Saturday, May 18, 2024
More
    હોમપેજદુનિયાઠેકઠેકાણે હિંસા, પોલીસ પર પથ્થરમારો, વાહનો સળગાવાયાં…: ભડકે બળી રહ્યું છે ફ્રાન્સ;...

    ઠેકઠેકાણે હિંસા, પોલીસ પર પથ્થરમારો, વાહનો સળગાવાયાં…: ભડકે બળી રહ્યું છે ફ્રાન્સ; અનેકને ઇજા, 150થી વધુની ધરપકડ

    અત્યાર સુધી આ હિંસામાં 24 પોલીસ અધિકારીઓને ઇજા પહોંચી છે તો 40 જેટલી કાર સળગાવી દેવામાં આવી છે. આ મામલે લગભગ 150 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

    - Advertisement -

    ફ્રાન્સ અત્યારે ભડકે બળી રહ્યું છે. મંગળવારે (27 જૂન, 2023) અહીં હિંસા ફાટી નીકળી હતી, જે હજુ ચાલુ જ છે અને કાબૂ મેળવવા માટે ત્યાંની સરકાર 40 હજાર જવાનોને ખડકવાની તૈયારી કરી રહી છે. સોશિયલ મીડિયા પર અનેક તસ્વીરો અને વિડીયો વાયરલ થયા છે, જેમાં આગચંપી અને તોડફોડ જોવા મળે છે. આ હિંસામાં અનેકને ઈજાઓ પહોંચી છે. 

    વાસ્તવમાં ફ્રાન્સની રાજધાની પેરિસમાં પોલીસે ચેકિંગ દરમિયાન ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન બદલ એક કિશોરને ગોળી મારી દીધી હતી, જેમાં તે મૃત્યુ પામ્યો હતો. જેને લઈને લોકોનાં ટોળાં વિફર્યાં અને હિંસા શરૂ કરી દીધી હતી. ટોળાંએ રસ્તા પર ઉતરી આવીને વિકરાળ સ્વરૂપ પકડ્યું હતું અને ઠેકઠેકાણે ઉત્પાત મચાવવાનો શરૂ કરી દીધો હતો. 

    ઘટનાની વધુ વિગતો એવી છે કે, મંગળવારે સ્થાનિક સમય અનુસાર લગભગ સવારે સાડા આઠ વાગ્યે પોલીસે પેરિસમાં ગફલતભરી રીતે કાર હંકારીને જતા એક કિશોરને રોક્યો હતો. અગાઉ પણ તે લાયસન્સ વગર ગાડી ચલાવતાં પકડાયો હતો. ગાડી થોભાવ્યા બાદ બે અધિકારીઓએ નજીક જઈને કશુંક પૂછતાં કિશોરે પૂરઝડપે ગાડી હંકારી મૂકી હતી. ત્યારબાદ પોલીસે ગોળીબાર કર્યો, જેમાં તે મૃત્યુ પામ્યો હતો. અન્ય એક રિપોર્ટ અનુસાર, પોલીસે જણાવ્યું કે, મૃતકે પહેલાં ગાડી અટકાવવાનો ઇનકાર કરી દીધો હતો અને જ્યારે પોલીસ અધિકારીઓએ તેને અટકાવવાનો પ્રયાસ કર્યો તો તેણે ટ્રાફિકને અવરોધાય એ રીતે ગાડી મૂકી દીધી હતી અને એન્જીન બંધ કરી દીધું હતું. પરંતુ થોડીવારમાં ફરીથી એન્જીન ચાલુ કરીને ભાગવા માંડ્યો હતો. ત્યારબાદ પોલીસે ગોળી ચલાવવી પડી હતી.

    - Advertisement -

    ઘટના બાદ ગોળી ચલાવનાર પોલીસ અધિકારીને હિરાસતમાં લઇ લેવામાં આવ્યો હતો અને પૂછપરછ પણ શરૂ કરવામાં આવી હતી પરંતુ ઉશ્કેરાયેલા લોકોના ટોળાએ રસ્તા પર ધમાલ મચાવવાની શરૂ કરી દીધી હતી. ગુસ્સે ભરાયેલા લોકોએ રસ્તા પર આવીને વાહનોમાં આગ લગાડી દીધી હતી તો અમુક ઠેકાણે જાહેર સ્થળોએ હુમલા કરી દીધા હતા. પેરિસ સિવાય દેશના અન્ય ભાગોમાં પણ હિંસા ફાટી નીકળી હતી. ક્યાંક લોકોએ ફ્રાન્સ પોલીસ પર પથ્થરમારો પણ કર્યો હતો તો ક્યાંક પોલીસ સ્ટેશનો પર ટોળું તૂટી પડ્યું હતું. દેશમાં અનેક ઠેકાણે સાયલન્ટ માર્ચ પણ યોજાઈ, જેમાં હજારો લોકો એકઠા થયા હતા. 

    રિપોર્ટ અનુસાર, અત્યાર સુધી આ હિંસામાં 24 પોલીસ અધિકારીઓને ઇજા પહોંચી છે તો 40 જેટલી કાર સળગાવી દેવામાં આવી છે. આ મામલે લગભગ 150 લોકોની ધરપકડ કરવામાં આવી છે. હિંસાને જોતાં સરકાર 40 હજાર જેટલા વધારાના જવાનોને તહેનાત કરવાની યોજના ઘડી રહી છે. તેમજ જ્યાં ઘટના બની હતી ત્યાં વિશેષ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. 

    આ ઘટના અને હિંસાને લઈને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોંએ પણ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, ક્યારેય પણ મોતને યોગ્ય ઠેરવી શકાય નહીં અને હું આખા દેશની ભાવના સમજી શકું છું અને મૃતકના પરિજનોને સાંત્વના પાઠવું છું. તેમણે ઉમેર્યું કે, ન્યાય થાય તે માટે આપણે શાંત રહેવું પડશે, કારણ કે આ સંજોગોમાં આપણે પરિસ્થિતિને વધુ બગડવા દઈ શકીએ તેમ નથી.” અન્ય એક ટ્વિટમાં તેમણે શાળાઓ, પોલીસ મથક ટાઉન હૉલ વગેરે પર થતા હુમલાની ટીકા કરીને સૌને શાંતિ જાળવવા માટેની અપીલ કરી હતી. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં