એક તરફ અનેક રોહિંગ્યા મુસ્લિમ ઘૂસણખોરો ભારતમાં નકલી દસ્તાવેજો લઈને બેઠા છે અને વિવિધ પ્રકારના ગુનાઓમાં પણ સંડોવાયેલા છે, તો બીજી તરફ પડોશી દેશ મ્યાનમારમાં રોહિંગ્યા મુસ્લિમો પર વારંવાર હુમલાના પણ સમાચાર સામે આવત રહ્યા છે. ત્યારે ફરી એકવાર તેવા જ સમાચાર સામે આવ્યા છે. હાલ બાંગ્લાદેશમાં અરાજકતાનું વાતાવરણ છે, શેખ હસીનાએ વડાંપ્રધાન પદેથી રાજીનામું આપીને દેશ છોડીને ભાગી જવું પડ્યું હતું. જે બાદ નોબેલ પુરસ્કાર વિજેતા મુહમ્મદ યુનુસના નેતૃત્વમાં વચગાળાની સરકારની રચના પણ કરવામાં આવી છે. દરમિયાન, અનુકૂળ વાતાવરણ જોઈને મ્યાનમારના રોહિંગ્યા મુસ્લિમોએ બાંગ્લાદેશમાં ઘૂસણખોરી શરૂ કરી હતી. દરમિયાન, ડ્રોન હુમલાથી 200 રોહિંગ્યા મુસ્લિમોને મારી નાખવામાં આવ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે.
પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે, મ્યાનમારે આ રોહિંગ્યા મુસ્લિમોને સરહદ નજીક જ ઢાળી દીધા હતા. તેમના સંબંધીઓ તેમના મૃતદેહોને શોધી રહ્યા છે. આ ઘટના સોમવારે (5 ઑગસ્ટ, 2024) ના રોજ બની હોવાનું કહેવાય છે, જે વિશેની જાણકારી 10 ઑગસ્ટના રોજ સામે આવી છે. આ ઘટનાના 4 સાક્ષીઓ પણ સામે આવ્યા છે. આ હુમલામાં એક ગર્ભવતી મહિલા અને તેની 2 વર્ષની પુત્રીનું પણ મોત થયું હતું. મ્યાનમારમાં જુન્ટા આર્મી અને વિદ્રોહીઓ વચ્ચેની અથડામણ વચ્ચે રખાઈનમાં આ પહેલો મોટો હુમલો છે. આ ઘટના માટે ‘અરાકાન આર્મી’ જવાબદાર હોવાનું કહેવાય રહ્યું છે.
જોકે, અરાકાન આર્મી અને મ્યાનમારની સેના, બંનેએ આ ઘટનાથી પોતાને દૂર રાખ્યા છે. મૃતકોના સ્પષ્ટ આંકડા હજુ સામે આવ્યા નથી. વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે, મૃતદેહો કાદવવાળા વિસ્તારમાં પડેલા હતા અને આસપાસ સૂટકેસ, બેગ અને અન્ય વસ્તુઓના ઢગલા પડ્યા હતા. ત્યાંથી ભાગી ગયેલા કેટલાક લોકોએ કહ્યું કે, તેમણે 200 જેવા મૃતદેહો જોયા છે, જ્યારે કેટલાક લોકોએ 200ની આસપાસનો આંકડો આપ્યો છે. આ ઘટના મ્યાનમારના દરિયાકાંઠાના શહેર માઉંગંડો વિસ્તારની છે. મોહમ્મદ ઇલ્યાસે જણાવ્યું કે, તેની ગર્ભવતી પત્ની અને 2 વર્ષની પુત્રીનું મોત થયું છે.
#Myanmar Burmese genocidal military and the terrorist militant group #ArakanArmy their target is to finish the #Rohingya Muslims who are still surviving in Arakan State.#SaveRohingya
— T.K.D Mojibur Rahman (@KMojibur74818) August 10, 2024
Here is the caption of the following video 👇 pic.twitter.com/v7IBWuRZTY
પ્રત્યક્ષદર્શીનોના મતે ડ્રોનનો ઉપયોગ કરીને ગોળીઓ છોડવામાં આવી હતી. ઘણા લોકો બચવા માટે જમીન પર સૂઈ ગયા હતા. આ હુમલાથી 28 વર્ષીય શમશુદ્દીન તેની પત્ની અને નવા જન્મેલા બાળક સાથે ભાગી જવામાં સફળ રહ્યો હતો. તેણે જણાવ્યું છે કે, લોકો પીડાથી ટળવળી રહ્યા હતા. પ્રત્યક્ષદર્શીઓ અને બાંગ્લાદેશી મીડિયાનું કહેવું છે કે, બંને દેશો વચ્ચેની સરહદને ચિહ્નિત કરતી નાફ નદીમાં ભાગી રહેલા રોહિંગ્યા મુસ્લિમોને લઈ જતી બોટ પણ ડૂબી ગઈ હતી, જેમાં ઘણા લોકો માર્યા ગયા હતા. UNએ કહ્યું કે, તે આ ઘટનાઓથી વાકેફ છે, પરંતુ કેટલા લોકોના મોત થયા તેની પુષ્ટિ થઈ શકી નથી. નોંધવા જેવું છે કે, મ્યાનમારમાંથી અત્યાર સુધીમાં 7.30 લાખ રોહિંગ્યા મુસ્લિમો ભાગી ગયા છે.