છેલ્લા ચાર દિવસથી ફ્રાન્સ હિંસાની આગમાં ભડકે બળી રહ્યું છે. મંગળવારે સવારે રાજધાની પેરિસમાં એક 17 વર્ષીય તરૂણને પોલીસે ગોળીએ દીધા બાદ ટોળાંએ ધમાલ શરૂ કરી હતી, જે તોફાનો દિવસે-દિવસે ગંભીર સ્વરૂપ પકડતાં જાય છે. બીજી તરફ, સરકારે 45 હજાર જવાનો તહેનાત કરી દીધા છે અને અનેકની ધરપકડ કરી લીધી છે. જેમાંથી મોટાભાગનાની ઉંમર 18 વર્ષથી નીચેની છે.
WATCH: Footage from Marseille on the 4th night of riots across France pic.twitter.com/nnLFHSGspJ
— BNO News (@BNONews) June 30, 2023
સોશિયલ મીડિયા પર અનેક વિડીયો વાયરલ થઇ રહ્યા છે, જેમાં ઉન્માદી ટોળું પથ્થરમારો અને આગચંપી કરતું જોવા મળે છે. આ પહેલાં રિપોર્ટ્સમાં સામે આવ્યું હતું કે ટોળાંએ અહીં બેન્ક, લાઈબ્રેરી સહિત અનેક મોટાં સ્થળો ભડકે બાળ્યાં હતાં તો અનેક ઠેકાણે લૂંટફાટની ઘટના પણ સામે આવી હતી. ઉપરાંત, પોલીસ પર હુમલા કરવાની ઘટનાઓ પણ નોંધાઈ છે.
ફ્રાન્સના બીજા સૌથી મોટા શહેર માર્સેલમાં શુક્રવારે તોફાનીઓએ એક ગન સ્ટોરમાં લૂંટ મચાવી હતી અને બંદૂકો ચોરી લઇ ગયા હતા. આ તોફાનો મામલે પોલીસે 80 લોકોની ધરપકડ કરી છે. તોફાનો જોતાં માર્સેલના મેયરે ફ્રાન્સ સરકારનો સંપર્ક કરીને વધારાનું પોલીસબળ મોકલવા માટે વિનંતી કરી હતી તેમજ શહેરમાં પ્રદર્શનો પર રોક લગાવી દીધી હતી. ઉપરાંત, સાંજે સાત વાગ્યા બાદ જાહેર પરિવહન પણ સ્થગિત કરી દેવામાં આવ્યું હતું.
🇫🇷 A Gun store was looted in Marseille. #FranceRiots pic.twitter.com/pQYFdQILgQ
— globalnewsclub (@Globalnewsclub) June 30, 2023
ફ્રાન્સના ગૃહમંત્રીએ શુક્રવારે સાંજે જણાવ્યું હતું કે, તોફાનોને કાબૂમાં લેવા માટે વધારાના 45 હજાર જવાનોને તહેનાત કરવામાં આવશે. તેમણે ઉમેર્યું કે, આવનારા કેટલાક કલાકો બહુ અગત્યના પુરવાર થશે. મંત્રીએ જણાવ્યું હતું કે, તોફાનો મચાવનારાઓમાં 13 વર્ષના કિશોરો પણ સામેલ છે. જ્યારે અન્ય રિપોર્ટ્સ અનુસાર, ગુરૂવારે કુલ 900 લોકોની ધરપકડ કરવામાં આવી હતી, જેમની સરેરાશ ઉંમર 17 વર્ષની છે. શુક્રવારે બીજા 270 લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોંએ પણ આ બાબતનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, ધરપકડ કરવામાં આવેલા લોકોમાંથી ત્રીજા ભાગના યુવાનો અને કિશોરો છે. વાલીઓને વિનંતી કરતાં રાષ્ટ્રપતિએ કહ્યું કે, તેમની જવાબદારી છે કે તેમને ઘરમાં રાખે, સરકારની નહીં. મેક્રોંએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ અને વિડીયો ગેમ્સને પણ જવાબદાર ગણાવી હતી અને કહ્યું કે, તેમણે સંવેદનશીલ સામગ્રી હટાવી દેવી જોઈએ. સ્નેપચેટ અને ટિકટોક વગેરેનો ઉલ્લેખ કરીને તેમણે કહ્યું કે, ધ્યાનમાં આવ્યું છે કે આવાં પ્લેટફોર્મ્સ પર હિંસક ગતિવિધિઓને પ્રોત્સાહન આપવામાં આવે છે, જેના કારણે યુવાનો વાસ્તવિકતાથી દૂર રહીને આવી પ્રવૃત્તિઓમાં જોતરાય છે. તેમણે કહ્યું કે, સરકાર સોશિયલ મીડિયા કંપનીઓ પાસેથી એવા લોકોની માહિતી માંગશે જેમણે આ પ્લેટફોર્મ્સનો ઉપયોગ હિંસાને પ્રોત્સાહન આપવા માટે કર્યો હોય.
વાસ્તવમાં ગત મંગળવારે (25 જૂન, 2023) પેરિસમાં પોલીસે ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન બદલ એક 17 વર્ષીય તરૂણને ગોળી મારી દીધી હતી. પોલીસે રોક્યા છતાં તે રોકાયો ન હતો અને ગાડી હંકારવા જતાં પોલીસે ગોળીબાર કર્યો હતો, જેમાં તે મૃત્યુ પામ્યો હતો. જેના વિરોધમાં ટોળાં રસ્તા પર ઉતરી આવ્યાં હતાં. મંગળવારથી ફ્રાન્સમાં હિંસા શરૂ થઇ હતી, જે હજુ પણ ચાલી રહી છે.