યુરોપિયન દેશ જર્મનીમાં 20 વર્ષની મહેનત બાદ હિંદુ મંદિરનું નિર્માણ કાર્ય પૂરું થયું છે. જર્મનીની રાજધાની બર્લિનમાં ભગવાન શ્રી ગણેશજીનું મંદિર 70 વર્ષના વિલ્વનાથન કૃષ્ણમૂર્તિની અથાગ મહેનત અને પરિશ્રમનું પરિણામ છે. આ મંદિરમાં હજુ સુધી કોઈ ભગવાનની મૂર્તિ પ્રસ્થાપિત કરવામાં નથી આવી, કારણ કે કૃષ્ણમૂર્તિ દિવાળીના તહેવાર દરમિયાન ભવ્ય કાર્યક્રમ આયોજિત કરી ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા કરવાની યોજના ઘડી રહ્યા છે. જર્મનીમાં ગણેશજીનું આ મંદિર ત્યાનું સહુથી ભવ્ય હિંદુ મંદિર છે.
અહેવાલ અનુસાર વિલ્વનાથન કૃષ્ણમૂર્તિએ કહ્યું કે, તેઓ 50 વર્ષ પહેલાં જર્મની આવ્યા હતા. તેઓ બર્લિનની એક ઇલેક્ટ્રિક કંપનીમાં કામ કરી રહ્યા હતા. જર્મની આવ્યા બાદ તેમનું એક સપનું હતું કે તેઓ ત્યાં એક મંદિર બનાવે. આ બાબતે તેમણે જણાવ્યું કે, તેઓ ઘરે રહીને પણ તહેવાર ઉજવી શકે છે. પરંતુ તેમને તેમના મિત્રો સાથે તહેવારની ઉજવણી કરવા માટે એક સ્થળની જરૂર હતી. આ માટે તેમણે ગણેશજીનું મંદિર બનાવવા માટે એક એસોશિએશનની સ્થાપના કરી છે.
Germany's largest #Hindutemple is set to open in Berlin in November 2023. Sri-Ganesha Hindu Temple will be located in the tallest high-rise building currently under construction in Berlin, known as the "Amazon Tower." Opening of the temple is expected to coincide with the… pic.twitter.com/qwkq5SQ7IH
— Centre for Integrated and Holistic Studies (@cihs_india) September 4, 2023
એસોશિએશનની સ્થાપના થયાના થોડા દિવસો બાદ બર્લિન જિલ્લા વહીવટી તંત્રએ મંદિર બનાવવા માટે હસેનહાઈડ પાર્કને અડીને એક પ્લોટ આપ્યો હતો. આ પછી તેમણે મંદિરના નિર્માણ માટે પૈસા ભેગા કરવાનું શરૂ કર્યું. તેમની યોજના વર્ષ 2007માં મંદિરનું નિર્માણ કાર્ય શરૂ કરવાની હતી, પરંતુ વર્ષ 2010 સુધી તે શરૂ થઇ શક્યું ન હતું. કૃષ્ણમૂર્તિએ મંદિરના નિર્માણકાર્ય માટે સરકારની પરવાનગી, મંદિર નિર્માણના નિયમો, પૈસા એકત્ર કરવા અને અંતિમ તારીખ સુધીમાં મંદિર બનાવવું આમ કુલ 4 પડકારોનો સામનો કર્યો હતો.
કૃષ્ણમૂર્તિએ જણાવ્યું હતું કે, તેઓ ઉધારીના પૈસાથી જર્મનીમાં ગણેશજીનું મંદિર બનાવવા ઇચ્છતા ન હતા. કારણકે, તેમ કરવાથી આવનારી પેઢીએ તે લોન ચૂકવવી પડત. તેથી તેઓ વધુમાં વધુ દાન એકત્ર કરવામાં વ્યસ્ત હતા. મંદિર નિર્માણકાર્ય દાનના પૈસાથી જ કરાયું હોવાનું તેમણે કહ્યું હતું. આ અંગે બર્લિન વહીવટીતંત્ર તરફથી કોઈ સહાય નથી મળી. જ્યારે તેઓ મંદિર નિર્માણ માટે દાન એકત્ર કરી રહ્યા હતા ત્યારે બર્લિનમાં ભારતીયોની સંખ્યા ધીરે-ધીરે વધી રહી હતી. તેથી દાનમાં પણ નોંધપાત્ર વધારો થઇ રહ્યો હતો.
તેમણે ઉમેર્યું કે, બર્લિનમાં એમેઝોનની સૌથી મોટી ઇમારત ઉભી કરવામાં આવી રહી છે, જેમાં સૌથી વધુ ભારતીયો કામ કરી રહ્યા છે. ગયા 5 વર્ષોમાં દાનની રકમમાં પણ ખુબ વધારો થયો છે. અહીં પુરુષો-મહિલાઓ બંને કામ કરે છે. મોટાભાગે તેઓને ઘરે તહેવાર ઉજવવા માટે સમય નથી મળતો. આવી સ્થિતિમાં દરેક લોકો મંદિરમાં ભગવાનના વિરાજમાન થવાની રાહ જોઈ રહ્યા છે.
વિલ્વનાથન કૃષ્ણમૂર્તિએ કહ્યું કે તેઓ દિવાળીના સમયે 6 દિવસના કુમ્ભાભિષેકમ નામના અભિષેક સમારોહનું આયોજન કરવા માંગે છે. આ સમારોહ દરમિયાન મંદિરમાં ભગવાન શ્રી ગણેશની મૂર્તિનું સ્થાપન અને પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે.