રશિયાના મૉસ્કોમાં એક કૉન્સર્ટ હોલમાં થયેલા આતંકવાદી હુમલામાં મૃતકોનો આંકડો 150એ પહોંચ્યો છે. સાથે જ હુમલામાં ઘાયલ થયેલા લોકોની સંખ્યા પણ વધીને 120 થઈ ચૂકી છે. રશિયન મીડિયા દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર અત્યાર સુધી કુલ 11 લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેમાં તે 4 આતંકવાદીઓનો સમાવેશ પણ થાય છે જેઓ આ હુમલામાં સીધી રીતે સામેલ હતા. બીજી તરફ, રાષ્ટ્રપતિ પુતિને 24 માર્ચે રાષ્ટ્રીય શોક ઘોષિત કર્યો અને કહ્યું કે આ આતંકવાદી હુમલામાં જે કોઇ પણ સામેલ હશે તે તમામને શોધી કાઢીને પાઠ ભણાવવામાં આવશે.
આ ઘટના શુક્રવારે (22 માર્ચ) મધ્ય રાત્રિએ બની હતી. આતંકવાદીઓએ મૉસ્કો શહેર સ્થિત એક કૉન્સર્ટ હોલમાં ઘૂસીને આડેધડ ગોળીબાર કર્યો હતો. જેમાં અત્યાર સુધી કુલ 150 લોકો મૃત્યુ પામ્યા છે અને 120થી વધુ ઘાયલ થયા છે. બીજી તરફ રશિયન સુરક્ષા એજન્સીનો દાવો છે કે ઝડપાયેલા લોકો પૈકીના 4 આતંકવાદીઓ યુક્રેન ભાગી છૂટવાની ફિરાકમાં હતા. તેમની ધરપકડ પણ યુક્રેનિયન બોર્ડર નજીકથી જ કરવામાં આવી છે. આ મામલે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પણ આકરા શબ્દોમાં પ્રતિક્રિયા આપી.
24 માર્ચ રશિયામાં રાષ્ટ્રીય શોક દિવસ ઘોષિત
રાષ્ટ્રપતિ પુતિને આ હુમલાને ‘ખૂની અને બર્બર આતંકવાદી હુમલો’ કહ્યો હતો. ટેલિવિઝન પર આપવામાં આવેલા સંબોધનમાં પુતિને 24 માર્ચના દિવસે ‘રાષ્ટ્રીય શોક’ ઘોષિત કર્યો. આ દરમિયાન પોતાના સંબોધનમાં રાષ્ટ્રપતિ પુતિને 4 આતંકવાદીઓની ધરપકડની માહિતી પણ આપી હતી.
તેમણે જણાવ્યું કે, આ હુમલામાં જવાબદાર 4 આતંકવાદીઓને પકડી લેવામાં આવ્યા છે અને તેમના સહિત હુમલામાં જે કોઇ પણ સામેલ હશે તેને કડકમાં કડક સજા કરવામાં આવશે. તેમણે રશિયાની FSB સિક્યોરિટી સર્વિસના દાવાને આગળ વધારતાં જણાવ્યું કે, રશિયાથી ભાગતી વખતે હુમલાખોરો યુક્રેનમાં અમુક લોકો સાથે સંપર્કમાં હતા. યુક્રેનનું કહેવું છે કે આ વાતમાં કોઇ તથ્ય નથી અને તેમની આ હુમલામાં કોઇ સંડોવણી નથી.
પુતિને કહ્યું કે, “તમામ ચાર આતંકવાદીઓ યુક્રેન તરફ ભાગી રહ્યા હતા અને પ્રાથમિક માહિતી અનુસાર તેઓ બોર્ડર ક્રોસ કરવાની ફિરાકમાં હતા. આતંકવાદીઓ સાથે જે કોઇ પણ સામેલ હશે તેમને અમે શોધી કાઢીશું. આતંકવાદીઓ, હત્યારાઓ અને અમાનવીય કૃત્ય આચરનારાઓ ભૂલી ન શકે તેવો બદલો વાળીશું.”
🔴 #LIVE: President Vladimir Putin's address following the terrorist attack in Crocus City Hall https://t.co/d7DmNZnhA9
— MFA Russia 🇷🇺 (@mfa_russia) March 23, 2024
આ સાથે જ રાષ્ટ્રપતિ પુતીને પોતાના સંબોધનમાં લોકોના જીવ બચાવવા માટે અથાગ પ્રયત્નો કરનાર સુરક્ષાદળો, એમ્બ્યુલન્સ કર્મચારીઓ, રેસ્ક્યુ ટીમ અને ફાયર બ્રિગેડનો આભાર પણ માન્યો હતો. આ હુમલાને છેલ્લા 20 વર્ષમાં રશિયાનો સહુથી મોટો આતંકવાદી હુમલો માનવામાં આવી રહ્યો છે.
રશિયાની રાજધાની મોસ્કોમાં ભયાનક આતંકી હુમલો થયો હતો
ઉલ્લેખનીય છે કે મૉસ્કો પાસે આવેલા ક્રોકસ સિટી હૉલમાં કોન્સર્ટ દરમિયાન ભયંકર આતંકવાદી હુમલો થયો હતો. આતંકીઓએ કોન્સર્ટમાં ઘૂસીને અંધાધૂંધ ગોળીબાર કર્યો. આતંકીઓએ વિસ્ફોટકથી હૉલમાં ધડાકો પણ કર્યો હતો. જેથી ત્યાં આગ લાગી ગઈ હતી. હુમલા બાદ તરત જ સ્પેશિયલ પોલીસ ફોર્સે મોરચો સંભાળી લીધો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ હુમલાની નિંદા કરીને કહ્યું હતું કે, ભારત રશિયન લોકો સાથે મજબૂતીથી ઊભું છે.
રિપોર્ટ્સ અનુસાર, આતંકીઓએ હૉલમાં હાજર લોકો પર અચાનકથી ગોળીબાર શરૂ કરી દીધો હતો. જે સ્થળે હુમલો થયો તે હૉલની 7,500 લોકોની ક્ષમતા છે અને કહેવાય છે કે હુમલો થયો ત્યારે આખો હોલ લોકોથી ભરાયેલો હતો. હુમલાખોરોમાં પાંચેક લોકો હોવાનું જાણવા મળ્યું છે. તેઓ ઑટોમેટિક મશીન ગન અને અન્ય હથિયારો લઈને ઘૂસી આવ્યા હતા.
ISISએ હુમલાની જવાબદારી લીધી
આ ભયાનક આતંકવાદી હુમલાની જવાબદારી ઇસ્લામી આતંકવાદી સંગઠન ISISએ લીધી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગ્રૂપની અમાક એજન્સીએ ટેલિગ્રામ પર લખ્યું કે, ‘એક સમયે ઈરાક અને સિરિયા પર નિયંત્રણ ધરાવતું જૂથ ઇસ્લામિક સ્ટેટ આ હુમલાની જવાબદારી લે છે.’ અમેરિકાએ પણ આ બાબતની પુષ્ટિ કરી છે અને દાવો કર્યો કે તેમણે રશિયાને સંભવિત આતંકી હુમલા વિશે ચેતવ્યું હતું.