Monday, April 22, 2024
More
  હોમપેજદેશવિદેશી મીડિયાથી લઈને ‘સ્વદેશી’ નેતાઓ સુધી, CAA પર ભ્રામક માહિતી ફેલાવવાનું શરૂ:...

  વિદેશી મીડિયાથી લઈને ‘સ્વદેશી’ નેતાઓ સુધી, CAA પર ભ્રામક માહિતી ફેલાવવાનું શરૂ: કાયદાને ‘મુસ્લિમ વિરોધી’ ગણાવવાની ભડકાઉ વાતો વચ્ચે જાણો વાસ્તવિકતા

  વાસ્તવિકતા એ છે કે આ કાયદો ક્યાંય બંધારણનું પણ ઉલ્લંઘન નથી કરતો કે ન કોઈ એક ચોક્કસ સમુદાય પ્રત્યે ભેદભાવ ધરાવે છે. CAA એટલે કે નાગરિકતા સંશોધન કાયદો કોઇની નાગરિકતા છીનવી લેવા માટે નહીં પરંતુ આપવા માટે લાવવામાં આવ્યો છે. 

  - Advertisement -

  કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે સોમવારે (11 માર્ચ, 2024) દેશભરમાં નાગરિકતા સંશોધન કાયદો (CAA) લાગુ કરવા માટે અધિસૂચના બહાર પાડી હતી. નોટિફિકેશન આવતાંની સાથે જ આ કાયદો દેશભરમાં લાગુ કરી દેવામાં આવ્યો છે. એક તરફ જ્યાં આ કાયદો પાડોશી ઇસ્લામિક દેશોમાંથી પ્રતાડિત થઈને આવેલા લઘુમતીઓને નાગરિકતા આપવાની જોગવાઈ ધરાવે છે ત્યાં બીજી તરફ હવે ફરી એક વખત તેને લઈને ખોટી માહિતી ફેલાવવામાં આવી રહી છે. 

  કતારથી ચાલતા અને અગાઉ પણ અનેક વખત ભારતવિરોધી સમાચારો ફેલાવી ચૂકેલા મીડિયા હાઉસ ‘અલ જઝીરા’એ આ વખતે પણ આદત ન છોડી. ભારતમાં CAA લાગુ થતાં જ ‘અલ જઝીરા’એ આ કાયદાને ‘મુસ્લિમવિરોધી’ ગણાવી દીધો. જેના લેખની હેડલાઈન છે- ‘ભારતે ચૂંટણી પહેલાં  2019નો ‘મુસ્લિમવિરોધી’ કાયદો લાગુ કર્યો.’  આ જ લેખમાં મોદી સરકારને ‘હિંદુ રાષ્ટ્રવાદી’ સરકાર ગણાવવામાં આવી. 

  લેખમાં આગળ લખવામાં આવ્યું છે કે- ‘એક સમુદાયને બહાર કરવા બદલ ઘણાં માનવાધિકાર સમૂહો દ્વારા આ કાયદાને ‘મુસ્લિમવિરોધી’ ગણાવવામાં આવ્યો હતો. જેનાથી વિશ્વની સૌથી મોટી લોકશાહીનાં પંથનિરપેક્ષ ચારિત્ર (સેક્યુલર કેરેક્ટર) પર સવાલો ઉઠ્યા છે.’ 

  - Advertisement -

  આગળ એવો પણ દાવો કરવામાં આવ્યો કે ડિસેમ્બર, 2019માં રાષ્ટ્રવ્યાપી પ્રદર્શનોના કારણે મોદી સરકારે તેના નિયમો બહાર પાડ્યા ન હતા. જોકે, વાસ્તવિકતા એવી છે કે તે ‘પ્રદર્શનો’ નહીં પરંતુ પ્રદર્શનોનાં નામે પૂર્વાયોજિત કાવતરાના ભાગરૂપે થયેલી હિંસા હતી અને જેમાં અનેક હિંદુઓ માર્યા ગયા હતા. તદુપરાંત, નિયમો જાહેર થવામાં વિલંબ થવાનું કારણ કોરોના મહામારી છે. આ જ લેખમાં એક અલગ શીર્ષક સાથે ‘ભારતમાં ઇસ્લામદ્વેષ વધી રહ્યો’ હોવાના પણ દાવા કરવામાં આવ્યા છે. 

  AIMIM સાંસદ અસદુદ્દીન ઓવૈસી પણ ખોટી માહિતી પ્રસારિત કરવામાં લાગ્યા છે. તેમણે કાયદો લાગુ થયા બાદ એક પોસ્ટ કરીને દાવો કર્યો કે આ કાયદો ભાગલાવાદી છે અને મુસ્લિમોને ‘સેકન્ડ ક્લાસ સિટિઝન્સ’ બનાવવાનું કાવતરું છે. 

  ઓવૈસીએ લખ્યું, “તમે ક્રોનોલોજી (ક્રમ) સમજો. પહેલાં ચૂંટણીની મોસમ આવશે અને પછી CAAના નિયમો આવશે. અમારો વિરોધ તેની સાથે રહેશે જ. CAA ભાગલાવાદી છે અને ગોડસેની વિચારધારા પર આધારિત છે, જે મુસ્લિમોએ ‘સેકન્ડ ક્લાસ સિટિઝન્સ’ બનાવવા માંગે છે. કોઇ પણ પ્રતાડિત વ્યક્તિ શરણ લઈને આવે તો તેમને નાગરિકતા આપો, પરંતુ નાગરિકતા ધર્મ કે રાષ્ટ્રીયતાના આધારે હોવી ન જોઈએ. સરકારે સમજાવવું જોઈએ કે શા માટે પાંચ વર્ષ સુધી નિયમો જાહેર ન થયા અને કાયદો હમણાં લાગુ કરવામાં આવી રહ્યો છે. તેમણે સાથે એવો પણ દાવો કર્યો કે, NPR અને NRC સાથે CAA પણ માત્ર મુસ્લિમોને જ ટાર્ગેટ કરવા માટે લાવવામાં આવ્યો છે અને તેનો બીજો કોઈ હેતુ નથી અને લખ્યું કે, CAA, NPR અને NRC વિરુદ્ધ જેઓ રસ્તા પર આવ્યા હતા તેમની પાસે ફરી વિરોધ કરવા સિવાય બીજો કોઇ વિકલ્પ નથી.

  કેરળમાં કાયદો લાગુ નહીં કરીએ: પી વિજયન

  કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને પણ આ કાયદો પોતાના રાજ્યમાં લાગુ કરવાની ના પાડી છે. જોકે, લોકો પૂછી રહ્યા છે કે આખરે રાજ્યને નાગરિકતા આપવા-લેવાની સત્તા હોય પણ છે કે કેમ, કારણ કે આ વિષય કેન્દ્ર સરકાર હેઠળ આવે છે. સાથે પી વિજયનના નિવેદનની ટીકા પણ થઈ રહી છે. જેમાં તેમણે કથિત રીતે મુસ્લિમોને નાગરિકતા ન આપવાને મુદ્દો બનાવ્યો. 

  તેમણે કહ્યું કે, “આને સંઘપરિવારના હિંદુત્વના કોમવાદી એજન્ડાના એક ભાગ તરીકે જ જોવું જોઈએ. 31 ડિસેમ્બર, 2014 પહેલાં પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી શરણાર્થી બનીને આવેલા લઘુમતીઓને નાગરિકતા આપીને મુસ્લિમોને ન આપવી એ બંધારણનું સ્પષ્ટ ઉલ્લંઘન છે. ભારતીય નાગરિકતા ધર્મના આધારે વ્યાખ્યાયિત થઈ રહી છે, જે માનવતાને ખુલ્લો પડકાર છે. 

  તમિલનાડુના CMએ પણ વિરોધ કર્યો

  તમિલનાડુના મુખ્યમંત્રીએ પણ એક પોસ્ટ કરીને CAAનો વિરોધ કર્યો અને આવી જ વાતો કહી. સાથે સરકાર પર સામી ચૂંટણીએ લાગુ કરીને લાભ મેળવવાના આરોપ લગાવ્યા. તેમણે પણ એવો દાવો કર્યો કે આ કાયદા થકી ધાર્મિક રીતે ભેદભાવ કરવામાં આવી રહ્યા છે અને મુસ્લિમો અને શ્રીલંકન તમિલોને બાકાત રાખીને ભેદભાવ કરવામાં આવ્યો છે. 

  આ સિવાય પણ ક્યાંક આ પ્રકારના દાવા થતા જોવા મળી રહ્યા છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે આ કાયદો ક્યાંય બંધારણનું પણ ઉલ્લંઘન નથી કરતો કે ન કોઈ એક ચોક્કસ સમુદાય પ્રત્યે ભેદભાવ ધરાવે છે. CAA એટલે કે નાગરિકતા સંશોધન કાયદો કોઇની નાગરિકતા છીનવી લેવા માટે નહીં પરંતુ આપવા માટે લાવવામાં આવ્યો છે. 

  પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન ત્રણેય મુસ્લિમ દેશો છે, જ્યાંથી મોટી સંખ્યામાં ત્યાંના લઘુમતીઓ (હિંદુ, શીખ, પારસી, જૈન, બૌદ્ધ, ખ્રિસ્તી) શરણ લેવા માટે ભારતમાં આવ્યા હતા. આ ત્રણેય દેશોમાં મુસ્લિમો બહુમતીમાં છે. આ શરણાર્થીઓને ભારતમાં નાગરિકતા આપવા માટે આ કાયદો લાવવામાં આવ્યો છે. એટલે કે એક રીતે કાયદો ભારતના વર્તમાન કોઇ નાગરિકને અસર કરતો નથી કે ન કોઇની નાગરિકતા લેવામાં આવી રહી છે. તેમજ જેઓ શરણાર્થી છે તેમના માટે પણ નિયમ એ છે કે 31 ડિસેમ્બર, 2014 સુધીમાં ભારત આવેલા લોકો માટે જ તે લાગુ પડશે. 

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં