ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંઘ પન્નુએ કેનેડાની લિબરલ પાર્ટીના સાંસદ ચંદ્ર આર્યને ધમકી આપવાનો પ્રયાસ કર્યો હતો, જે બાદ તેમણે જડબાતોડ જવાબ આપ્યો હતો. હકીકતમાં, જ્યારે ચંદ્ર આર્યએ કેનેડામાં હિંદુ મંદિર પર હુમલાને લઈને ખાલિસ્તાની આતંકવાદીઓ (Khalistani Terrorist) પર હુમલો કર્યો હતો, ત્યારે ગુરપતવંત સિંઘ પન્નુએ તેમને તેમની કેનેડિયન નાગરિકતા પરત કરવા અને ભારત પાછા ફરવા કહ્યું હતું. પન્નુ તરફથી દેશ છોડવાની ધમકી મળ્યા બાદ સાંસદ આર્યએ (Chandra Arya) પણ પ્રતિક્રિયા આપી છે.
ઉલ્લેખનીય છે કે, ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંઘ પન્નુએ (Gurpatwant Singh Pannun) એક વિડીયો શેર કર્યો છે જેમાં તે ભારતીય મૂળના કેનેડિયન સાંસદ ચંદ્ર આર્ય અને તેમના સમર્થકોને તરત જ ‘ભારત પાછા જવા’ માટે કહી રહ્યો છે. તેના જવાબમાં આર્યએ કહ્યું છે કે, “અમારા કેનેડિયન ચાર્ટર ઓફ રાઈટ્સમાં આપવામાં આવેલી સ્વતંત્રતાનો દુરુપયોગ કરીને ખાલિસ્તાનીઓ કેનેડાની ધરતી પર ઝેર ઓંકી રહ્યા છે અને તેને ગંદી કરી રહ્યા છે.”
In response to my condemnation of the vandalism of the Hindu temple BAPS Swaminarayan Mandir in Edmonton and other acts of hate and violence by Khalistan supporters in Canada, Gurpatwant Singh Pannun of Sikhs for Justice has released a video demanding me and my Hindu-Canadian… pic.twitter.com/vMhnN45rc1
— Chandra Arya (@AryaCanada) July 24, 2024
નોંધનીય બાબત છે કે, કેનેડાના એડમોન્ટન શહેરમાં BAPS સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ કરવામાં આવી હતી અને દિવાલ પર વિવાદાસ્પદ સૂત્રો લખવામાં આવ્યા હતા, જેનો આરોપ ખાલિસ્તાની તત્વો પર છે. સાંસદ ચંદ્ર આર્યએ આ અંગે નિવેદન જાહેર કર્યું હતું, આ નિવેદન માટે પન્નુએ તેમને દેશ છોડવાની ધમકી આપી હતી.
કેનેડાના સાંસદ ચંદ્ર આર્યએ X પર એક પોસ્ટ કરી છે, જેમાં ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંઘ પન્નુ સામે ધમકીઓ આપવા બદલ તેની નિંદા કરી છે. તેમણે X પર લખ્યું, “મેં એડમોન્ટનમાં BAPS સ્વામિનારાયણ મંદિરની તોડફોડ અને કેનેડામાં ખાલિસ્તાનીઓ દ્વારા ફેલાવવામાં આવી રહેલી હિંસાની નિંદા કરી. મારી નિંદાના જવાબમાં, શીખ્સ ફોર જસ્ટિસના (SFJ – Sikhs For Justice) ગુરપતવંત સિંઘ પન્નુએ મને અને મારા હિંદુ કેનેડિયન મિત્રોને ધમકી આપતો અને અમને ‘ભારત પાછા જવા’નું કહેતો એક વિડીયો જાહેર કર્યો છે.”
ચંદ્ર આર્યએ આગળ લખ્યું, “અમે હિંદુઓ દક્ષિણ એશિયાના દેશો ઉપરાંત, આફ્રિકા અને કેરેબિયન દેશો તથા વિશ્વના અલગ અલગ ભાગોમાંથી અહીં આવ્યા છીએ અને અમે કેનેડામાં ભાડુઆત નથી. કેનેડા અમારો દેશ અને અમારી પોતાની જમીન છે. અમે કેનેડાના સામાજિક અને આર્થિક વિકાસમાં ખૂબ જ સકારાત્મક યોગદાન આપ્યું છે. હજુ પણ યોગદાન કરી રહ્યા છીએ અને કરતા રહીશું.”
આર્યએ વધુમાં જણાવ્યું હતું કે હિંદુ સંસ્કૃતિ અને વારસાના લાંબા ઈતિહાસ સાથે હિંદુ સમાજે, કેનેડાના બહુસાંસ્કૃતિક તાણા-વાણાંને મજબૂત કરવા માટે કામ કર્યું છે. એ વાત સાચી છે કે તાજેતરના સમયમાં, ખાલિસ્તાની ઉગ્રવાદીઓએ કેનેડિયન ચાર્ટર ઓફ રાઈટ્સ દ્વારા અપાયેલી સ્વતંત્રતાઓનો દુરુપયોગ કરીને અહીંની જમીન, કેનેડાને પ્રદૂષિત કરી છે.
પન્નુએ કહ્યું હતું કે “તેના આકાઓ ભારતના હિતોને પ્રોત્સાહન આપતા હતા”. પન્નુએ કહ્યું કે “સાંસદ અને તેમના સમર્થકોએ તેમની નાગરિકતાનો ત્યાગ કરીને તેમની માતૃભૂમિ ભારત પાછા જતાં રહેવું જોઈએ.” વધુમાં પન્નુએ કહ્યું કે, “અમે ખાલિસ્તાન તરફી શીખોએ દાયકાઓથી કેનેડા પ્રત્યે અમારી વફાદારી દર્શાવી છે,” જો કે ચંદ્ર આર્યએ પન્નુને યોગ્ય જવાબ આપ્યો છે. તેઓ આ મુદ્દે પારોઠના પગલાં ભરવાની જગ્યા એ ખલિસ્તાનીઓને જડબાતોડ જવાબ આપી રહ્યા છે.