રશિયા-યુક્રેન વચ્ચે પાછલા ઘણા સમયથી યુદ્ધ (ukraine russia war) ચાલી રહ્યું છે, જે હવે અંતના આરે હોય એમ લાગી રહ્યું છે. તાજેતરમાં જ યુક્રેનના રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે યુદ્ધનો અંત લાવવા અને શાંતિ પ્રાપ્ત કરવા માટે તેમણે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) સાથે ‘સકારાત્મક, ખૂબ જ નક્કર અને સ્પષ્ટ વાતચીત’ કરી હતી. 30 દિવસના યુદ્ધવિરામ અંગેની વાટાઘાટો વચ્ચે, ઝેલેન્સકીએ (zelensky) કહ્યું છે કે, “આ વર્ષે કાયમી શાંતિ પ્રાપ્ત થઈ શકે છે”. જોકે ડોનાલ્ડ ટ્ર્મ્પે ઝેલેન્કસી પાસે યુક્રેનના ન્યુક્લિયર પાવર પ્લાન્ટની (nuclear power plant) માલિકી માંગી છે.
આ અંગે વ્હાઇટ હાઉસે જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યુક્રેનિયન પાવર પ્લાન્ટ્સની માલિકી યુનાઇટેડ સ્ટેટ્સને મળે તેવી સંભાવના છે. ટ્રમ્પે હુમલાઓથી બચવા માટે યુક્રેનિયન ન્યુક્લિયર પ્લાન્ટ, ખાસ કરીને રશિયાના કબજા હેઠળના ઝાપોરિઝ્ઝિયા ન્યુક્લિયર પાવર પ્લાન્ટની (Zaporizhzhia Nuclear Power Plant) માલિકી યુએસને આપવાનું સૂચન પણ કર્યું હતું.
નોંધનીય છે કે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ અમેરિકાના રાષ્ટ્ર પતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે લાંબી વાતચીત કરી હતી. આ પહેલાં ટ્રમ્પે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે પણ વાતચીત કરી હતી. ટ્રમ્પ સાથે લાંબી વાતચીત બાદ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન યુક્રેનિયન ઉર્જા સુવિધાઓને નિશાન બનાવતા હુમલાઓ પર કામચલાઉ રોક લગાવવા સંમત થયા હતા, જ્યારે 30 દિવસના સંપૂર્ણ યુદ્ધવિરામને ટેકો આપવાનો ઇનકાર કર્યો હતો.
આ અંગે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ સોશિયલ મીડિયા પોસ્ટ X પર પોસ્ટ કરતા લખ્યું હતું કે, “યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મારી સકારાત્મક, ખૂબ જ નક્કર અને સ્પષ્ટ વાતચીત થઈ. 11 માર્ચે જેદ્દાહમાં તેમના કાર્યની સારી અને ઉત્પાદક શરૂઆત માટે મેં યુક્રેનિયન અને અમેરિકન ટીમોનો આભાર માન્યો – ટીમોની આ બેઠકે યુદ્ધના અંત તરફ આગળ વધવામાં નોંધપાત્ર મદદ કરી. અમે સંમત થયા કે યુક્રેન અને યુનાઇટેડ સ્ટેટ્સે યુદ્ધનો ખરો અંત અને કાયમી શાંતિ પ્રાપ્ત કરવા માટે સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખવું જોઈએ.”
I had a positive, very substantive, and frank conversation with President of the United States Donald Trump @POTUS. I thanked him for a good and productive start to the work of the Ukrainian and American teams in Jeddah on March 11—this meeting of the teams significantly helped… pic.twitter.com/JFBd5EeIkg
— Volodymyr Zelenskyy / Володимир Зеленський (@ZelenskyyUa) March 19, 2025
બીજી તરફ ડોનાલ્ડ ટ્રમ્પે પણ તેમના સોશિયલ મીડિયા હેન્ડલ ટ્રુથ પર પોસ્ટ કરતા લખ્યું હતું કે, “યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી સાથે હમણાં જ ખૂબ જ સારો ટેલિફોન કોલ પૂર્ણ કર્યો. જે લગભગ એક કલાક ચાલ્યો. મોટાભાગની ચર્ચા ગઈકાલે રાષ્ટ્રપતિ પુતિન સાથે થયેલા મારા ફોન કોલ પર આધારિત હતી, જેથી રશિયા અને યુક્રેન બંનેને તેમની વિનંતીઓ અને જરૂરિયાતોના સંદર્ભમાં કામ કરી શકાય. અમે બિલકુલ સાચા માર્ગ પર છીએ, અને હું સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયો અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર માઈકલ વોલ્ટ્ઝને કહીશ કે શું ચર્ચા થઈ તે અંગે ચોક્કસ માહિતી આપે. તે નિવેદન ટૂંક સમયમાં જારી કરવામાં આવશે.”
બીજી તરફ રશિયાના રાષ્ટ્રપતિ પુતિને શાંતિ કરાર પર શરતો લાદવાનું ચાલુ રાખ્યું છે. જોકે ઝેલેન્સકીએ એવી કોઈપણ શરતોને નકારી કાઢી છે જે પશ્ચિમી સાથીઓ તરફથી લશ્કરી સહાય અથવા ગુપ્ત માહિતીની જોગવાઈને અટકાવી શકે છે. આ દરમિયાન વ્હાઈટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે જાહેરાત કરી કે શાંતિ લાવવાના પ્રયાસો ચાલુ રાખવા માટે ડોનાલ્ડ ટ્રમ્પ આ સપ્તાહના અંતે તેમની અનુભવી ટીમ સાઉદી અરેબિયા મોકલશે.