PM મોદી 22માં ભારત-રશિયા વાર્ષિક શિખર સંમેલનમાં ભાગ લેવા માટે સોમવારે (8 જુલાઈ) રશિયા પહોંચ્યા છે. અહીં તેઓ મોસ્કોના એરપોર્ટ પર પહોંચ્યા હતા. જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પુતિન સરકારના વરિષ્ઠ અધિકારી ફર્સ્ટ ડેપ્યુટી PM ડેનિસ માંતુરોવ વડાપ્રધાન મોદીના સ્વાગત માટે એરપોર્ટ પહોંચ્યા હતા. એરપોર્ટ પર રશિયન સેના દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપીને વડાપ્રધાનનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સાથે જ ભારતીય રાષ્ટ્રગીતની ધૂન પણ વગાડવામાં આવી હતી. સ્વાગતમાં ભારત-રશિયા ના મજબૂત સંબંધોને લઈને ચીન માટે પણ એક સંદેશ છુપાયેલો છે. ગયા વર્ષે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ રશિયાની મુલાકાતે આવ્યા હતા, તો તેમનું સ્વાગત આ જ એરપોર્ટ પર જુનિયર ડેપ્યુટી PMએ કર્યું હતું. એટલે રશિયા દ્વારા ભારત સાથેના સંબંધોને લઈને આ સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે.
PM મોદી 22માં ભારત-રશિયા વાર્ષિક શિખર સંમેલનમાં ભાગ લેવા માટે રશિયા પહોંચ્યા છે. મોસ્કો એરપોર્ટ પર ફર્સ્ટ ડેપ્યુટી PM માંતુરોવે તેમનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ તેઓ એક જ કારમાં બેસીને વડાપ્રધાન મોદીને તેમની હોટેલ સુધી મૂકવા પણ ગયા હતા. રાષ્ટ્રપતિ પુતિનની સરકારમાં માંતુરોવ પુતિન બાદના સૌથી મહત્વના અને શક્તિશાળી નેતા છે. મોટાભાગે તેઓ સ્વાગત માટે જતાં નથી. પરંતુ વડાપ્રધાન મોદીને તેઓ છેક હોટેલ સુધી છોડવા માટે ગયા હતા. જે રશિયા તરફથી ભારતના સંબંધોને આપવામાં આવતા મહત્વને ઉજાગર કરે છે. તે ઉપરાંત વડાપ્રધાન મોદીએ મોસ્કોમાં ભારતીય સમુદાયના લોકો સાથે મુલાકાત કરી હતી.
પુતિને PM મોદી માટે કર્યું ડિનરનું આયોજન
ત્યારબાદ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને મંગળવારે (9 જુલાઈ) યોજાનારા શિખર સંમેલન પહેલાં વડાપ્રધાન મોદીને પોતાના આધિકારિક આવાસ પર ભોજન માટે પણ આમંત્રિત કર્યા હતા. PM મોદીએ સોમવારે રાત્રે પુતિન સાથે ડિનર કર્યું હતું. પુતિન PM મોદીને જોતાં જ આગળ આવી ગયા હતા અને ગળે મળીને તેમનું સ્વાગત કર્યું હતું. દરમિયાન પુતિને કહ્યું કે, “તમારું હાર્દિક સ્વાગત છે. તમને જોઈને ખૂબ ખુશી અનુભવાઈ રહી છે. આપણી વચ્ચે ઔપચારિક વાતચીત કાલે થવાની છે. આજે અનૌપચારિક રીતે આપણે ઘરના વાતાવરણમાં વાતચીત કરી શકીએ છીએ.”
Gratitude to President Putin for hosting me at Novo-Ogaryovo this evening. Looking forward to our talks tomorrow as well, which will surely go a long way in further cementing the bonds of friendship between India and Russia. pic.twitter.com/eDdgDr0USZ
— Narendra Modi (@narendramodi) July 8, 2024
ત્યારબાદ PM મોદીએ કહ્યું કે, “તમે મને પોતાના ઘરે આવવાનું આમંત્રણ આપ્યું. આજની સાંજે આપણે સાથે વાતચીત કરીશું. પોતાના ઘરે બોલાવવા માટે હું તમારો આભારી છું.” આ ઉપરાંત રશિયન રાષ્ટ્રપતિએ વડાપ્રધાન મોદીની પ્રશંસા પણ કરી હતી. તેમણે કહ્યું કે, “તમે આખું જીવન સાર્વજનિક સેવા માટે સમર્પિત કરી દીધું છે અને તમે ભારત માટે શ્રેષ્ઠ કાર્ય કરી રહ્યા છો.”
તેમણે અનૌપચારિક વાતચીત દરમિયાન કહ્યું કે, “તમારામાં ખૂબ ઉર્જા છે અને તમે ભારત માટે શ્રેષ્ઠ કાર્ય કરી રહ્યા છો. હું તમને ત્રીજી વખત ફરી ચૂંટણી જીતવા પર અભિનંદન આપું છું. આ તમારા કાર્યનું જ એક કારણ છે. તમે પોતાનું આખું જીવન સાર્વજનિક સેવા માટે સમર્પિત કરી દીધું છે. મને તમને અહીં જોઈને ખૂબ ખુશી થઈ છે.” આ સાથે તેમણે ભારત-રશિયાની મિત્રતાને લઈને પણ અનેક વાતો કરી હતી.
At the Novo-Ogaryovo residence of the President of Russia near Moscow, Vladimir Putin and Indian Prime Minister Narendra Modi, who is on a two-day official visit to Russia, hold an informal meeting.
— ANI (@ANI) July 9, 2024
The talks will cover prospects for further development of the traditionally… pic.twitter.com/HnzCxukLNt
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રપતિ પુતિન સામે રશિયન સેનામાં રહેલા ભારતીયોની વાપસી માટેનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. ત્યારબાદ બંને નેતાઓ વચ્ચે ભારતીય સમુદાયના લોકોની વાપસી માટે સહમતી પણ બની છે. જોકે, આ વિશે ભારત સરકાર કે રશિયા સરકાર તરફથી કોઈ આધિકારિક માહિતી આપવામાં આવી નથી. પરંતુ આ મુદ્દે વાતચીત થઈ હોવાનું મીડિયામાં ચર્ચાઈ રહ્યું છે. હવે મંગળવારે (9 જુલાઈ) બંને દેશના નેતાઓ વચ્ચે શિખર સંમેલનની બેઠકોનો દોર શરૂ થશે.