તાઇવાનમાં 25 વર્ષનો સૌથી ભયાનક ભૂકંપ આવ્યો છે. જાણવા મળી રહ્યું છે કે, તેની તીવ્રતા 7.5ની હતી. ભૂકંપના આંચકા જાપાન સુધી અનુભવવામાં આવ્યા છે. ભૂકંપની સ્થિતિ જોતાં જાપાન, તાઇવાન અને ફિલિપિન્સમાં સુનામીની વોર્નિંગ જારી કરવામાં આવી છે. જાપાનના હવામાન વિભાગે દેશના લોકોને સુરક્ષિત રહેવા માટેના નિર્દેશ આપ્યા છે. આ સાથે કહ્યું છે કે, લગભગ 3 મીટર એટલે કે 10 ફૂટ જેટલી લહેરો ઉઠી શકે છે. તાઇવાનમાં ઘણી ઇમારતો પણ જમીનદોસ્ત થઈ ગઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલ કોઈ જાનહાનિ થઈ હોવાના સમાચાર સામે આવ્યા નથી.
તાઇવાનમાં બુધવારે (3 એપ્રિલ) 25 વર્ષનો સૌથી વધુ ભયાનક ભૂકંપ આવ્યો છે. તેનું કેન્દ્ર ઈસ્ટ તાઇવાનના હુલિએન શહેરમાં હોવાનું સામે આવ્યું છે. તાઇવાની સેન્ટ્રલ વેધર બ્યૂરો અનુસાર, આ તાઇવાનનો 25 વર્ષોનો સૌથી મોટો અને ભયાનક ભૂકંપ છે. આ પહેલાં વર્ષ 1999માં 7.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો અને તે સમયે અંદાજિત 2 હજારથી વધુ લોકોના મોત થયા હતા. તાઇવાની મીડિયા અનુસાર, સવારે આવેલા ભૂકંપના કારણે 10 હજારથી વધુ ઘરોમાં વીજળી જતી રહી છે. ભૂકંપથી તાર અને પાવર પ્લાન્ટને ભારે નુકશાન પહોંચ્યું છે. હાલ સરકાર તરફથી અલગ-અલગ ટીમો કાર્યરત છે. આ સાથે વધુ પ્રભાવિત સ્થળો પર સેનાને પણ મોકલવામાં આવી છે. ઘણા લોકો ઇમારતોના કાટમાળ નીચે ફસાયેલા હોવાની આશંકા સેવાઈ રહી છે.
BREAKING: Massive land-sliding after earthquake in Taiwan that is reported to be strongest in 25 years
— Insider Paper (@TheInsiderPaper) April 3, 2024
pic.twitter.com/4twfZfEltn
ભૂકંપના કારણે તાઇવાનમાં ટ્રેન સેવાઓ પણ સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. આ સાથે સ્કૂલો અને સરકારી કાર્યાલયોને કામકાજ બંધ કરવા માટેનો વિકલ્પ પણ આપવામાં આવ્યો છે. ભૂકંપના કારણે ઘણી ઐતિહાસિક ધારોહરોને પણ નુકશાન પહોંચ્યું છે. રિપોર્ટ્સ અનુસાર, દ્વિતીય વિશ્વયુદ્ધ પહેલાં બનેલી સ્કૂલને પણ ભારે નુકશાન થયું છે.
🚨BREAKING: 7.5 magnitude earthquake in Taipei, Taiwan just moments ago #earthquakepic.twitter.com/0GV5PWFwjz
— AJ Huber (@Huberton) April 3, 2024
તાઇવાન ઉપરાંત ભૂકંપની વ્યાપક અસર જાપાન પર વર્તાઈ છે. જાપાનમાં અનેક લોકો ઘાયલ થયા હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. ભૂકંપના કારણે અનેક ઇમારતો અને રોડ-રસ્તાઓ તૂટી પડ્યા છે. આ સાથે એવું પણ જાણવા મળી રહ્યું છે કે, પ્રભાવિત સ્થળો પર તાત્કાલિક ડોકટરો પહોંચી શકતા નથી. આ ઉપરાંત બચાવ કામગીરી પણ શરૂ કરી દીધી હોવાના સમાચાર સામે આવ્યા છે. નોંધનીય છે કે, 1 જાન્યુઆરી 2024ના રોજ જાપાનમાં 7.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જે બાદ અહીં સુનામી પણ આવી હતી. વાજિમા શહેરમાં લગભગ 4 ફૂટ ઊંચી લહેરો ઉઠી હતી. જ્યારે હાલ પણ હવામાન વિભાગે સુનામીની આગાહી કરી છે અને લોકોને સુરક્ષિત રહેવા માટે નિર્દેશો જારી કર્યા છે. આગાહીમાં કહેવાય રહ્યું છે કે, 10 ફૂટ ઊંચા મોજા ઊછળી શકે છે.
જાપાનના પબ્લિક પ્રસારક એનએચકેનું કહેવું છે કે, જાપાનના 1-7 સુધીના ઇન્ટીસિટી સ્કેલમાં ભૂકંપની તીવ્રતા ‘અપર 6’ નોંધવામાં આવી છે. આ તીવ્રતાના ભૂકંપનો અર્થ એ છે કે, આવી સ્થિતિમાં માણસ ઊભો પણ રહી શકતો નથી અને ઢસડાયા વગર મૂવ પણ કરી શકતો નથી. આ સાથે જાપાનમાં પણ બચાવ કામગીરી માટે અલગ-અલગ ટીમોની રચના કરવામાં આવી હોવાનું કહેવાય રહ્યું છે.