ફ્રાન્સના એક એરપોર્ટ પર મુસ્લિમ મુસાફરોએ જાહેરમાં નમાજ પઢવા મુદ્દે વિવાદ સર્જાયો છે. એક ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ શૅર કરવામાં આવી રહ્યો છે, જે પેરિસના Charles de Gaulle એરપોર્ટનો હોવાનું કહેવાય છે. લોકો પૂછી રહ્યા છે કે આખરે એરપોર્ટને મસ્જિદ શા માટે બનાવવામાં આવી રહી છે?
રવિવારે સોશિયલ મીડિયા પર એક ફોટો શૅર કરવામાં આવ્યો હતો, જેમાં આ મુસ્લિમ મુસાફરો નમાજ પઢતા જોવા મળ્યા હતા. જેને લઈને પછીથી વિવાદ સર્જાયો અને એરપોર્ટ ઓથોરિટી સમક્ષ કાર્યવાહીની માંગ કરવામાં આવી. પછીથી આ અંગે સરકાર અને એરપોર્ટ ઓથોરિટી બંને તરફથી પ્રતિક્રિયા આપવામાં આવી હતી.
શૅર કરવામાં આવી રહેલ ફોટામાં મુસ્લિમ સમુદાયના લોકો લાઇનસર બેઠેલા અને નમાજ પઢતા જોવા મળે છે. સંભવતઃ કોઇ મુસાફરે આ ફોટો ખેંચી લીધો હતો. આસપાસ અન્ય મુસાફરો પણ બેઠેલા દેખાય છે. કહેવાય રહ્યું છે કે આ તમામ જૉર્ડન જનાર ફ્લાઇટના મુસાફરો હતા અને ફ્લાઇટ આવી તે પહેલાં એરપોર્ટ પર નમાજ પઢી હતી. નમાજ પઢવામાં લગભગ 30 લોકો સામેલ હોવાનું કહેવાય છે. નમાજ 10 મિનીટ સુધી ચાલી હતી.
#ADP #Islam Photo du 5/11/23 à #RoissyCharlesdeGaulle. Que fait le PDG de #Aeroports de #Paris quand son aéroport se transforme en #mosquée? Le changement d’affectation est-il officiel ???? 🇫🇷🇪🇺 pic.twitter.com/IbJNE8M7fd
— noelle lenoir (@noellelenoir) November 5, 2023
રવિવારે સાંજથી આ ફોટો સોશિયલ મીડિયા પર શૅર થવા માંડ્યો હતો. લોકોએ સવાલ ઉઠાવ્યા હતા કે આખરે આ કેમ ચલાવી લેવામાં આવ્યું? ફ્રાન્સનાં યુરોપિય બાબતોનાં મંત્રી રહી ચૂકેલાં Noelle Lenoirએ પણ આ ફોટો શૅર કાર્યો હતો અને લખ્યું હતું કે,“એરપોર્ટને મસ્જિદમાં તબદીલ કરવામાં આવી રહ્યું છે. એરપોર્ટના CEO શું કરી રહ્યા છે?”
આ બાબતને લઈને ફ્રાન્સના ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર ક્લેમેન્ટ બિઉનેએ પણ પ્રતિક્રિયા આપી હતી. X પર પોસ્ટ કરતાં તેમણે કહ્યું કે, નિયમોનું પાલન થાય તે માટે એરપોર્ટ ઓથોરિટી સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે.
Une fermeté et un rappel des règles nécessaires, les équipes de nos aéroports y sont totalement engagées. https://t.co/7An4RNjsPo
— Clement Beaune (@CBeaune) November 6, 2023
આ ઉપરાંત, એરપોર્ટના CEOએ પણ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, આવું પ્રથમ વખત બન્યું છે પણ તેમ છતાં તે દુર્ભાગ્યપૂર્ણ છે. આગળ ઉમેર્યું કે, પ્રાર્થના કે અન્ય નમાજ માટે અલગથી જગ્યાની વ્યવસ્થા કરવામાં આવે છે અને ફરી આવું ન થાય તે માટે પોલીસને સૂચના આપવામાં આવશે તેમજ વધુ કડક નજર રાખવામાં આવશે. આ સિવાય હાલની ઇઝરાયેલ-હમાસ યુદ્ધની સ્થિતિને જોતાં તેમણે એવી પણ અપીલ કરી હતી કે મામલાને વધુ વેગ આપવામાં ન આવે.
ઉલ્લેખનીય છે કે ફ્રાન્સ પંથનિરપેક્ષતાને અનુસરે છે અને જાહેર સ્થળોએ આ પ્રકારે ધાર્મિક કે મજહબી ભાવનાઓ પ્રદર્શિત કરવા પર નિયંત્રણો મૂકવામાં આવ્યાં છે. ચિહ્નિત કરેલાં સ્થળોએ ધાર્મિક પ્રવૃત્તિ કરી શકાય છે પણ એરપોર્ટ શાળા વગેરે જેવી જગ્યાઓએ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.