ઇઝરાયેલની બેન્જામિન નેતન્યાહુ સરકારે કતારની મીડિયા સંસ્થા ‘અલ જઝીરા’ પર પ્રતિબંધ મૂકવા માટે એક કાયદો પસાર કર્યો છે. નેતન્યાહુએ આ ચેનલને ‘આતંકવાદી ચેનલ’ ગણાવી અને કહ્યું કે હવે તેઓ દેશમાં પ્રસારણ કરી શકે નહીં.
વડાપ્રધાન નેતન્યાહુએ 1 એપ્રિલના રોજ X પર એક પોસ્ટ કરીને આ બાબતની જાણકારી આપી. તેમણે લખ્યું, “અલ જઝીરાએ ઈઝરાયેલની સુરક્ષા સાથે ખિલવાડ કરી હતી અને 7 ઑક્ટોબરના નરસંહારમાં સક્રિયપણે ભાગ ભજવ્યો હતો અને IDFના સૈનિકો વિરુદ્ધ ઉશ્કેરણી કરી હતી. આ હમાસ સમર્થકોનો દેશનિકાલ જરૂરી છે. આતંકવાદી ચેનલ અલ જઝીરા હવે ઈઝરાયેલમાં બ્રોડકાસ્ટ કરી શકશે નહીં. ચેનલની પ્રવૃત્તિઓ અટકાવવા માટે નવો કાયદો બનાવવા માટે પગલાં લેવામાં આવી રહ્યાં છે.”
אל ג׳זירה פגעו בביטחון ישראל, השתתפו באופן פעיל בטבח ה-7 באוקטובר, והסיתו נגד חיילי צה״ל. הגיע הזמן לסלק את השופר של החמאס מהמדינה שלנו.
— Benjamin Netanyahu – בנימין נתניהו (@netanyahu) April 1, 2024
ערוץ הטרור אל ג׳זירה לא ישדר יותר מישראל. בכוונתי לפעול מיידית בהתאם לחוק החדש כדי לעצור את פעילות הערוץ.
אני מברך על החוק שקידם שר התקשורת…
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઈઝરાયેલની સંસદે અલ-જઝીરા સહિતની ચેનલોનું પ્રસારણ રોકવા માટે સરકારને સત્તા આપતો કાયદો પસાર કરી દીધો છે. આ સંસ્થાઓને દેશની સુરક્ષા માટે જોખમી માનવામાં આવી છે. કાયદાની જોગવાઈઓ અનુસાર, 45 દિવસ માટે આ પ્રતિબંધ લાગુ રહેશે અને ત્યારબાદ તેને ફરીથી રિન્યુ કરી શકાશે. કહેવાય છે કે કાયદો જુલાઈના અંત સુધી કે પછી ગાઝામાં યુદ્ધ પૂર્ણ થાય ત્યાં સુધી લાગુ રહી શકે છે.
ઉલ્લેખનીય છે કે અગાઉ પણ ઈઝરાયેલે અનેક વખત અલ-જઝીરા પર તેના ઇઝરાયેલ-વિરોધી પૂર્વગ્રહોના કારણે આરોપ લગાવ્યા છે. પરંતુ 7 ઑક્ટોબરે હમાસે ઇઝરાયેલ પર ઘાતક હુમલો કરી દીધા બાદ ઇઝરાયેલે મીડિયા સંસ્થા પર હમાસ સાથે જોડાણ હોવાનો આરોપ લગાવ્યો હતો, જેને અલ-જઝીરા નકારતું આવ્યું છે અને ઉપરથી તેમના પત્રકારોની સુરક્ષા સુનિશ્ચિત ન કરવાના આરોપ ઇઝરાયેલ સરકાર પર લગાવતું રહ્યું છે.
આ નિર્ણય પર અમેરિકાએ ‘ચિંતા’ વ્યક્ત કરી છે અને પ્રેસ સ્વતંત્રતાની વાત કરી છે. વ્હાઈટ હાઉસના પ્રેસ સેક્રેટરીએ એક નિવેદનમાં આ વાત કહી હતી. બીજી તરફ, ઈઝરાયેલના કોમ્યુનિકેશન મંત્રીએ કહ્યું કે, હવેથી ‘હમાસના મુખપત્રને’ ઈઝરાયેલમાં ‘અભિવ્યક્તિની સ્વતંત્રતા’ પ્રાપ્ત થશે નહીં.
‘અલ જઝીરા’ મૂળ કતારનું મીડિયા નેટવર્ક છે, જેને સરકાર તરફથી ફંડ મળે છે. આ મીડિયા નેટવર્ક વિશ્વભરમાં ફેલાયેલું છે અને અનેક દેશોમાં તેમના સંવાદદાતાઓ કામ કરે છે. આ નેટવર્ક ભારત વિશે પણ અવારનવાર પ્રોપગેન્ડા ફેલાવતું રહે છે. વડાપ્રધાન મોદી માટે તેનો દ્વેષ પણ જાણીતો છે. તાજેતરમાં જ મોદી સરકારે CAA પસાર કર્યો ત્યારે અલ-જઝીરાએ વધારે જાણ્યા-મૂક્યા વગર તેને મુસ્લિમવિરોધી કાયદો ગણાવી દીધો હતો, જ્યારે હકીકત એ છે કે કાયદામાં મુસ્લિમવિરોધી કશું જ નથી.