અમેરિકાની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પના (Donald Trump) વિજય બાદ હવે નવી સરકારની રચનાની તૈયારીઓ ચાલી રહી છે. આ માટે વારાફરતી અગત્યનાં પદો પર નિમણૂકો થઈ રહી છે, જે તમામ વ્યક્તિઓ જાન્યુઆરી, 2025માં ડોનાલ્ડ ટ્રમ્પ સાથે જ પોતપોતાના કાર્યભાર સંભાળશે. આ જ ક્રમમાં ટ્રમ્પે બુધવારે (13 નવેમ્બર) અમેરિકન હિંદુ તુલસી ગબાર્ડની (Tulsi Gabbard) નિયુક્તિ નેશનલ ઇન્ટેલિજન્સના ડાયરેક્ટર પદે કરી. જેમની ચર્ચા હાલ અમેરિકા અને ભારતમાં પણ ચાલી રહી છે. ગબાર્ડ જાન્યુઆરી, 2025માં ચાર્જ સંભાળશે.
તેમના નામની ઘોષણા કરતાં ટ્રમ્પે કહ્યું કે, “20 વર્ષથી તુલસીએ રાષ્ટ્રની સુરક્ષા અને તેના નાગરિકોની સલામતી સુનિશ્ચિત કરવા માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું છે. નેશનલ ઇન્ટેલિજન્સના ડાયરેક્ટર તરીકે તેઓ પોતાના સાહસી સ્વભાવને ઇન્ટેલિજન્સ કોમ્યુનિટીમાં પણ લાવશે અને આપણા બંધારણીય અધિકારોની રક્ષા કરશે.”
નેશનલ ઇન્ટેલિજન્સની કમાન સંભાળવા માટે જઈ રહેલાં તુલસી હાલ અમેરિકી રિઝર્વ આર્મીમાં લેફ્ટનન્ટ કર્નલ છે. ઉપરાંત, 2004થી 2005 દરમિયાન તેમણે ઇરાકમાં યુદ્ધ વખતે અમેરિકાના એર નેશનલ ગાર્ડમાં ફિલ્ડ મેડિકલ યુનિટમાં મેજરના પદ પર રહીને સેવા આપી હતી. 2008-09માં તેઓ કુવૈતમાં પણ સેનામાં તહેનાત હતાં. જોકે, ઇન્ટેલિજન્સ ક્ષેત્રમાં તેમને પ્રથમ વખત મોટું પદ મળ્યું છે.
કોણ છે તુલસી ગબાર્ડ
તુલસી ગબાર્ડનું નામ એવું છે કે તેમનું ભારત સાથેનું જોડાણ હોવાનું અનુમાન લગાવવામાં આવે, પરંતુ વાસ્તવમાં તેઓ મૂળ અમેરિકન અને હિંદુ જ છે. પરંતુ તેમની માતાએ હિંદુ ધર્મ અપનાવ્યો હોવાથી બાળકોનાં નામ હિંદુ ધર્મ અનુસાર આપ્યાં હતાં. માતાના વારસાને જાળવી રાખતાં તુલસી પોતાને હિંદુ તરીકે જ ઓળખાવે છે અને એ પણ નોંધવું જોઈએ કે તેઓ પ્રથમ હિંદુ અમેરિકી કોંગ્રેસવુમન છે.
તુલસીની જીવનશૈલી હિંદુ ધર્મ પ્રમાણેની છે. તેઓ સંપૂર્ણ શાકાહારી છે. જ્યારે તેઓ કોંગ્રેસમાં ચૂંટાયાં હતાં ત્યારે તેમણે શપથ લેતી વખતે હાથમાં ભગવદ્ ગીતા રાખી હતી. તે સમયે પણ તેમની ચર્ચા થઈ હતી.
તેઓ પહેલાં હવાઈથી પ્રતિનિધિ તરીકે ચૂંટાયાં હતાં, પરંતુ કુવૈતમાં નેશનલ ગાર્ડ યુનિટમાં પોસ્ટિંગ મળ્યા બાદ અમેરિકા છોડવું પડ્યું હતું. પરત ફર્યા બાદ ફરીથી ચૂંટાયાં હતાં. તેઓ ગૃહના પ્રથમ હિંદુ સભ્ય છે.
વર્ષ 2020માં પણ તેઓ ચર્ચામાં આવ્યાં હતાં, જ્યારે તેમણે ડેમોક્રેટ પાર્ટીમાંથી રાષ્ટ્રપતિ પદની ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી અને ઉમેદવારી પણ કરી હતી. પણ આખરે પાર્ટીએ ઉમેદવાર તરીકે જો બાયડનને પસંદ કર્યા. પછીથી તુલસીએ બાયડનને સમર્થન જાહેર કર્યું હતું, પરંતુ બે વર્ષ પછી તેમણે ડેમોક્રેટ પાર્ટી છોડી દીધી. ત્યારબાદ તેઓ બાયડન સરકારનાં ટીકાકાર રહ્યાં અને ઘણા નિર્ણયો અને નીતિઓની ટીકા કરતાં રહ્યાં. આ ચૂંટણીમાં તેમણે ડોનાલ્ડ ટ્રમ્પને સમર્થન જાહેર કર્યું હતું. ત્યારબાદ ઑક્ટોબર, 2024માં તેઓ અધિકારિક રીતે રિપબ્લિકન પાર્ટીમાં સામેલ થયાં.
તુલસી ગબાર્ડ પીએમ મોદીના ઘણા નિર્ણયોનાં સમર્થક રહ્યાં છે. વર્ષ 2014માં પીએમ મોદીએ ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ માટે પહેલ કર્યા બાદ તુલસીએ તેમને સમર્થન જાહેર કર્યું હતું. તેમણે આ માટે એક પ્રસ્તાવ પણ રજૂ કર્યો હતો. જેમાં કહેવામાં આવ્યું હતું કે, યોગ ન માત્ર સ્વાસ્થ્ય સુધારશે, પણ શાંતિ અને વૈશ્વિક પડકારોના સમાધાન માટે પણ મદદ કરશે અને વૈદિક ગ્રંથોમાં જે જ્ઞાન છે તે જાણીને પશ્ચિમી દેશો આશ્ચર્યમાં મુકાઈ જશે. પીએમ મોદી સાથેની એક મુલાકાત દરમિયાન તેમણે વડાપ્રધાનને શ્રીમદ્ ભગવદ્ ગીતાની એક નકલ પણ ભેટમાં આપી હતી.
તેઓ ભગવદ્ ગીતાને એક ‘અનુભવથી પર જીવનરેખા’ તરીકે ગણાવે છે અને કહે છે કે આ ગ્રંથ અનિશ્ચિતતાના સમયમાં પણ એક નવી આશા જન્માવે છે. 2020ના પડકારજનક વર્ષનો ઉલ્લેખ કરીને તેમણે કહ્યું હતું કે, ગીતામાંથી તેમને શક્તિ મળી હતી અને આ ગ્રંથ ઉથલપાથલ થતા જીવનમાં પણ સ્થિર કઈ રીતે રહેવું તે શીખવે છે.
પાકિસ્તાન, બાંગ્લાદેશના હિંદુઓ માટે સતત ઉઠાવતાં રહે છે અવાજ
તુલસી ગબાર્ડ પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં હિંદુ લઘુમતીઓ પર થતા અત્યાચારો મુદ્દે પણ અનેક વખત અવાજ ઉઠાવી ચૂક્યાં છે. વર્ષ 2021માં ઇસ્લામી કટ્ટરપંથીઓએ દુર્ગા પૂજા દરમિયાન હિંદુઓ પર હુમલા કર્યા હતા, જેની ઉપર તેમણે કડક શબ્દોમાં નિવેદન આપ્યું હતું અને હિંસાપીડિત હિંદુઓ માટે અવાજ ઉઠાવ્યો હતો.
2021માં તેમણે બાંગ્લાદેશમાં હિંદુઓ પર થતા અત્યાચાર વિરુદ્ધ એક પ્રસ્તાવ પણ યુએસ કોંગ્રેસમાં રજૂ કર્યો હતો. સાથે એ પણ નોંધ્યું હતું કે કઈ રીતે પચાસ વર્ષ અગાઉ (1971માં) પાકિસ્તાની સેનાએ હજારો બંગાળી હિંદુઓનો નરસંહાર કર્યો હતો અને એક સુનિયોજિત ષડયંત્ર રચીને લાખો હિંદુઓની હત્યા કરી નાખી હતી.
આમ તો કાશ્મીર અને પાકિસ્તાનના મુદ્દે ઘણાં વર્ષો સુધી અમેરિકાનું વલણ હલકડોલક થતું રહ્યું છે. પરંતુ તુલસી ગબાર્ડ કાયમ આ મુદ્દે ભારતતરફી વલણ ધરાવતાં રહ્યાં છે. 2017માં તેમણે પાકિસ્તાનપ્રેરિત આતંકવાદનો મુદ્દો ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે, કઈ રીતે પાકિસ્તાન આતંકવાદીઓને પોતાની ધરતીનો ઉપયોગ કરવા દઈને ભારત અને પડોશી દેશોમાં આતંકી ગતિવિધિને પ્રોત્સાહન આપી રહ્યું છે.
2017માં તેમણે એક પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જેમાં સીરિયા અને તેની નજીકના વિસ્તારોમાં આતંકવાદીઓને થતા ફન્ડિંગ પર રોક લગાવવાની માંગ કરવામાં આવી હતી. આતંકવાદને થતા ફન્ડિંગમાં પાકિસ્તાનનું નામ પણ બહુ આગળ આવે છે.
તુલસી ગબાર્ડ હવે અમેરિકાનાં નેશનલ ઇન્ટેલિજન્સ ડાયરેક્ટર બનશે. આ હોદ્દો કેબિનેટ કક્ષાનો છે. જેઓ જુદી-જુદી ઇન્ટેલિજન્સ એજન્સીઓનાં ઑપરેશનો પર દેખરેખ રાખશે અને મહત્વની બાબતોને લઈને રાષ્ટ્રપતિને સલાહ આપશે. ઉપરાંત, તેઓ કાઉન્ટર ઇન્ટેલિજન્સ પણ જોશે અને ઇન્ટેલિજન્સ બજેટ પણ નક્કી કરશે. સાથે ઇન્ટેલિજન્સ ઑપરેશનો પર નજર રાખશે.