કાયમ પાડોશી દેશો સાથે વિવાદમાં રહેતું ચીન ફરી એકવાર વિવાદમાં ફસાયું છે. નેપાળમાં ચીનના રાજદૂત ચેન સોંગ હવે વિવાદમાં ઘેરાયા છે. નેપાળ સ્થિત પોખરા ઇન્ટરનેશનલ એરપોર્ટના નિર્માણ માટે ચીનની એક્ઝિમ બેન્ક પાસેથી લીધેલી લોન પર વ્યાજ દરને લઈને સોશિયલ મીડિયા પર ચીની રાજદૂત એક વરિષ્ઠ નેપાળી પત્રકાર સાથે વિવાદમાં ઉતર્યા છે. પત્રકાર ગજેન્દ્ર બુધથોકીએ દાવો કર્યો છે કે, 21.596 કરોડ ડોલર લોનનું વાસ્તવિક વ્યાજ દર નક્કી કરેલી શરતો કરતાં વધારે છે. એટલે નક્કી થયેલા વ્યાજ કરતાં ચીન વધુ વ્યાજ લેતું હોવાનો દાવો નેપાળી પત્રકારે સોશિયલ મીડિયા પર કર્યો છે. જેને લઈને આખો વિવાદ ઊભો થયો છે. પત્રકારે ચીનના વ્યાજને વધુ ગણાવ્યું છે.
નેપાળી પત્રકાર બુધથોકીએ ચીનના વ્યાજને વધુ ગણાવતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરી હતી. તેમણે કહ્યું કે, “પોખરા એરપોર્ટ માટે 2% વ્યાજ દર પર લોન લેવામાં આવી હતી, પરંતુ તે દર 5% છે.” બુધથોકીની પોસ્ટ પર ચીની રાજદૂતે જવાબ આપ્યો કે, “આ સૌથી મોટું જૂઠ છે. આ સાર્વજનિક જાણકારી છે, તેમ છતાં તમે જૂઠ બોલવાની હિંમત કરી રહ્યા છો.” રાજદૂત આટલે ન અટક્યાં અને બુધથોકીને સાર્વજનિક રીતે માફી માંગવાનું પણ કહી દીધું. ચીની રાજદૂતના આ વ્યવહારને લઈને નેપાળમાં હવે તેમનો વિરોધ થઈ રહ્યો છે અને તેમના પર પ્રોટોકોલનું ઉલ્લંઘન કરીને એક વરિષ્ઠ નેપાળી પત્રકારને ધમકાવવાનો આરોપ લાગ્યો છે.
Do not intimidate me, know your boundaries Mr. Chen, I have evidence from the Nepal Government. https://t.co/B061GIsx0y
— Gajendra Budhathoki ♿ (@gbudhathoki) May 29, 2024
રાજદૂત ચેને માફી માંગવાની માંગણી કરતાં કહ્યું કે, “અમે તમને અને તમારા પ્રતિનિધિ પાસેથી માફીની માંગણી કરીએ છીએ. જો તમારી પાસે દસ્તાવેજ છે, તો તેને પ્રકાશિત કરો. જો તમારી પાસે નથી અને પુરાવા શોધવા માટે સમય જોઈએ, તો આ કેવો ઇરાદો છે? પહેલાં જૂઠ ફેલાવવાનું, પછી જુવાળ ઓછું થવાની રાહ જોવી અને પછી પાછું જૂઠ ફેલાવવાનું.” બુધથોકીએ પણ વળતો જવાબ આપતા કહ્યું કે, “મને ડરાવો નહીં. પોતાની મર્યાદાઓમાં રહો ચેન. મારી પાસે નેપાળ સરકારના પુરાવા છે.”
તેમણે વધુમાં લખ્યું કે, “સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવેલા નિવેદનોને લઈને ચીની રાજદૂત અને તેમના વફાદાર લોકો તરફથી મને વ્યક્તિગત હુમલા અને ધમકીઓ મળી રહી છે. તેનાથી મારી સુરક્ષાને લઈને પણ અનેકો સવાલ ઊભા થઈ રહ્યા છે.”
નોંધનીય છે કે, નેપાળના ઘણા પત્રકારો અને રાજનેતાઓએ ચીની રાજદૂતના આ વ્યવહારની ટીકા કરી છે. પૂર્વ વિદેશ સચિવ અને રાજદૂત મધુ રમણ આચાર્યે કહ્યું કે, “કોઈ વિદેશી રાજદૂત દ્વારા યજમાન દેશના પત્રકાર પાસે સોશિયલ મીડિયા પર માફી માંગવાની માંગણી કરવી અસામાન્ય છે. તેઓ તે બાબતનું ખંડન કરી શકે છે અથવા તો સરકાર પાસેથી સ્પષ્ટીકરણ માંગી શકે છે. પણ માફી મંગાવી શકતા નથી.”