Monday, October 7, 2024
More
    હોમપેજદુનિયાએક સમયે ગણાતો હતો પુતિનનો વિશ્વાસુ, હવે તેણે જ કરી દીધો બળવો:...

    એક સમયે ગણાતો હતો પુતિનનો વિશ્વાસુ, હવે તેણે જ કરી દીધો બળવો: કોણ છે યેવગેની વિક્ટોરવિચ પ્રિગોઝિન, રશિયામાં હાલ શું ચાલી રહ્યું છે?- સમજીએ

    પ્રિગોઝિન એ રશિયાની પ્રાઇવેટ આર્મી વૈગનર ગ્રુપનો વડો છે. આ ગ્રુપ રશિયાનું પેરામિલિટરી જૂથ છે અને દેશની સેના સાથે મળીને કામ કરે છે.

    - Advertisement -

    ફેબ્રુઆરી, 2022માં રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પાડોશી દેશ યુક્રેનમાં વિશેષ સૈન્ય ઓપરેશન ચલાવવાની જાહેરાત કરી ત્યારે આખી દુનિયામાં રશિયાની જ ચર્ચાઓ શરૂ થઇ ગઈ છે. હવે એવું ફરી એક વખત થયું છે. બન્યું એવું કે રશિયાની એક પ્રાઇવેટ આર્મીએ પોતાના જ દેશની સેના સામે મોરચો માંડી દીધો છે. રાષ્ટ્રપતિ પુતિનના એક સમયના સાથીએ જ વિદ્રોહ કરી દીધો છે અને તેમને હટાવવા માટેના કાવાદાવા શરૂ કરી દીધા છે. બીજી તરફ પુતિને પણ આરપારની લડાઈ લડવાનું મન બનાવી લીધું છે. 

    આ સમગ્ર ઘટનાક્રમના કેન્દ્રમાં છે- યેવગેની વિક્ટોરવિચ પ્રિગોઝિન. પ્રિગોઝિન એ રશિયાની પ્રાઇવેટ આર્મી વૈગનર ગ્રુપનો વડો છે. આ ગ્રુપ રશિયાનું પેરામિલિટરી જૂથ છે અને દેશની સેના સાથે મળીને કામ કરે છે. યેવગેનીએ તેની સ્થાપના વર્ષ 2014માં કરી હતી. યુક્રેન યુદ્ધમાં પણ વૈગનર ગ્રુપે અગત્યનો ભાગ ભજવ્યો છે. પરંતુ હવે આ જ સંગઠનના વડા પ્રિગોઝિને રશિયન સેના સામે બળવો કરી દીધો છે અને પોતાના લડાયકોને ખુલ્લા મૂકી દીધા છે. 

    પ્રિગોઝિને શુક્રવારે એલાન કર્યું હતું કે તેઓ યુક્રેનમાંથી પરત ફરી રહ્યા છે અને રશિયાની સરહદમાં ઘૂસી રહ્યા છે. તેણે કહ્યું હતું કે, તેમના લડાયકો રોસ્તોવ શહેરમાં ઘૂસીને સૈન્ય ઠેકાણાં કબ્જે કરી રહ્યા છે અને જે કોઈ પણ વચ્ચે આવશે તેને તેઓ છોડશે નહીં. આ તરફ મૉસ્કોમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે તો રાષ્ટ્રપતિ પુતિનને પણ ક્ષણેક્ષણથી માહિતગાર કરવામાં આવી રહ્યા છે. પુતિને કડક શબ્દોમાં કહી દીધું છે કે જેઓ પણ રશિયાની સેના સામે શસ્ત્રો ઉગામશે તેમણે પરિણામો ભોગવવાં પડશે. 

    - Advertisement -

    એક રિપોર્ટ અનુસાર, યુક્રેનમાં ચાલતા આર્મી ઓપરેશનમાં વૈગનર ગ્રુપના પણ 50 હજાર જેટલા લડાયકો સામેલ છે. ઉપરાંત, અમુક શહેરો કબ્જે કરવામાં પણ તેમણે અગત્યનો ભાગ ભજવ્યો હતો. કહેવાય છે કે લડાઈની વાત આવે તો આ જૂથના માણસો અત્યંત ક્રૂર બની જાય છે અને સામેના માણસોની હાલત ખરાબ કરી નાંખે છે. 

    આમ તો રશિયાની સેના અને પ્રિગોઝિનનું વૈગનર ગ્રુપ સાથે મળીને લડતા હતા પરંતુ છેલ્લા થોડા સમયથી અને ખાસ કરીને યુક્રેનમાં સૈન્ય ઓપરેશન શરૂ થયા બાદ બંને વચ્ચે ખટરાગ સર્જાયો હતો. વચ્ચે પ્રિગોઝિને રશિયાની સેના પર યુદ્ધ દરમિયાન પૂરતો સરંજામ ન આપવાનો પણ આરોપ લગાવ્યો હતો તો વચ્ચે પોતાની સેના પરત ખેંચી લેવાની પણ ધમકી આપી હતી. પ્રિગોઝિને રશિયાની સેના પર પોતાના સૈનિકો પર હુમલો કરવાનો પણ આરોપ લગાવ્યો હતો. 

    કોણ છે યેવગેની પ્રિગોઝિન?

    રશિયન સેના સામે મોરચો ખોલ્યા બાદ ચર્ચામાં આવેલા આ યેવગેની વિક્ટોરવિચ પ્રિગોઝિનનું જીવન બહુ સામાન્ય હતું. પરંતુ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથેની નિકટતાના કારણે તે અહીં સુધી પહોંચ્યો અને આજે તેમની જ સેના સામે મોરચો ખોલીને બેઠો. 

    પ્રિગોઝિનનો જન્મ વર્ષ 1961માં, રશિયાના બીજા સૌથી મોટા શહેર સેન્ટ પીટર્સબર્ગમાં થયો હતો. નાની ઉંમરે અવળા ધંધાના રવાડે ચડી જવાના કારણે તેને એક ચોરી અને ફ્રોડના કેસમાં 13 વર્ષની સજા થઇ હતી, પણ પછી 9 વર્ષ બાદ તેને છોડી મૂકવામાં આવ્યો હતો. આ એ સમય હતો જ્યારે સોવિયેત યુનિયનનું વિઘટન થયું હતું. જેલમાંથી બહાર આવ્યા બાદ પ્રિગોઝિને તેના શહેરમાં જ હોટડોગ વેચવાનું શરૂ કર્યું હતું. ધંધામાં સારી કમાણી થતી ગઈ તો તેણે એક રેસ્ટોરન્ટ ખોલી દીધી. 

    પુતિનના રસોઈયા તરીકે ઓળખાતો પ્રિગોઝિન 

    ધીમેધીમે યેવગેનીની રેસ્ટોરન્ટની લોકપ્રિયતા આકાશને આંબવા માંડી અને એક સમયે એટલી પ્રખ્યાત થઇ ગઈ કે વ્લાદિમીર પુતિનની પણ તે પ્રિય જગ્યા બની ગઈ. તે સમયે પુતિન સેન્ટ પીટર્સબર્ગના ડેપ્યુટી મેયર હતા. તેઓ અવારનવાર પ્રિગોઝિનની રેસ્ટોરન્ટ પર આવતા-જતા રહેતા હતા. એટલું જ નહીં, 2000માં રાષ્ટ્રપતિ બન્યા બાદ પણ પુતિને આ શિરસ્તો જાળવી રાખ્યો હતો. બીજી તરફ, પ્રિગોઝિને પણ હોટેલનું કદ વધાર્યું હતું. 

    પુતિન રાષ્ટ્રપતિ બન્યા બાદ પ્રિગોઝિનને તેમના નજીકના માણસ હોવાનો લાભ મળતો રહ્યો અને તેના કારણે તેના ધંધામાં પણ તેજી આવી. તેને સરકારના કોન્ટ્રાક્ટ પણ મળવા માંડ્યા તો અન્ય પણ વિશેષ લાભ મળતા. જેના કારણે તે પુતિનના રસોઈયા તરીકે ઓળખાવા માંડ્યો હતો. 

    2014માં સ્થાપ્યું હતું વૈગનર જૂથ 

    વર્ષ 2014માં રશિયાએ યુક્રેનના પૂર્વ ભાગ પર આક્રમણ કર્યું ત્યારે રશિયાની સેનાને મદદ કરવા માટે પ્રિગોઝિને એક પ્રાઇવેટ આર્મી ગ્રુપની સ્થાપના કરી હતી. એ જ ગ્રુપ એટલે વૈગનર. રશિયન સેનામાં તેનો કોઈ હોદ્દો ન હોવા છતાં વગ વાપરીને તેણે રક્ષા મંત્રાલય પાસેથી જમીન લઇ લીધી હતી, જ્યાં તે તેના લડાયકોને ટ્રેનિંગ આપી શકે. 

    વૈગનર ગ્રુપને પુતિનની શૅડો આર્મી પણ કહેવાય છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં આ જૂથે આફ્રિકા અને પૂર્વ મધ્યમાં પણ રશિયન સેનાના ઓપરેશનોમાં અગત્યનો ભાગ ભજવ્યો હતો. 2017 બાદ વૈગનરે સુદાન, મધ્ય આફ્રિકા, લિબિયા વગેરે દેશોમાં પણ પોતાના સૈનિકો તહેનાત કર્યા હતા. દરમ્યાન, યેવગેનીએ પોતાના સમૂહનો વિસ્તાર વધારવાનું ચાલુ રાખ્યું અને શક્તિશાળી બનતો રહ્યો. 

    એક સમયે પુતિનનો નજીકનો ગણાતો યેવગેની પ્રિગોઝિન હવે તેમની જ સામે પડ્યો છે. બીજી તરફ પુતિને તેમની સેના સામે બળવો કરનારાઓને કચડી નાંખવા માટેની ચેતવણી આપી છે. રશિયાની આ આંતરિક લડાઈ આવનારા દિવસોમાં વધુ ભીષણ બને તેવી શક્યતા છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં