Friday, October 18, 2024
More
    હોમપેજરાજકારણટ્રુડોનું ખાલિસ્તાનીઓને સમર્થન અને ભારતનો વિરોધ, બંને દેશોમાંથી હાંકી કઢાયા ડિપ્લોમેટ્સ: SFJના...

    ટ્રુડોનું ખાલિસ્તાનીઓને સમર્થન અને ભારતનો વિરોધ, બંને દેશોમાંથી હાંકી કઢાયા ડિપ્લોમેટ્સ: SFJના આતંકીઓએ આપી નવી ધમકી, જાણો કેમ વધ્યો છે ભારત-કેનેડા તણાવ

    આ મામલે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોને તેમના જ દેશમાં આલોચનાનો સામનો કરવો પડી રહ્યો છે. ઘણા કેનેડિયન પત્રકારો અને રાજકીય નિષ્ણાતો તેમની નીતિઓ પર સવાલ ઉઠાવી રહ્યા છે. કેનેડાના જાણીતા પત્રકાર ડેનિયલ બોર્ડમે ટ્રુડો પર ખાલિસ્તાની આતંકવાદીઓને સમર્થન આપીને કેનેડાની સુરક્ષાને જોખમમાં મૂકવાનો આરોપ લગાવ્યો હતો.

    - Advertisement -

    ભારત-કેનેડા વચ્ચે ચાલી રહેલ તણાવ (India-Canada tension) હવે નવા વળાંક પર પહોંચી ગયો છે. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ (Justin Trudeau) ફરી એકવાર ભારત પર જૂન 2023માં ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંઘ નિજ્જરની (Hardeep Singh Nijjar) હત્યામાં હાથ હોવાનો આરોપ લગાવ્યો છે. એટલું જ નહીં, કેનેડાના સુરક્ષા અધિકારીઓએ તો લોરેન્સ બિશ્નોઈ ગેંગને ભારત સરકાર સાથે જોડીને કહ્યું કે ભારત બિશ્નોઈ ગેંગને કેનેડામાં ગુનાહિત જૂથો સાથે કામ કરવા માટે મળી રહ્યું છે. આ આરોપો બાદ ભારતે કેનેડામાંથી પોતાના રાજદ્વારીઓને પાછા બોલાવ્યા છે અને કેનેડાના ટોચના 6 રાજદ્વારીઓને દેશ છોડવાનો આદેશ જારી કર્યો છે.

    આ દરમિયાન ખાલિસ્તાની આતંકવાદી સંગઠન શીખ ફોર જસ્ટિસે (SFJ) કેનેડામાં તૈનાત ભારતીય હાઈ કમિશનર પવન કુમાર વર્માને જાનથી મારી નાખવાની ધમકી આપી છે. જારી કરાયેલ પોસ્ટરમાં તેમના ચહેરા પર ગોળીઓના નિશાન જોવા મળે રહ્યા છે.

    આ ઘટનાઓ વચ્ચે ભારતે કેનેડાના છ રાજદ્વારીઓને હાંકી કાઢ્યા હતા. ભારતે ટેમ્પરરી હાઈ કમિશનર, સેક્રેટરી જેવા ઉચ્ચ હોદ્દા ધરાવતા લોકોને પાછા ફરવા કહ્યું છે અને 19 ઓક્ટોબરની સમયમર્યાદા નક્કી કરી છે. એટલું જ નહીં, ભારતે કેનેડાથી પોતાના તમામ રાજદ્વારીઓને પરત બોલાવ્યા છે. આ પગલું ભારત-કેનેડા વચ્ચે વધી રહેલા તણાવ અને વિવાદને વધુ ગાઢ બનાવી રહ્યું છે.

    - Advertisement -

    ઉલ્લેખનીય છે કે હરદીપ સિંહ નિજ્જર એક ખાલિસ્તાની આતંકવાદી (Khalistani Terrorist) હતો, જે કેનેડામાં રહેતો હતો અને ભારત વિરુદ્ધ અનેક અપરાધિક મામલામાં વોન્ટેડ હતો. જૂન 2023માં કેનેડાના પ્રાંત બ્રિટિશ કોલંબિયામાં તેની હત્યા કરવામાં આવી હતી. ત્યારથી કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો ભારત પર આ હત્યામાં સામેલ હોવાનો આરોપ લગાવી રહ્યા છે. તેમનું કહેવું છે કે કેનેડાની ગુપ્તચર એજન્સીઓ પાસે પુરાવા છે કે ભારતીય એજન્સીઓએ આ હત્યામાં ભૂમિકા ભજવી હતી. કેનેડાએ આમાં લોરેન્સ બિશ્નોઈ ગેંગનું (Lawrence Bishnoi Gang) નામ પણ લીધું છે. જો કે હજુ સુધી તેમણે આ અંગે કોઈ નક્કર પુરાવા રજૂ કર્યા નથી.

    ભારત ફગાવી ચૂક્યું છે તમામ આરોપ

    ભારતે કેનેડાના આ આરોપોને સંપૂર્ણપણે ફગાવી દીધા છે. ભારતનું કહેવું છે કે આ આરોપો પાયાવિહોણા છે અને માત્ર ભારતની છબી ખરાબ કરવાનો પ્રયાસ છે. ભારતના વિદેશ મંત્રાલયે કહ્યું કે કેનેડામાં ખાલિસ્તાની આતંકવાદીઓને આશ્રય આપવામાં આવી રહ્યો છે અને ત્યાંની સરકાર કડક કાર્યવાહી કરવાને બદલે તેમનું સમર્થન કરી રહી છે. ભારતે સ્પષ્ટ કર્યું છે કે તે આવા ખોટા આરોપોને સહન નહીં કરે.

    ખાલિસ્તાનીઓને સમર્થન આપવા બદલ પોતાના દેશમાં ઘેરાયા છે ટ્રુડો

    આ મામલે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોને તેમના જ દેશમાં આલોચનાનો સામનો કરવો પડી રહ્યો છે. ઘણા કેનેડિયન પત્રકારો અને રાજકીય નિષ્ણાતો તેમની નીતિઓ પર સવાલ ઉઠાવી રહ્યા છે. કેનેડાના જાણીતા પત્રકાર ડેનિયલ બોર્ડમે ટ્રુડો પર ખાલિસ્તાની આતંકવાદીઓને સમર્થન આપીને કેનેડાની સુરક્ષાને જોખમમાં મૂકવાનો આરોપ લગાવ્યો હતો. બોર્ડમે કહ્યું, “ખાલિસ્તાની તત્વો આ સ્થિતિનો પૂરો ફાયદો ઉઠાવી રહ્યા છે… તેઓ આને પોતાની સંપૂર્ણ જીત માની રહ્યા છે અને ભારત પર પ્રહાર કરી રહ્યા છે.”

    ટ્રુડોએ 2018માં આવા જ વિવાદનો સામનો કરવો પડ્યો હતો જ્યારે તેમણે તેમની ભારત મુલાકાત દરમિયાન ખાલિસ્તાની આતંકવાદીને તેમના રાત્રિભોજન માટે આમંત્રણ આપ્યું હતું. 2018માં જસ્ટિન ટ્રુડોએ ખાલિસ્તાની આતંકવાદી જસપાલ અટવાલને તેમની સાથે ડિનર માટે આમંત્રણ આપ્યું હતું. જો કે, જ્યારે ભારતે તેમને આ બાબતે ઠપકો આપ્યો ત્યારે જસ્ટિન ટ્રુડોએ સ્પષ્ટતા કરી કે તેઓ જસપાલ વિશે જાણતા નહોતા.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં