Friday, November 22, 2024
More
    હોમપેજદુનિયાઅયોધ્યાના રામ મંદિરના દ્રઢ સમર્થક, ડોનાલ્ડ ટ્રમ્પની નજીકના વ્યક્તિ: કોણ છે મૂળ...

    અયોધ્યાના રામ મંદિરના દ્રઢ સમર્થક, ડોનાલ્ડ ટ્રમ્પની નજીકના વ્યક્તિ: કોણ છે મૂળ ગુજરાતના કશ્યપ પટેલ, CIA ડાયરેક્ટર તરીકે ચર્ચાઈ રહ્યું છે જેમનું નામ

    સરકાર છોડ્યા પછી પણ તેઓ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ઘણા સક્રિય રહ્યા હતા અને તેમનો એજન્ડા આગળ ધપાવતા રહ્યા. તેઓ ટ્રમ્પ મીડિયા એન્ડ ટેકનોલોજી ગ્રુપના ડાયરેક્ટર પદે પણ રહી ચૂક્યા છે. હવે જ્યારે ટ્રમ્પ ફરીથી સત્તામાં પરત ફર્યા છે ત્યારે માનવામાં આવી રહ્યું છે કે ફરી એક વખત કાશ પટેલને સરકારમાં સ્થાન મળી શકે છે અને CIAના ડાયરેક્ટર પદે તેમની નિમણૂક થઈ શકે છે. 

    - Advertisement -

    અમેરિકાની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પના (Donald Trump) ભવ્ય વિજય બાદ હવે તેમની નવી સરકારમાં કોણ-કોણ જાણીતા ચહેરાઓ હશે તેની ચર્ચા શરૂ થઈ ગઈ છે. જેમાં અમેરિકાની વિશ્વવિખ્યાત ગુપ્તચર એજન્સી CIA (સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સી)ના ડાયરેક્ટર તરીકે એક મૂળ ભારતીય કશ્યપ પટેલનું નામ ચર્ચામાં છે. કશ્યપ પટેલ (Kashyap Patel) ‘કાશ પટેલ’ તરીકે અમેરિકામાં વધુ જાણીતા છે અને તેમનો પરિવાર મૂળ ગુજરાતનો છે. 

    ડોનાલ્ડ ટ્રમ્પ સત્તા સંભાળે ત્યારબાદ તેમની નવી ટીમની ઘોષણા કરશે. હજુ સુધી સત્તાવાર માહિતી તો સામે આવી નથી પરંતુ ચર્ચા એવી છે કે CIA ડાયરેક્ટર તરીકે કશ્યપ પટેલ પર પસંદગી ઉતારવામાં આવી શકે છે. 

    ભૂતકાળમાં કાશ પટેલ ડોનાલ્ડ ટ્રમ્પના પહેલા કાર્યકાળ દરમિયાન ડિફેન્સ અને ઇન્ટેલિજન્સ સેક્ટરમાં અનેક મહત્વનાં પદો પર કામ કરી ચૂક્યા છે. તેમણે અગાઉ એક્ટિંગ સેક્રેટરી ઑફ ડિફેન્સ ક્રિસ્ટોફર મિલરના ચીફ ઑફ સ્ટાફ તરીકે પણ કામ કર્યું છે. ઉપરાંત, તેઓ ચૂંટણીમાં ટ્રમ્પના પ્રચાર અભિયાનનો પણ અગત્યનો હિસ્સો રહ્યા હતા. 

    - Advertisement -

    પરિવાર મૂળ ગુજરાતનો

    કશ્યપ પટેલનાં મૂળ ગુજરાતના વડોદરામાં છે. તેમના માતા-પિતા પૂર્વ આફ્રિકામાં પહેલાં સ્થળાંતરિત થયા હતા. પછીથી વર્ષ 1970માં તેમના પિતા યુગાન્ડાથી અમેરિકા પહોંચ્યા હતા. ત્યારબાદ તેમનો પરિવાર ત્યાં જ સ્થિર થયો. 

    કાશ પટેલનો જન્મ વર્ષ 1980માં ન્યૂયોર્કમાં થયો હતો. તેમણે સ્નાતક સુધીનો અભ્યાસ યુનિવર્સિટી ઑફ રિચમંડમાંથી કાર્યો હતો અને ત્યારબાદ યુનિવર્સિટી કોલેજ લંડનમાંથી લૉની ડિગ્રી મેળવી હતી. જોકે શરૂઆતના સમયમાં તેમને ખાનગી લૉ ફર્મમાં પ્રેક્ટિસ કરવા માટે સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. પછીથી તેમણે ખાનગી પ્રેક્ટિસ કરવાનું શરૂ કર્યું. તેમણે લગભગ 9 વર્ષ સુધી મિયામીની કોર્ટમાં હત્યા, નાર્કોટિક્સ અને નાણાકીય ગુનાઓ મામલેના કેસ હેન્ડલ કર્યા. 

    પછીથી તેઓ સરકારનો પણ ભાગ રહ્યા અને ન્યાય વિભાગમાં ટેરરિરસ્ટ પ્રોસિક્યુટર તરીકે કામ કર્યું, જ્યાં તેમણે અલ-કાયદા અને ISISના આતંકવાદીઓ સામે સરકાર પક્ષે કેસ લડ્યા હતા. તેમણે થોડો સમય જોઇન્ટ સ્પેશિયલ ઑપરેશન કમાન્ડ સાથે જસ્ટિસ ડિપાર્ટમેન્ટના લાયઝન ઑફિસર તરીકે પણ કામ કર્યું હતું. 

    વર્ષ 2017માં તેમની કારકિર્દીમાં અગત્યનો વળાંક આવ્યો, જ્યારે તત્કાલીન હાઉઝ પરમેનન્ટ સિલેક્ટ કમિટી ઓન ઈન્ટેલિજન્સના ચેરમેન ડેવિડ નન્સે કશ્યપની નિમણૂક પોતાની ટીમમાં કરી. આ સમિતિએ વર્ષ 2016ની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં રશિયાના હસ્તક્ષેપ મામલે એક તપાસ કરી હતી, જેની અધ્યક્ષતા કાશ પટેલે કરી હતી. 

    સમિતિની તપાસના આધારે જે ચાર પાનાનો રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો તેમાં કાશ પટેલે અગત્યની ભૂમિકા ભજવી હતી. આ રિપોર્ટની પછીથી ખૂબ ચર્ચા થઈ હતી અને ટ્રમ્પના ધ્યાનમાં પણ તેઓ આવી ગયા હતા. ત્યારબાદ તેમને ટ્રમ્પના કાર્યકાળ દરમિયાન અનેક અગત્યનાં કામ મળ્યાં. 

    ફેબ્રુઆરી, 2019માં તેઓ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલનો ભાગ બન્યા અને પછીથી કાઉન્ટર ટેરેરિઝમ ડિરેક્ટોરેટના સિનિયર ડાયરેક્ટર તરીકે નિમણૂક થઈ. આ પદ પર રહીને ટ્રમ્પની સૂચનાથી તેમણે ISIS અને અલ-કાયદા આતંકવાદીઓ વિરુદ્ધ ઑપરેશન ચલાવવાથી લઈને સીરિયન સરકાર દ્વારા બંધક બનાવવામાં આવેલા અમેરિકનોને પરત લાવવા સુધીનાં અનેક અગત્યનાં કામ પાર પાડ્યાં હતાં. 

    ફેબ્રુઆરી, 2020માં તેમને ડાયરેક્ટર ઑફ નેશનલ ઇન્ટેલિજન્સની ઑફિસમાં નિમણૂક આપવામાં આવી હતી. પછીથી તેઓ એક્ટિંગ ડિફેન્સ સેક્રેટરી ક્રિસ્ટોફર મિલરના ચીફ ઑફ સ્ટાફ પણ બન્યા. 

    સરકાર છોડ્યા બાદ પણ ટ્રમ્પ સાથે સંકળાયેલા રહ્યા

    સરકાર છોડ્યા પછી પણ તેઓ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ઘણા સક્રિય રહ્યા હતા અને તેમનો એજન્ડા આગળ ધપાવતા રહ્યા. તેઓ ટ્રમ્પ મીડિયા એન્ડ ટેકનોલોજી ગ્રુપના ડાયરેક્ટર પદે પણ રહી ચૂક્યા છે. હવે જ્યારે ટ્રમ્પ ફરીથી સત્તામાં પરત ફર્યા છે ત્યારે માનવામાં આવી રહ્યું છે કે ફરી એક વખત કાશ પટેલને સરકારમાં સ્થાન મળી શકે છે અને CIAના ડાયરેક્ટર પદે તેમની નિમણૂક થઈ શકે છે. 

    જોકે, CIA ડાયરેક્ટર પદે નિમણૂક માટે સિનેટની મંજૂરી જરૂરી છે, પણ તેમાં પણ સમસ્યા આવે તેમ નથી કારણ કે મંગળવારની ચૂંટણીમાં ટ્રમ્પની પાર્ટી રિપબ્લિકને ત્યાં પણ બહુમતી મેળવી લીધી છે. છતાં જો સિનેટ મંજૂરી ન આપે તો કાશ પટેલની નિમણૂક નેશનલ સિક્યુરિટી કાઉન્સિલના સભ્ય તરીકે થઈ શકે છે. 

    રામ મંદિર વિશે કહ્યું હતું- ત્યાં 500 વર્ષ પહેલાં મંદિર જ હતું, હિંદુઓએ આટલાં વર્ષ સંઘર્ષ કર્યો 

    કશ્યપ પટેલ દ્રઢ હિંદુવાદી વિચારધારા ધરાવે છે. જાન્યુઆરી, 2024માં જ્યારે અયોધ્યામના રામ મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા થઈ ત્યારે તેમણે અમેરિકન મીડિયાના રિપોર્ટિંગને પડકારીને કહ્યું હતું કે, તેઓ માત્ર પચાસ વર્ષનો ઇતિહાસ (બાબરી ધ્વંસ પછીનો) ઇતિહાસ બતાવી રહ્યાં છે, જ્યારે ખરેખર તો આ ઇતિહાસ પાંચસો વર્ષ જૂનો છે અને તે પહેલાં ત્યાં મંદિર જ હતું. 

    તેમણે કહ્યું હતું કે, “તમે હિંદુ હો કે મુસ્લિમ, એ માનવું પડશે કે ત્યાં હિંદુ ધર્મના આરાધ્યનું એક મંદિર હતું જ અને 1500માં તેને તોડી પાડવામાં આવ્યું હતું. હિંદુઓ તેને પરત મેળવવા માટે 500 વર્ષ સુધી સંઘર્ષ કરતા રહ્યા.” તેઓ આગળ કહે છે કે, અમેરિકાનાં અખબારો આ બાબત જણાવતાં નથી અને ભારત અને વડાપ્રધાન મોદી વિરુદ્ધ ડિસઇન્ફોર્મેશન કેમ્પેઈન ચલાવતા રહે છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં