તાજેતરમાં કેનેડાના બ્રેમ્પટનમાં (Brampton) એક હિંદુ મંદિર પર ખાલિસ્તાની કટ્ટરપંથીઓએ હુમલો (Attack on Hindu Temple) કરી દીધો હતો, જે ઘટના અને ત્યારબાદ ટ્રુડો સરકાર અને તેની પોલીસના વલણને લઈને હિંદુઓમાં પહેલેથી જ આક્રોશ છે ત્યારે તાજેતરમાં કેનેડાની પોલીસે એક નવું કારનામું કર્યું. પીલ રિજનલ પોલીસે આ હુમલા મામલે એક ખાલિસ્તાનીની ધરપકડ તો કરી હતી, પણ પછીથી તેને તરત મુક્ત પણ કરી દેવામાં આવ્યો. જેને લઈને સરકાર અને પોલીસ ફરી એક વખત કઠેડામાં ઊભા રહી ગયાં છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, જે ખાલિસ્તાનીને કેનેડાની પોલીસે પકડ્યો હતો તેનું નામ ઇન્દ્રજીત ગોસલ છે. ગોસલ હિંદુઓ પર હુમલો કરવામાં સામેલ હતો. હાથમાં હથિયારો લઈને હિંદુઓ પર હુમલો કરતો દેખાયો હતો. હુમલાની ઘટનાના વાયરલ થયેલા વિડીયોમાં પણ તે જોવા મળ્યો હતો. કેનેડિયન પોલીસે જાહેર કરેલી માહિતી અનુસાર તેને શુક્રવારે (8 નવેમ્બર, 2024) પકડવામાં આવ્યો હતો. તેની ધરપકડ હથિયાર દ્વારા હિંદુઓ પર હુમલો કરવા બદલ કરવામાં આવી હતી.
ગોસલની ધરપકડ તો કરવામાં આવી, પણ પછીથી તરત તેને મુક્ત કરી દેવામાં આવ્યો હતો. આ બાબત પણ પોલીસે પોતે જ જાહેર કરી છે. પીલ ક્ષેત્રની પોલીસે તેના સત્તાવાર નિવેદનમાં કહ્યું છે કે, “ધરપકડ બાદ ઇન્દ્રજીત ગોસલને તે શરત પર છોડવામાં આવ્યો છે કે બાદમાં તેણે બ્રેમ્પટનમાં ઓન્ટારીઓ કોર્ટ ઓફ જસ્ટિસમાં હાજર થવું પડશે.” હિંદુઓ પર હથિયાર લઈને હુમલો કરવાના ચાર્જ સાથે જેની ધરપકડ કરવામાં આવી હોય, તે વ્યક્તિને માત્ર કોર્ટમાં હાજર થવાની શરત સાથે છોડી મૂકવામાં આવતાં કેનેડિયન પોલીસ પર સવાલો ઉભા થઇ રહ્યા છે.
કેનેડા પોલીસની આ કાર્યવાહીની ભારતમાં પણ ચર્ચા થઈ રહી છે. પત્રકાર આદિત્યરાજ કૌલે X પર એક પોસ્ટ કરતાં આ સમાચાર આપ્યા અને ત્યારબાદ લખ્યું કે, ટ્રુડો સરકારમાં ખાલિસ્તાનીઓની તાકાતની કલ્પના કરો કે ગોસલની ધરપકડ બાદ તેને તરત જ મુક્ત કરી દેવામાં આવ્યો. સાથે એમ પણ કહ્યું કે, તે હરદીપ સિંઘ નિજ્જરની જગ્યા લેશે. ઉલ્લેખનીય છે કે હરદીપ સિંઘ નિજ્જર ભારતમાં ઘોષિત આતંકવાદી હતો અને વર્ષોથી કેનેડામાં રહેતો હતો. જૂન, 2023માં કેનેડાના સરે શહેરમાં અજાણ્યા શખ્સો દ્વારા તેની હત્યા કરી નાખવામાં આવી હતી.
#BREAKING: Canadian Peel Region Police arrests Khalistani radical Inderjeet Gosal of Brampton for attack at a Hindu Temple. Imagine the clout of the Khalistanis in Justin Trudeau Govt, Gosal was released immediately after his arrest. Gosal is replacement of Hardeep Singh Nijjar. pic.twitter.com/JOBoftTULH
— Aditya Raj Kaul (@AdityaRajKaul) November 9, 2024
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઈન્દ્રજીત ગોસલ કટ્ટર ખાલિસ્તાની છે અને તે ‘ખાલિસ્તાન ટાઈગર ફોર્સ’ સાથે સંકળાયેલો હતો તો હરદીપ સિંઘ નિજ્જર સાથે પણ તેના અત્યંત નજીકના સંબંધ હતા. તેના ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંઘ પન્નુ સાથે પણ સંબંધો ખુલ્યા છે. નોંધવું જોઈએ કે આ પહેલાં ખાલિસ્તાની પ્રદર્શનમાં ભાગ લેવા બદલ પીલ પોલીસના એક સાર્જન્ટ હરિન્દર સોહીને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. તેના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયા હતા, ત્યારબાદ કેનેડિયન પોલીસે કાર્યવાહી કરી હતી.
ગત રવિવારે (3 નવેમ્બર) બ્રેમ્પટન સ્થિત હિંદુ સભા મંદિરે એકઠા થયેલા હિંદુઓ પર ખાલિસ્તાની કટ્ટરપંથીઓએ હુમલો કરી દીધો હતો. જેનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જેમાં ખાલિસ્તાનીઓ ડંડા વડે અમુક હિંદુઓને માર મારતા પણ નજરે પડ્યા હતા. ઘટનાના પછીથી ઘેરા પ્રત્યાઘાત પડ્યા અને ભારત સરકારે પણ મુદ્દો ઉઠાવ્યો હતો તો સ્વયં પીએમ મોદીએ પણ ટીકા કરી હતી અને કેનેડાની સરકારને કાર્યવાહી કરવા માટે કહ્યું હતું.