Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ24 કલાકમાં જ રશિયાના બળવાખોર જૂથની પીછેહટ, મૉસ્કો તરફ આગળ નહીં વધે: બેલારૂસના...

    24 કલાકમાં જ રશિયાના બળવાખોર જૂથની પીછેહટ, મૉસ્કો તરફ આગળ નહીં વધે: બેલારૂસના રાષ્ટ્રપતિના હસ્તક્ષેપ બાદ પ્રિગોઝિને શસ્ત્રો હેઠાં મૂક્યાં

    હવે એવો સમય આવી ગયો છે જ્યાં લોહિયાળ સંઘર્ષ થઇ શકે છે. લડાઈમાં નુકસાન રશિયાને જ જશે તે બાબતની ગંભીરતા સમજતાં અમે પાછા વળીએ છીએ અને અમારા કેમ્પમાં પરત જઈ રહ્યા છીએ: પ્રિગોઝિન

    - Advertisement -

    રશિયામાં પ્રાઇવેટ આર્મી વૈગનર જૂથે બળવો પોકારીને મૉસ્કો પર આક્રમણ કરવાની તૈયારી બતાવ્યાના 24 કલાકમાં જ યુ-ટર્ન લઇ લીધો છે. આર્મી ગ્રુપના ચીફ પ્રિગોઝિને શસ્ત્રો હેઠાં મૂકીને એલાન કર્યું હતું કે તેઓ વધુ હિંસા થતી રોકવા માટે અહીંથી જ અટકી જશે અને મૉસ્કો તરફ આગળ વધશે નહીં. બીજી તરફ, રશિયાની સરકારે પણ તેમની ઉપર થયેલા કેસ પરત ખેંચી લેવાની જાહેરાત કરી છે. 

    વૈગનર જૂથે બળવો કરી દીધા બાદ બેલારૂસના રાષ્ટ્રપતિ એલેક્ઝેન્ડર લુકાશેન્કોએ મોરચો સંભાળ્યો હતો અને આર્મી ગ્રુપના ચીફ પ્રિગોઝિન સાથે વાટાઘાટો કરી હતી. બંને વચ્ચેની વાતચીત દરમિયાન સમજૂતી થઇ ગઈ હતી અને વૈગનર જૂથે તાત્કાલિક પાછા વળવાની બાહેંધરી આપી હતી તો બીજી તરફ રશિયાની સરકારે કહ્યું હતું કે, જૂથના ચીફ કે સૈનિકો સામે લગાવવામાં આવેલા આરોપો પરત ખેંચી લેવામાં આવશે. નોંધનીય છે કે રાષ્ટ્રપતિ પુતિનના આગ્રહથી બેલારૂસના રાષ્ટ્રપતિએ પ્રિગોઝિનનો સંપર્ક સાધ્યો હતો. તેઓ બંને એકબીજાને 20 વર્ષથી પણ વધુ સમયથી ઓળખે છે.

    ‘હવે લોહી રેડાઈ શકે છે, તે પહેલાં જ અમે પાછા ફરીએ છીએ’: પ્રિગોઝિન

    પ્રિગોઝિને એક સંદેશમાં જણાવ્યું હતું કે, “24 કલાકમાં જ અમે મૉસ્કોના 200 કિલોમીટરના વ્યાસમાં પહોંચી ગયા છીએ અને આટલા સમયમાં અમે લોહીનું એક ટીપું પણ પડવા દીધું નથી. પરંતુ હવે એવો સમય આવી ગયો છે જ્યાં લોહિયાળ સંઘર્ષ થઇ શકે છે. લડાઈમાં નુકસાન રશિયાને જ જશે તે બાબતની ગંભીરતા સમજતાં અમે પાછા વળીએ છીએ અને અમારા કેમ્પમાં પરત જઈ રહ્યા છીએ.”

    - Advertisement -

    રશિયન સરકારે જણાવ્યું હતું કે, સમજૂતીને અંતે નક્કી થયું છે કે વૈગનર ગ્રુપ તેના બેસમાં પરત ફરશે અને ચીફ પ્રિગોઝિન બેલારૂસ જતા રહેશે. બીજી તરફ રશિયામાં પ્રિગોઝિન સામે લગાવવામાં આવેલા આરોપો પરત લઇ લેવાશે તેમજ તેમની સાથે સામેલ સૈનિકો સામે પણ કોઈ પણ કેસ ચલાવવામાં આવશે નહીં. સરકારે કહ્યું કે, અગાઉ ઘણી વખત તેમણે આફત સમયે અગ્રિમ મોરચે રહીને લડાઈઓ લડી હતી, જે સરકાર ધ્યાનમાં લે છે. જે સૈનિકોએ આ વિદ્રોહમાં ભાગ નહતો લીધો તેમને રશિયાની સેનામાં જોડાવાની તક પણ અપાશે તેમ જણાવાયું હતું. 

    મૉસ્કો તરફ આગળ વધી રહી હતી પ્રિગોઝિન સેના, પુતિને કહ્યું હતું- પરિણામો ભોગવવાં પડશે

    ઉલ્લેખનીય છે કે આ પહેલાં વ્લાદિમીર પુતિનના એક સમયના સાથીદાર અને રશિયાના પ્રાઇવેટ આર્મી ગ્રુપના ચીફ યેવગેની પ્રિગોઝિને બળવો કરી દીધો હતો અને પોતાના લડાયકોને રશિયાની સેના પર હુમલો કરવા માટે મોકલી આપ્યા હતા. પ્રિગોઝિને જાહેરાત કરતાં કહ્યું હતું કે તેઓ યુક્રેનથી રશિયા પરત ફરી રહ્યા છે અને રોસ્તોવ શહેરનાં મોટાભાગનાં સૈન્ય ઠેકાણાં પર કબ્જો કરી લીધો છે. રોસ્તોવ બાદ તેઓ રાજધાની મૉસ્કો તરફ આગળ વધી રહ્યા હતા, જેના કારણે હાઇએલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું અને મૉસ્કોમાં સુરક્ષા વધારી દેવાઈ હતી. 

    બીજી તરફ, રાષ્ટ્ર્રપતિ પુતિનને પણ તમામ ક્ષણોની આપવામાં આવી રહી હતી. પુતિને એક રાષ્ટ્રજોગ સંબોધનમાં કડક શબ્દોમાં વિદ્રોહને વખોડી કાઢ્યો હતો અને કહ્યું હતું કે જે કોઈ પણ સેના સામે શસ્ત્રો ઉગામશે તેમણે પરિણામો ભોગવવાં પડશે અને વિદ્રોહને કચડી નાંખવામાં આવશે. આખરે રશિયાના માથેથી મોટું સંકટ ટળ્યું છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં