રાષ્ટ્રપતિની ચૂંટણી જીતીને ફરી એક વખત સુકાન સંભાળવા જઈ રહેલા પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની (Donald Trump) હત્યાના વધુ એક પ્રયાસ વિશે ઘટસ્ફોટ થયો છે. અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઑફ જસ્ટિસે એક ફરિયાદમાં જણાવ્યું છે કે, ઈરાનની (Iran) સેનાએ ટ્રમ્પની હત્યા કરવાનું કાવતરું ઘડ્યું હતું અને આ માટે એક કોન્ટ્રાક્ટ કિલરને કામે લગાડવામાં આવ્યો હતો, પરંતુ તે સફળ ન થયો. અમેરિકાની ચૂંટણીના આગલા જ અઠવાડિયે ટ્રમ્પને મારવાનો પ્લાન હોવાનું પણ સામે આવ્યું છે. આ મામલે અમેરિકી સુરક્ષા એજન્સી FBI તપાસ કરી રહી છે અને મેનહાટન કોર્ટમાં ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે.
અમેરિકન ન્યાય વિભાગે લગાવેલા આરોપો અનુસાર ઈરાનની સરકાર દ્વારા જેને ડોનાલ્ડ ટ્રમ્પની હત્યાની સોપારી આપવામાં આવી હતી તે 51 વર્ષીય એજન્ટ ફરજાદ શાકેરી મૂળ અફઘાની નાગરિક છે. શાકેરી હાલ ઈરાનમાં હોવાનું જાણવા મળ્યું છે. તેને ઈરાનની સેના દ્વારા ગત ઑક્ટોબર મહિનામાં ટ્રમ્પ અને અમેરિકામાં અન્ય અમુક ટાર્ગેટને મારવાનું કામ સોંપવામાં આવ્યું હતું. જોકે, શાકેરીએ અમેરિકી અધિકારીઓને જણાવ્યું છે કે, ઈરાનની સેના દ્વારા તેને જે સમયમર્યાદા આપવામાં આવી હતી તેમાં ટ્રમ્પને મારવાનો તેનો કોઈ પ્લાન ન હતો.
બીજી તરફ, અન્ય એક કેસમાં બે અમેરિકી નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે. જાણવા મળ્યું છે કે શાકેરીએ તેમને એક અમેરિકી પત્રકારની હત્યા કરવા માટે કામે લગાડ્યા હતા. ઈરાની-અમેરિકન પત્રકાર મસીહ અલિનેજાદને મારવાનું પણ કાવતરું ઘડવામાં આવ્યું હતું. આ ત્રીજી વખત તેમની હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. એજન્સીઓએ બે માણસોની ધરપકડ કરી લીધી છે, પણ શાકેરી હજુ ઈરાનમાં જ સંતાયેલો હોવાનું જાણવા મળ્યું છે.
7 દિવસમાં કામ તમામ કરવાના હતા નિર્દેશ
અહેવાલોમાં જણાવ્યા અનુસાર શાકેરીએ FBI એજન્ટો સાથે ટેલિફોનિક વાતચીત પણ કરી હતી. માહિતી અનુસાર શાકેરીએ FBIને જણાવ્યું હતું કે IRGCના (ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ) એક અધિકારીએ ડોનાલ્ડ ટ્રમ્પની હત્યા માટે તેનો સંપર્ક કર્યો હતો. તે સમયે શકેરીએ તેના માટે ‘બહુ મોટી રકમ લાગશે’ તેમ કહેતા ઈરાની અધિકારીએ તેને કહ્યું હતું કે, રૂપિયા તેને જોઈએ તેટલા મળશે. તેણે કહ્યું કે આ આખા કારસ્તાન માટે બહુ મોટી રકમ ખર્ચ કરવામાં આવનાર હતી. તેણે જણાવ્યા અનુસાર, તેને 7 ઑક્ટોબરના રોજ કામ સોંપવામાં આવ્યું હતું અને આ માટે 7 દિવસની સમય મર્યાદા આપવામાં આવી હતી.
વિભાગે લગાવેલા આરોપો અનુસાર આ સાત દિવસની અંદર જ ડોનાલ્ડ ટ્રમ્પની હત્યા કરવાનું કાવતરું હતું. શાકેરીએ જ અધિકારોને જણાવ્યું હતું કે તે આ સાત દિવસમાં ટ્રમ્પને નહોતો મારવા માંગતો, આથી ઈરાની અધિકારીઓએ આ આખા પ્લાનને પડતો મૂકી દીધો. તેની પાછળનું બીજું કારણ જણાવતા અહેલાવોમાં એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે, ઈરાન ચૂંટણી બાદ ડોનાલ્ડ ટ્રમ્પની હત્યા કરવા માંગતું હતું, કારણ કે તેમને હતું કે ટ્રમ્પ ચૂંટણીમાં હારી જશે અને ત્યારબાદ તેઓ સરળતાથી તેમને મારી શકશે.
કોણ છે ફરદાહ શકેરી
જે જાણકારી સામે આવી છે તે પ્રમાણે ફરદાહ શાકેરી મૂળ અફઘાનિસ્તાનનો નાગરિક છે. બાળપણમાં તે શરણાર્થી બનીને અમેરિકા આવ્યો હતો. પરંતુ ચોરીના ગુનામાં દોષી ઠેરવાયા બાદ તેને ડિપોર્ટ કરી દેવામાં આવ્યો હતો. હવે તે ઈરાનના તહેરાનમાં રહીને સોપારી કિલિંગનું આખું નેટવર્ક ચલાવી રહ્યો હોવાનું જાણવા મળ્યું છે.
નોંધવું જોઈએ કે ઈરાન ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC)ની કૂદ ફોર્સના કમાન્ડર અને આતંકવાદી ઘોષિત કરવામાં આવેલા કાસીમ સુલેમાનીના મોતનો બદલો લેવા માટે ડોનાલ્ડ ટ્રમ્પની હત્યા કરવા માંગે છે. સુલેમાની અમેરિકન ડ્રોન એટેકમાં માર્યો ગયો હતો અને તે સમયે ટ્રમ્પ રાષ્ટ્રપતિ હતા. ઈરાન તેના માટે અમેરિકા અને ડોનાલ્ડ ટ્રમ્પને જવાબદાર માને છે.
એ પણ ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં 2 વખત ડોનાલ્ડ ટ્રમ્પની હત્યાના પ્રયાસ થઈ ચૂક્યા છે. ગત 13 જુલાઈના રોજ એક રેલી દરમિયાન ટ્રમ્પ પર ગોળીબાર થયો હતો, જેમાં તેમનો આબાદ બચાવ થયો હતો અને ગોળી કાનને વીંધીને નીકળી ગઈ હતી. તાજેતરમાં ચૂંટણી જીત બાદ સંબોધનમાં ટ્રમ્પે આ ઘટનાને યાદ કરતાં કહ્યું હતું કે, લોકો કહે છે કે ઈશ્વરે મારો જીવ ચોક્કસ હેતુ માટે બચાવ્યો હતો, હવે તેને પૂર્ણ કરવા માટે કામે લગી જવાનો સમય આવી ગયો છે. ટ્રમ્પ અમેરિકાની ચૂંટણીમાં જીતીને હવે જાન્યુઆરી, 2025માં રાષ્ટ્રપતિ પદના શપથગ્રહણ કરશે.