Tuesday, September 17, 2024
More
    હોમપેજદુનિયા9 વર્ષની ઉંમરે બાળકીઓના નિકાહ, પારિવારિક મામલા પર નિર્ણય કરવાનો મઝહબી સંસ્થાઓને...

    9 વર્ષની ઉંમરે બાળકીઓના નિકાહ, પારિવારિક મામલા પર નિર્ણય કરવાનો મઝહબી સંસ્થાઓને અધિકાર: ઇરાકની સંસદમાં રજૂ થયું વિવાદિત બિલ, માનવાધિકાર સંગઠનોનો વિરોધ

    બિલ જો કાયદાનું સ્વરૂપ ધારણ કરે તો નવી જોગવાઈ અનુસાર નાગરિકો પારિવારિક મામલાઓ માટે ન્યાયતંત્ર કે ઇસ્લામિક મઝહબી સંસ્થાઓ, બેમાંથી કોઈની પણ પસંદગી કરી શકશે. એટલે કે આ બિલના કારણે ફરી એક વખત ઈસ્લામિક સંસ્થાઓને નિકાહ, તલાક વગેરે બાબતો પર નિર્ણયો કરવાનો અધિકાર પ્રાપ્ત થઈ જશે.

    - Advertisement -

    ઇસ્લામી દેશ ઇરાકની સરકાર નિકાહને લગતા કાયદામાં સંશોધન કરવા જઈ રહી છે, જેનો દેશભરમાં વિરોધ થઈ રહ્યો હોવાનું વિદેશી મીડિયા અહેવાલો જણાવી રહ્યા છે. નવા સંશોધન અનુસાર, મહિલાઓની નિકાહ કરવાની ઉંમર ઘટાડીને 9 કરી દેવામાં આવશે. ઇરાકના ન્યાય મંત્રાલય દ્વારા આ માટે એક બિલ રજૂ કરવામાં આવ્યું છે, જેમાં દેશના ‘પર્સનલ સ્ટેટ્સ લૉ’માં સુધારો કરવાની જોગવાઇ કરવામાં આવી છે. આ કાયદા અનુસાર, હાલ નિકાહ કે લગ્ન માટે ઓછામાં ઓછી 18 વર્ષની વય હોવી જરૂરી છે. બીજી તરફ, આ વિવાદિત બિલને લઈને વિરોધ પ્રદર્શનો શરૂ થઈ ગયાં છે. 

    બિલ જો કાયદાનું સ્વરૂપ ધારણ કરે તો નવી જોગવાઈ અનુસાર નાગરિકો પારિવારિક મામલાઓ માટે ન્યાયતંત્ર કે ઇસ્લામિક મઝહબી સંસ્થાઓ, બેમાંથી કોઈની પણ પસંદગી કરી શકશે. એટલે કે આ બિલના કારણે ફરી એક વખત ઈસ્લામિક સંસ્થાઓને નિકાહ, તલાક વગેરે બાબતો પર નિર્ણયો કરવાનો અધિકાર પ્રાપ્ત થઈ જશે. 1959માં ઇરાકમાં રાજાશાહી નાબૂદ થયાની તરત બાદ એક કાયદો બનાવવામાં આવ્યો હતો, જે હેઠળ આ બાબતોમાં નિર્ણય કરવાનો અધિકાર મુસ્લિમ સંસ્થાઓ પાસેથી આંચકી લઈને સરકાર અને ન્યાયતંત્રને સોંપી દેવામાં આવ્યો હતો. 

    આ વિવાદિત બિલ જો પાસ થયું તો બાળકીઓનાં 9 વર્ષે અને તરુણોના 15 વર્ષે નિકાહ થઈ શકશે. જોકે, અહેવાલો જણાવી રહ્યા છે કે નવા બિલમાં માત્ર ઈસ્લામને લઈને જ જોગવાઈ કરવામાં આવી છે, અન્ય ધર્મ-પંથોને બાકાત રાખવામાં આવ્યા છે. પરંતુ હકીકત એ પણ છે કે દેશમાં 97 ટકા વસ્તી મુસ્લિમોની છે. 

    - Advertisement -

    ગત જુલાઈ મહિનામાં ઇરાકમાં આ બિલના ભારે વિરોધ અને વિવાદ બાદ સંસદે પરત ખેંચી લીધું હતું, પરંતુ અમુક શિયા જૂથો તરફથી સમર્થન પ્રાપ્ત થયા બાદ 4 ઑગસ્ટના રોજ ફરીથી રજૂ કરવામાં આવ્યું હતું. સંસદમાં તેનું પહેલી વખત વાંચન થઈ ચૂક્યું છે. હવે શિયા-સુન્ની સંસ્થાઓને અભિપ્રાયો રજૂ કરવા માટે 6 મહિનાનો સમય આપવામાં આવ્યો છે. 

    જોકે, આ પહેલાં પણ ઇરાકમાં આ પ્રકારે લગ્નની ઉંમરને લઈને સુધારા કરવાના પ્રયાસો થઈ ચૂક્યા છે, પરંતુ સફળ થયા નથી. આ વખતે પણ જે રીતે વિરોધ પ્રદર્શનો ચાલી રહ્યાં છે તેને જોતાં શંકા છે. ઇરાકમાં સુધારાવાદી માનસિકતા ધરાવનારાઓ અને માનવ અધિકારની તરફેણ કરનારાઓ આ બિલનો વિરોધ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે નવા કાયદાથી રેપને કાયદાકીય રીતે માન્યતા પ્રાપ્ત થઈ જશે. આ સાથે તેમણે તરુણીઓના સ્વાસ્થ્ય અને શિક્ષણને લઈને પણ ચિંતા વ્યક્ત કરી છે. 

    યુનિસેફનું માનીએ તો ઇરાકમાં 28% મહિલાઓનાં લગ્ન 18 વર્ષની ઉંમર પહેલાં જ થઈ જાય છે. માનવ અધિકારની વકાલત કરનારાઓનું કહેવું છે કે કાયદાકીય રીતે અમાન્ય હોવા છતાં આ પરિસ્થિતિ છે ત્યારે માન્યતા મળ્યા બાદ તે વધુ બગડશે. વિરોધ કરનારાઓ કહી રહ્યા છે કે તેના કારણે સમાનતાનો અધિકાર પણ છીનવી લેવાશે અને બાળકીઓના ભવિષ્યને પણ અસર થશે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં