તાજેતરમાં દિલ્હી ખાતે ભારતે G20 શિખર સંમેલનને સફળતાપૂર્વક પાર પાડ્યું છે. તે બાબતે આજે પણ વિશ્વભરમાં ભારતની પ્રશંસા થઇ રહી છે. આ સાથે અમેરિકાના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ પણ G20 સમિટને સફળ ગણાવી છે. વધુમાં તેઓએ દિલ્હી ઘોષણાપત્રને પણ મહત્વપૂર્ણ ગણાવ્યું છે. આ સંમેલન 9 અને 10 સપ્ટેમ્બરના રોજ દિલ્હી ખાતે યોજાયું હતું.
વૈશ્વિક મહાસત્તા અમેરિકાના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મેથ્યુ મિલરે 11 સપ્ટેમ્બરના દિવસે પત્રકારો સાથેની વાતચીત દરમિયાન G20 સમિટના સફળતાપૂર્વક આયોજન અંગેની પ્રતિક્રિયા આપી હતી. તેમને પૂછવામાં આવ્યું હતું કે, “શું G20 સંમેલન સફળ રહ્યું?” તેમણે પ્રત્યુત્તર આપતાં કહ્યું કે, “અમે (અમેરિકા) સંપૂર્ણ રીતે માનીએ છીએ કે ભારતમાં યોજાયેલ વિશ્વનું મોટું સંગઠન G20નું શિખર સંમેલન સફળ રહ્યું.” આ પછી ચીન અને રશિયા પણ G20ના સદસ્ય હોવાનું તેમણે જણાવ્યું હતું.
#WATCH | On the question of the absence of Russia word from the New Delhi Leaders’ Declaration and whether the G20 Summit was successful, US State Department Spokesperson Matthew Miller says, "We absolutely believe it was a success. The G20 is a big organisation. Russia is a… pic.twitter.com/NgQGhC5iAM
— ANI (@ANI) September 11, 2023
અમેરિકી પ્રવક્તા મિલરે G20 સમિટના નવી દિલ્હીના ઘોષણાપત્રને મહત્વપૂર્ણ ગણાવ્યું હતું. આ સંમેલનમાં રશિયાની ગેરહાજરી બાબતે તેમણે કહ્યું, “એવા સભ્યો પણ આજે સામેલ છે કે જેઓ જુદા મંતવ્ય ધરાવે છે. આ બાબતે અમારું માનવું છે કે સંગઠને બહાર પાડેલ નિવેદન મુજબ પ્રાદેશિક અખંડિતતા અને સાર્વભૌમત્વનું સન્માન કરવાની વાસ્તવિકતા પર અમને સંપૂર્ણ વિશ્વાસ છે. આ સિદ્ધાંતોનું ઉલ્લંઘન થવું જોઈએ નહીં.” આ ખુબ અગત્યનું નિવેદન છે. કેમ કે, યુક્રેન પર થયેલ રશિયાના આક્રમણના કેન્દ્રમાં જ આ વાત રહેલી છે.
ભારતની અધ્યક્ષતામાં યોજાયેલ G20 સમિટના ઘણા નક્કર પરિણામો સામે આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ‘નિર્ણાયક નેતૃત્વ’ અને ગ્લોબલ સાઉથના અવાજને મહત્વપૂર્ણ સમર્થન આપવા બદલ વૈશ્વિક નેતાઓએ તેમની પ્રશંસા કરી છે. આ સંમેલન દ્રારા ભારતે ‘એક પૃથ્વી, એક પરિવાર, એક ભવિષ્ય’નો સંદેશો આપ્યો છે. આ બાબતે પણ વૈશ્વિક નેતાઓએ પ્રભાવિત થઇ સહમતી દર્શાવી હતી.
નોંધનીય છે કે, ભારતે સૌપ્રથમ વખત વૈશ્વિક સંગઠન G20ની અધ્યક્ષતા સાથે સંમેલનનું આયોજન કર્યું હતું. આ સંમેલન દરમિયાન ભારતે સમાવેશી વિકાસ, ડિજિટલ નવીનતા, આબોહવાની સ્થિતિસ્થાપકતા અને સમાન વૈશ્વિક આરોગ્ય જેવા અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વિશ્વના દેશોનું ધ્યાન કેન્દ્રિત કર્યું છે. અગાઉના વર્ષે ઇન્ડોનેશિયાએ G20ની અધ્યક્ષતા કરી હતી, આ પછી ભારત બાદ હવે બ્રાઝીલ તેની અધ્યક્ષતા કરવા જઈ રહ્યું છે.