રશિયાની રાજધાની મોસ્કોમાં ભયાનક આતંકી હુમલો થયો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. આ હુમલામાં 60 લોકોનાં મોત થયાં છે, જ્યારે 145 લોકોને ઈજા પહોંચી છે. રશિયન મીડિયા અનુસાર, મોસ્કો પાસે આવેલા ક્રોકસ સિટી હૉલમાં કોન્સર્ટ દરમિયાન આ હુમલો કરવામાં આવ્યો હતો. આતંકીઓએ કોન્સર્ટમાં ઘૂસીને અંધાધૂંધ ગોળીબાર કર્યો. આતંકીઓએ વિસ્ફોટકથી હૉલમાં ધડાકો પણ કર્યો હતો. જેથી ત્યાં આગ લાગી ગઈ હતી. હુમલા બાદ તરત જ સ્પેશિયલ પોલીસ ફોર્સે મોરચો સંભાળી લીધો હતો. વડાપ્રધાન મોદીએ પણ આ હુમલાની નિંદા કરી છે અને કહ્યું છે, ભારત રશિયન લોકો સાથે મજબૂતીથી ઊભું છે.
મોસ્કોમાં આ આતંકી હુમલો શુક્રવાર (22 માર્ચ)ના રોજ રાત્રે થયો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આતંકીઓએ હૉલમાં હાજર લોકો પર અચાનકથી ગોળીબાર શરૂ કરી દીધો હતો. જે સ્થળે હુમલો થયો તે હૉલની 7,500 લોકોની ક્ષમતા છે અને કહેવાય છે કે હુમલો થયો ત્યારે આખો હોલ લોકોથી ભરાયેલો હતો. હુમલાખોરોમાં પાંચેક લોકો હોવાનું જાણવા મળ્યું છે. તેઓ ઑટોમેટિક મશીન ગન અને અન્ય હથિયારો લઈને ઘૂસી આવ્યા હતા.
ISISએ હુમલાની જવાબદારી લીધી
આ ભયાનક આતંકવાદી હુમલાની જવાબદારી ઇસ્લામી આતંકવાદી સંગઠન ISISએ લીધી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગ્રૂપની અમાક એજન્સીએ ટેલિગ્રામ પર લખ્યું કે, ‘એક સમયે ઈરાક અને સિરિયા પર નિયંત્રણ ધરાવતું જૂથ ઇસ્લામિક સ્ટેટ આ હુમલાની જવાબદારી લે છે.’ અમેરિકાએ પણ આ બાબતની પુષ્ટિ કરી છે અને દાવો કર્યો કે તેમણે રશિયાને સંભવિત આતંકી હુમલા વિશે ચેતવ્યું હતું.
રશિયાની ટોચની ગુનાહિત તપાસ એજન્સીએ શનિવારે (23 માર્ચ) રિપોર્ટ જારી કર્યો છે. જેમાં જણાવાયું છે કે, આ હુમલામાં 60 લોકોનાં મોત થયાં છે. આ ઉપરાંત હેલ્થ સેક્ટરના અધિકારીઓએ ઘાયલ થયેલા 145 લોકોની યાદી જારી કરી છે. જેમાં કહેવાયું છે કે, 115 લોકો હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. હાલ પોલીસની ટીમ ઘટનાસ્થળ પર હાજર છે અને તપાસ કરી રહી છે.
Man saves his friend and moves him around the column .#Moscow #Russian#Russia #RussiaisATerroistState
— Noyon⭐ (@Noyonsa47174512) March 23, 2024
ISIS pic.twitter.com/kXDZdQAchA
રશિયન મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આતંકીઓએ સુરક્ષા કર્મીઓના પોશાકમાં આ હુમલાને અંજામ આપ્યો છે. આ સાથે હુમલાખોરોએ વિસ્ફોટકોનો પણ ઉપયોગ કર્યો હતો. જેના કારણે હૉલમાં ધડાકો થયો હતો અને આગ પણ લાગી હતી. રશિયન વિદેશ મંત્રાલયના પ્રવક્તા મારિયા ઝખારોવાએ આ ઘટનાની નિંદા કરતાં કહ્યું છે કે, આ એક આતંકી હુમલો હતો. આ સાથે જ હુમલાની ખબર મળતાં જ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને પણ સૂચિત કરવામાં આવ્યા હતા. તાજેતરમાં આ હુમલા અંગે તપાસ ચાલી રહી હોવાનું કહેવાય રહ્યું છે.
અમુક મીડિયા રિપોર્ટ્સમાં એક આતંકવાદી પકડાયો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે, પરંતુ હજુ સુધી સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી નથી.
બીજી તરફ, આ મામલે યુક્રેને પોતાનો કોઇ હાથ ન હોવાનું કહ્યું છે. રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીના સાથી મિખાઇલ પોડોલિકે એક વિડીયો સ્ટેટમેન્ટ જારી કરીને કહ્યું કે, યુક્રેન રશિયા સામે લડી રહ્યું છે, પરંતુ તે માટે તેઓ આતંકવાદનો સહારો લઇ શકે તેમ નથી. આ ઘટનામાં તેમની કોઈ સંડોવણી નથી.
We strongly condemn the heinous terrorist attack in Moscow. Our thoughts and prayers are with the families of the victims. India stands in solidarity with the government and the people of the Russian Federation in this hour of grief.
— Narendra Modi (@narendramodi) March 23, 2024
વડાપ્રધાન મોદીએ પણ મોસ્કોમાં થયેલા આતંકી હુમલાની નિંદા કરી છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ વિશે લખ્યું છે કે, “અમે મોસ્કોમાં થયેલા જઘન્ય આતંકી હુમલાની સખત નિંદા કરીએ છીએ. અમારી સંવેદના અને પ્રાર્થના પીડિત પરિવારોની સાથે છે. દુઃખની આ ઘડીમાં ભારત રશિયન સંઘની સરકાર અને લોકો સાથે મજબૂતીથી ઊભું છે.”