Sunday, September 8, 2024
More
    હોમપેજસ્પેશ્યલટ્રમ્પ પર હુમલો પ્રથમ ઘટના નહીં, ભૂતકાળમાં 4 રાષ્ટ્રપતિની થઈ ચૂકી છે...

    ટ્રમ્પ પર હુમલો પ્રથમ ઘટના નહીં, ભૂતકાળમાં 4 રાષ્ટ્રપતિની થઈ ચૂકી છે હત્યા, અનેકને મારવાના થયા પ્રયાસ: એક નજર અમેરિકાના રાજકારણના રક્તરંજિત ઇતિહાસ તરફ

    જીવલેણ હુમલા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ સમ્પૂર્ણપણે સ્વસ્થ છે અને તેમણે પોતે જ આની માહિતી આપી છે. જોકે આ કોઈ પ્રથમ ઘટના નથી કે અમેરિકામાં કોઈ મોટા નેતા પર જાહેરમાં જીવલેણ હુમલો થયો હોય. એમાં પણ રાષ્ટ્રપતિઓની હત્યામાં અમેરિકાનો ઇતિહાસ લોહિયાળ રહ્યો છે. ત્યાં અત્યારસુધી 4 રાષ્ટ્રપતિઓની હત્યા થઈ ચૂકી છે

    - Advertisement -

    તાજેતરમાં અમેરિકાથી આવેલા સમાચારોએ આખા વિશ્વને હચમચાવી મુક્યું છે. પેન્સિલવેનિયાના બટલર ખાતે જયારે પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ રાજકીય સભાને સંબોધી રહ્યા હતા, ત્યારે એક યુવક દ્વારા તેમના પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. તેમના પર આડેધડ ગોળીઓ ચલાવવામાં આવી, પરંતુ સદનસીબે એક પણ ગોળીએ તોમનો જીવ ન લીધો. હા તેમનો કાન થોડો ઈજાગ્રસ્ત ચોક્કસ થયો. આ હુમલામાં ગોળીઓ ચલાવનાર યુવકને અમેરિકન સિક્રેટ સર્વિસના અધિકારીઓએ ઠાર માર્યો છે. ઉપરાંત સભા સ્થળે હાજર એક વ્યક્તિનું મૃત્યુ પણ થયું છે. નેતાઓના

    ઘટના બાદ વિશ્વ આખામાં સોંપો પડી ગયો. વડાપ્રધાન મોદીથી લઈને અનેક મોટા નેતાઓએ આ મામલે ચિંતા જતાવી અને હુમલાને વખોડી કાઢ્યો. ડોનાલ્ડ ટ્રમ્પ સંપૂર્ણપણે સ્વસ્થ છે અને તેમણે પોતે જ આની માહિતી આપી છે. જોકે, આ કોઈ પ્રથમ ઘટના નથી કે અમેરિકામાં કોઈ મોટા નેતા પર જાહેરમાં જીવલેણ હુમલો થયો હોય. એમાં પણ રાષ્ટ્રપતિઓની હત્યામાં અમેરિકાનો ઇતિહાસ હંમેશાથી લોહિયાળ રહ્યો છે. અમેરિકામાં અત્યારસુધી 4 રાષ્ટ્રપતિઓની હત્યા થઈ ચૂકી છે અને અનેક પર હુમલા કરવામાં આવ્યા છે. 1865થી એટલે કે લગભગ છેલ્લી ત્રણ સદીઓમાં આવા અઢળક કિસ્સા સામે આવ્યા છે

    પ્રથમ હત્યા 16મા રાષ્ટ્રપતિની, અબ્રાહમ લિંકનને માથામાં મારી હતી ગોળી

    વાત છે 14 એપ્રિલ 1865ની. અમેરિકાના 16મા રાષ્ટ્રપતિ પોતાની પત્ની મેરી ટોડ લિંકન અને કેટલાક નજીકના લોકો સાથે વોશિંગ્ટનના ફોર્ડ થીયેટરમાં ‘અવર અમેરિકન કઝીન’ નામનો કોમેડી પ્લે જોઈ રહ્યા હતા. દરમિયાન જૉન વિલ્ક્‌સ બુથ નામના વ્યક્તિએ તેમને માથામાં ગોળી મારી દીધી હતી. તેમને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા પરંતુ 15 એપ્રિલે અંતે તેમનું મૃત્યુ થયું.

    - Advertisement -

    લિંકનને સમાજ સુધારક માનવામાં આવે છે. પોતાના કાર્યકાળ દરમિયાન તેમણે અનેક વિરોધ, વિગ્રહોનો સામનો કરીને, ગૃહયુદ્ધ જેવી પરિસ્થિતિને સંભાળીને ગુલામી પ્રથા નાબુદ કરાવી હતી. તેમની હત્યા પાછળ પણ રંગભેદનો વિરોધ અને અશ્વેત લોકોના અધિકારોને લઈને તેમના વલણને જવાબદાર માનવામાં આવે છે. તેમના મૃત્યુ બાદ ઉપરાષ્ટ્રપતિ એન્ડ્રયુ જોનસને રાષ્ટ્રપતિ પદ સંભાળ્યું હતું. બીજી તરફ 26 એપ્રિલ 1865ના રોજ વર્જિનિયામાં લિંકનના હત્યારાની પણ હત્યા કરી દેવામાં આવી હતી.

    બીજી હત્યા 20મા રાષ્ટ્રપતિ જેમ્સ ગારફીલ્ડની

    અમેરિકામાં રાષ્ટ્રપતિની હત્યાની બીજી ઘટના સામે આવી 2 જુલાઈ 1881માં. આ વખતે બંદૂકનું નાળચું હતું દેશના 20મા રાષ્ટ્રપતિ જેમ્સ ગારફીલ્ડ તરફ. તેઓ વોશિંગ્ટનના એક રેલવે સ્ટેશન પર હતા અને ન્યૂ ઈંગ્લેંડ જવા માટે ટ્રેન પકડવાની તૈયારીમાં હતા. આ દરમિયાન ચાર્લ્સ ગુઈટો નામનો વ્યક્તિ ત્યાં ધસી આવ્યો અને તેણે તેમની છાતીમાં ગોળી ધરબી દીધી. ઘા એટલો ઊંડો હતો કે તેમની સારવાર દરમિયાન છાતીમાં વાગેલી ગોળી પણ મળી શકતી નહોતી.

    કહેવામાં આવે છે કે, ટેલિફોનની શોધ કરનાર ગ્રેહામ બેલે એક વિશેષ ઉપકરણ બનાવીને તેમની છાતીમાં ધરબાયેલી ગોળી શોધવાનો નિષ્ફળ પ્રયત્ન કર્યો હતો. ગંભીર રીતે ઘાયલ જેમ્સ અનેક દિવસો સુધી વ્હાઈટ હાઉસમાં પીડાતા રહ્યા હતા. અંતે તેમને ન્યુ જર્સી લઈ જવાની તૈયારીઓ કરવામાં આવી પરંતુ સારવાર મળે તે પહેલાં જ તેમનું મૃત્યુ થયું હતું. નોંધનીય છે કે, ગારફીલ્ડ માત્ર 6 મહિના માટે રાષ્ટ્રપતિ પદ પર રહ્યા હતા, આથી તેમની આ પદ સાથેની વિશેષ કોઈ ઉપલબ્ધિઓ ઇતિહાસમાં નથી ટાંકવામાં આવી. તેમના મૃત્યુ બાદ ચેસ્ટર આર્થર રાષ્ટ્રપતિ પદ પર આવ્યા હતા. બીજી તરફ તેમના હત્યારા ગુઈટોને હત્યાના દોષમાં 1882માં ફાંસીના માંચડે લટકાવી દેવામાં આવ્યો હતો.

    ત્રીજી હત્યા 25મા રાષ્ટ્રપતિ વિલિયમ મેકકિન્લીની

    તારીખ હતી 6 સપ્ટેમ્બર 1901. બફેલો ન્યુયોર્કમાં રાષ્ટ્રપતિ વિલિયમ મેકકિન્લી જાહેર સભાને સંબોધી રહ્યા હતા. ભાષણ પૂર્ણ થયા બાદ તેઓ લોકોને મળી રહ્યા હતા. આ દરમિયાન લોકોના ટોળા વચ્ચે રહેલા એક વ્યક્તિએ તેમની છાતીમાં ગોળીઓ ધરબી દીધી. હત્યારાની ઓળખ લિયોન એફ જોલ્ગોઝ તરીકે થઈ હતી. તેણે ઉપરાછાપરી 2 ગોળીઓ ચલાવી જેમાંથી એક ગોળી તેમના શરીરને અડીને નીકળી ગઈ અને બીજી ગોળી તેમના પેટમાં વાગી હતી. તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા . ફરજ પર હાજર તબીબો તેમની પેટમાં વાગેલી ગોળી કાઢવામાં અસફળ રહ્યા હતા.

    પેટમાં રહેલી ગોળીના કારણે તેમને ગેંગ્રીન થઈ ગયું અને ઘટનાના 8 દિવસ પછી 14 સપ્ટેમ્બરે તેમનું અવસાન થયું. આ હત્યા મેકકિન્લીના રાષ્ટ્રપતિ પદના દ્વિતીય કાર્યકાળ શરૂ થયાના 6 મહિનામાં કરવામાં આવી હતી. તેમના બાદ ઉપરાષ્ટ્રપતિ થિયોડોર રૂઝવેલ્ટે પદ સાંભળ્યું. બીજી તરફ હત્યારાએ પોતાનો ગુનો કબુલી લીધો અને 29 ઓકટોબર 1901માં તેને વિદ્યુત સંચાલિત ખુરસી પર બેસાડીને વીજળીનો ઝટકો આપી મોતની સજા આપવામાં આવી.

    ચોથી હત્યા 35મા રાષ્ટ્રપતિ જ્હોન એફ કેનેડીની

    દિવસ હતો 22 નવેમ્બર, 1963નો રાષ્ટ્રપતિ જ્હોન એફ કેનેડી અમેરિકાના ડલ્લાસના પ્રવાસે હતા. તેમને જોવા માટે રસ્તાઓ પર લોકોની ભારે ભીડ ઊમટી પડી હતી. કેનેડી તેમના એરફોર્સ વન પ્લેનમાંથી બહાર નીકળ્યા અને તેમની પત્ની જેક્લીન સાથે ત્યાં પાર્ક કરેલી એક ખુલ્લી લિમોઝીન કારમાં બેઠા. તેઓ રસ્તાની બંને બાજુએ ઊમટી પડેલી ભીડનું અભિવાદન જીલી રહ્યા હતા. તેવામાં આ જ ટોળામાંથી ગોળીઓ ચલાવવામાં આવી અને એક ગોળી સીધી કેનેડીના માથામાં અને બીજી ગરદનમાં વાગી.

    હુમલા બાદ તાત્કાલિક તેમને પાર્કલેન્ડ હોસ્પિટલ લઇ જવામાં આવ્યા, અહીં ટૂંકી સારવાર બાદ તેમનું મૃત્યુ થયું હતું. તેમના બાદ ઉપરાષ્ટ્રપતિ લિન્ડન બી જોન્સન રાષ્ટ્રપતિ બન્યા હતા. જોન્સને એરફોર્સ વનના (રાષ્ટ્રપતિનું વિમાન) કોન્ફરન્સ રૂમમાં શપથ લીધા હતા અને આમ કરનારા તેઓ એક માત્ર રાષ્ટ્રપતિ છે. બીજી તરફ પોલીસે હાર્વે ઓસવાલ્ડ નામના હત્યારાની ધરપકડ કરી લીધી. ધરપકડના બે દિવસ બાદ જયારે તેને કાઉન્ટી જેલ લઈ જવામાં આવી રહ્યો હતો ત્યારે ડલાસ નાઈટ ક્લબના માલિક જેક રૂબીએ તેની ગોળી મારીને હત્યા કરી નાખી હતી.

    અમેરિકાના ઇતિહાસમાં રાષ્ટ્રપતિ અને મહત્વના નેતાઓની હત્યાના પ્રયાસ

    આ તો થઈ અમેરિકામાં રાષ્ટ્રપતિઓની હત્યાની વાત, હવે નજર કરીએ એવી ઘટનાઓ પર જેમાં રાષ્ટ્રપતિઓ પર જીવલેણ હુમલા તો થયા, પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પની જેમ તેમનો પણ આબાદ બચાવ થયો. અમેરિકાના ઇતિહાસમાં આવી ઘટનાઓનું પણ એક લાંબુ લીસ્ટ છે. જેમાં રાષ્ટ્રપતિ કક્ષાના વ્યક્તિ પણ સુરક્ષિત નથી.

    32મા રાષ્ટ્રપતિ ફ્રેન્કલીન ડી રૂઝવેલ્ટની હત્યાનો પ્રયાસ

    સૂચિમાં પ્રથમ નામ લઈશું અમેરિકાના 32મા રાષ્ટ્રપતિ ફ્રેન્કલીન ડી રૂઝવેલ્ટનું. વર્ષ હતું 1933નું અને તેમણે પોતાનું પદ સંભાળ્યું તેને હજુ વધુ સમય પણ નહતો થયો. ફેબ્રુઆરી મહિનામાં તેઓ એક ઓપન કારમાં બેસીને રાજકીય સભાને સંબોધવા માટે જઈ રહ્યા હતા. તેવામાં ધાણીફૂટ ગોળીબાર થયો. રાષ્ટ્રપતિનો તેમાં આબાદ બચાવ થયો પરંતુ શિકાગોના મેયર એન્ટોન સેર્મકને ગોળી વાગી અને તેઓ ત્યાંજ ઢળી પડ્યા. હત્યારાની ધરપકડ કરી લેવામાં આવી હતી અને તેને મોતની સજા પણ આપવામાં આવી હતી.

    33મા રાષ્ટ્રપતિ હેરી એસ ટ્રુમેનની હત્યાનો પ્રયાસ

    વર્ષ 1950ના નવેમ્બર મહિનામાં રાષ્ટ્રપતિ તૃમેન વ્હાઈટ હાઉસમાં આવેલા બ્લેયર હાઉસમાં હાજર હતા. દરમિયાન 2 બંદુકધારીઓ સુરક્ષાઘેરો તોડીને અંદર ઘુસી આવ્યા. તેમણે આડેધડ ગોળીબાર કર્યો. આ જીવલેણ હુમલામાં રાષ્ટ્રપતિનો આબાદ બચાવ થયો પરંતુ એક પોલીસ ઓફિસરે પોતાનો જીવ ગુમાવવો પડ્યો. બીજી તરફ સામસામી અથડામણમાં એક હુમલાખોર પણ માર્યો ગયો. અન્ય ઓસ્કર કેલ્જો નામના હુમલાખોરની ધરપકડ કરી લેવામાં આવી અને તેને મોતની સજા સંભળાવવામાં આવી હતી. જોકે, રાષ્ટ્રપતિ હેરી એસ ટ્રુમેને વર્ષ 1952માં તેની સજા ઘટાડીને આજીવન કારાવાસમાં બદલી નાખી. વર્ષ 1979માં જિમી કાર્ટર રાષ્ટ્રપતિ બન્યા અને તેમણે હુમલાખોરની સજા માફ કરી દીધી.

    38મા રાષ્ટ્રપતિ ગેરાલ્ડ ફોર્ડની હત્યાનો પ્રયાસ

    વર્ષ હતું 1975નું, ખુબ ટૂંકા સમયની અંદર જ અમેરિકાના 38મા રાષ્ટ્રપતિ ગેરાલ્ડ ફોર્ડની હત્યા કરવાના 2 વાર પ્રયાસ કરવામાં આવ્યા. પ્રથમ ઘટનામાં ફોર્ડ કેલીફોર્નીયાના ગવર્નર સાથે એક બેઠકમાં જઈ રહ્યા હતા તે દરમિયાન લિનેટ નામની એક મહિલાએ તેમની સામે એક સેમી ઓટોમેટીક પિસ્તોલ ટાંકી દીધી. જોકે, કોઈ કારણોસર ગોળી ન ચાલી શકી અને ફોર્ડનો આબાદ બચાવ થયો.

    ઘટનાના માત્ર 17 દિવસ બાદ જ અન્ય એક સાના જેન મુર નામની મહિલાએ સેન ફ્રાન્સિસ્કોમાં એક હોટલની બહાર ફોર્ડ પર ગોળી ચલાવી દીધી. હજુ તે બીજી ગોળી ચલાવે તે પહેલા જ રસ્તે જઈ રહેલા એક વ્યક્તિએ તેને પકડીને પોલીસના હવાલે કરી દીધી. વર્ષ 2007માં તેને છોડી મુકવામાં આવી.

    40મા રાષ્ટ્રપતિ રોનાલ્ડ રીગનની હત્યાનો પ્રયાસ

    વર્ષ હતું 1981નું, રીગન વોશિંગ્ટન ડીસીમાં એક સભાને સંબોધીને પોતાના કાફલા સાથે જઈ રહ્યા હતા. દરમિયાન ઉમટેલી ભીડમાં ઉભેલા જ્હોન હિન્કલે જુનિયરે ગોળીબાર કરી દીધો. રીગનનો આ હુમલામાં આબાદ બચાવ થયો, પરંતુ તેમના સચિવ જેમ્સ બ્રેડી સહિત ત્રણ જણને ગોળી વાગી હતી. હુમલામાં ઘાયલ બ્રેડીને બાદમાં આંશિક લકવો પણ મારી ગયો હતો.

    આરોપી હિન્કલેની તરત ધરપકડ કરી લેવામાં આવી હતી, બાદમાં તેને માનસિક બીમાર લોકોના દવાખાનામાં દાખલ કરી દેવામાં આવ્યો હતો. માનસિક અસ્થિરતાના કારણે તેના પર અન્ય કોઈ કેસ ન ચાલ્યા અને વર્ષ 2022માં તેને મુક્ત કરી દેવામાં આવ્યો.

    43મા રાષ્ટ્રપતિ જ્યોર્જ ડબ્લ્યુ બુશને ગ્રેનેડથી ઉડાવવાનો પ્રયાસ

    આ એક માત્ર એવી ઘટના છે, જે અમેરિકાથી બહાર ઘટી હોય. વાત છે વર્ષ 2005ની, જ્યોર્જ બુશ જ્યોર્જિયાના રાષ્ટ્રપતિ મિખાઈલ સાથે ત્બિલિસી વિસ્તારમાં એક રેલીમાં ભાગ લઈ રહ્યા હતા. આ દરમિયાન તેમના પર એક હેન્ડ ગ્રેનેડ ફેંકવામાં આવ્યો હતો. બંને નેતાઓ બુલેટપ્રૂફ બેરીયર પાછળ હતા અને કપડામાં વીંટીને ફેંકવામાં આવેલો ગ્રેનેડ ફૂટ્યો જ નહીં. આ ગ્રેનેડ બંને નેતાઓથી લગભગ 100 ફૂટની દુરી પર જ પડ્યો હતો. સદનસીબે હુમલામાં કોઈ ઘાયલ ન થયું. વ્લાદિમીર અરૂટુનિયન નામના વ્યક્તિની આ હુમલો કરવા બદલ ધરપકડ કરવામાં આવી અને તેને આજીવન કારાવાસની સજા ફટકારવામાં આવી.

    ઉલ્લેખનીય છે કે, ઉપરોક્ત તમામ ઘટનાઓમાં માત્ર રાષ્ટ્રપતિની હત્યા અને હત્યાના પ્રયાસનો જ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ સિવાય એવી પણ અનેક ઘટનાઓ છે જેમાં રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર કે પછી અન્ય કોઈ મોટા નેતાની હત્યા કે હત્યાના પ્રયાસ કરવામાં આવ્યા હોય. પોતાને શક્તિશાળી અને પ્રથમ નંબરના લોકશાહી દેશ તરીકે ઓળખાવતા અમેરિકાના ઇતિહાસમાં ઉપરોક્ત ઘટનાઓ કાળા ધબ્બા સમાન છે. તેમાં પણ પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર થયેલો જીવલેણ હુમલો આ ધબ્બામાં વધારો છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં