હતી, બીજી તરફ પોલીસને જોઈને આરોપીઓ ડ્રગ્સ છોડીને ભાગી ગયા હતા. કેસની તપાસ ચાલી રહી છે. 

    કાર્યવાહીને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, “ગાંધીધામ પોલીસની સતર્કતાના કારણે ગુજરાત પોલીસને ડ્રગ્સ સામેની લડાઈમાં મોટી સફળતા પ્રાપ્ત થઈ છે. છેલ્લા ઘણા દિવસથી ગાંધીધામ પોલીસે સતર્કતા રાખીને બાતમીના આધારે ડ્રગ્સની ડિલીવરી થતાં જ પકડી પાડ્યું હતું. 80 કિલો કોકેઈન જપ્ત કરવામાં આવ્યું છે, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 800 કરોડ થાય છે. ગાંધીધામ પોલીસ અને ગુજરાત DGPને આ સફળતા માટે અભિનંદન આપું છું તેમજ ગુજરાત પોલીસે છેલ્લાં 2 વર્ષથી ડ્રગ્સ સામે જે ઝુંબેશ ચલાવી છે તેમાં વધુને વધુ સફળતા મળે તેવી આજના દિવસે ગણેશજીને પ્રાર્થના કરું છું.”

    - Advertisement -

    આ ડ્રગ્સ કચ્છના મીઠીરોહરના દરિયાકિનારેથી પકડાયું હતું. જે કોકેઈન હોવાનું જાણવા મળ્યું છે. કચ્છ પૂર્વ LCB શાખાને બાતમી મળી હતી, જેના આધારે પોલીસે મીઠીરોહર વિસ્તારમાં વૉચ ગોઠવી હતી. ડ્રગ્સની ડિલીવરી થયા બાદ આરોપીઓ તેને સગેવગે કરે તે પહેલાં જ પોલીસની ટીમ પહોંચી ગઈ હતી અને દરોડા પાડીને જથ્થો ઝડપી પાડ્યો હતો. જોકે, આરોપીઓ પોલીસને જોઈને ભાગી છૂટ્યા હતા, જેમની શોધખોળ હાલ ચાલી રહી છે. 

    ઉલ્લેખનીય છે કે છેલ્લાં 2 વર્ષથી ગુજરાત પોલીસ ડ્રગ્સ વિરૂદ્ધ અભિયાન ચલાવી રહી છે. ખાસ કરીને કચ્છના દરિયાકાંઠેથી આવતું ડ્રગ્સ પકડવા પર વિશેષ ધ્યાન અપાય છે. પશ્ચિમી દરિયાકાંઠો વેપાર માટે પણ મહત્વ ધરાવે છે અને અહીં મુન્દ્રા અને કંડલા જેવાં બંદરો પણ આવેલાં છે. પરંતુ તેનો લાભ લઈને પેડલરો ડ્રગ્સ પણ ઘૂસાડવાનાં કાવતરાં કરતા હોય છે પરંતુ પોલીસે સતર્કતા દાખવીને ભૂતકાળમાં પણ અનેક વખત ડ્રગ્સ પકડીને તેમના મનસૂબા પર પાણી ફેરવી મૂક્યું છે.

    સપ્ટેમ્બર 2021માં પોલીસે મુન્દ્રા બંદરેથી 21 હજાર કરોડ કિંમતનું 3 હજાર કિલો ડ્રગ્સ પકડી પાડ્યું હતું. ત્યારબાદ પણ સમયાંતરે કચ્છમાંથી ડ્રગ્સ પકડાતું રહ્યું છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં