અયોધ્યાના રામ મંદિરમાં ભગવાન રામની પ્રતિમાની પ્રાણપ્રતિષ્ઠા થઈ ત્યારથી દેશ અને વિદેશમાં રહેલા કરોડો રામભક્તોમાં અનેરો ઉત્સાહ છે. તે જ અનુક્રમે હવે પાડોશી દેશ શ્રીલંકામાં પણ રામભક્તોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જાણવા મળી રહ્યું છે કે, હવે શ્રીલંકા પણ રામાયણ કાળ સાથે જોડાયેલા સ્થળોને વિકસિત કરવા માટે આગળ આવ્યું છે. શ્રીલંકાને આ પવિત્ર કાર્ય માટે ભારત મદદ કરશે. શ્રીલંકામાં ભારતના હાઈ કમિશનર સંતોષ ઝાએ રવિવારે (21 એપ્રિલ) શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના શીર્ષ અધિકારીઓનું સ્વાગત કર્યું હતું.
શ્રીલંકા પણ હવે રામમય થવા જઈ રહ્યું છે. શ્રીલંકામાં ભારતના હાઈ કમિશનર સંતોષ ઝાએ રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મુખ્ય અધિકારીઓનું સ્વાગત કર્યું હતું. તે સમયે બેઠક પણ કરવામાં આવી હતી. બેઠકમાં શ્રીલંકામાં રહેલા રામાયણ કાળના સ્થળોને વિકસિત કરવા માટેની ચર્ચા કરવામાં આવી હતી. આ સાથે એ પણ જાણવા મળ્યું હતું કે, શ્રીલંકા સરકારને આ કાર્ય માટે ભારત પણ મદદ કરશે. સંતોષ ઝાએ ઇન્ડિયા હાઉસમાં શ્રીરામ જન્મભૂમિ ટ્રસ્ટના કોશાધ્યક્ષ સ્વામી ગોવિંદ દેવ ગિરિ મહારાજ અને તેમની ટીમ સાથે મુલાકાત કરી હતી.
High Commissioner @santjha hosted Swami Govind Dev Giri Maharaj, Treasurer of Shri Ram Janmabhoomi Teerth Kshetra Trust & his accompanying team at India House. Discussed ways in which 🇮🇳 can support development of #RamayanaTrail in 🇱🇰, promoting P2P connect and economic growth. pic.twitter.com/gCJBRda4cH
— India in Sri Lanka (@IndiainSL) April 21, 2024
આ દરમિયાન હાઈ કમિશનર ઝાએ સ્વામી ગોવિંદ દેવ ગિરિ મહારાજ અને તેમની ટીમ સાથે તે ચર્ચા કરી છે કે, કઈ રીતે શ્રીલંકાની રામાયણ કાળની ધરોહરને પુનર્જીવિત કરી શકાય અને તેને વિકસિત કરી શકાય. આ સાથે જ શ્રીલંકા અને ભારતના લોકોમાં એક સાંસ્કૃતિક જોડાણ કઈ રીતે થઈ શકે અને બંને સંસ્કૃતિમાં કઈ રીતે પ્રભુ શ્રીરામ આદર્શ છે, તે વિષય પર પણ ચર્ચા કરવામાં આવી હતી. સંતોષ ઝા શ્રીલંકામાં સ્વામી ગોવિંદ દેવ ગિરિ મહારાજ દ્વારા સમર્થિત રામાયણ ટ્રેલ પરિયોજનાના ઉદ્ઘાટન સમારોહમાં સામેલ થયા હતા. શ્રીલંકામાં રામાયણ ટ્રેલ પર 52 પવિત્ર સ્થળો મોજૂદ છે. તે તમામ સ્થળોની કાયાપલટ માટે ભારત અને શ્રીલંકા બંને પ્રતિબદ્ધ છે.
નોંધનીય છે કે, રામાયણનું જેટલું મહત્વ ભારતમાં છે, તેટલું જ તેનું મહત્વ શ્રીલંકામાં પણ જોવા મળે છે. કારણ કે, શ્રીલંકામાં પણ રામાયણ કાળ સાથે જોડાયેલા અનેક સ્થળો આવેલા છે. આ તમામ સ્થળોને વિકસિત કરવા માટે શ્રીલંકા આગળ આવી રહ્યું છે. જ્યારે ભારત પણ સાંસ્કૃતિક સામ્યતાને કારણે શ્રીલંકાને સહયોગ આપવા માટે આગળ આવ્યું છે. સ્થળોની કાયાપલટથી ભારત અને શ્રીલંકાના કરોડો રામભક્તોને પણ સારી સુવિધા મળી શકશે.