કેનેડિયન પોલીસે (Canadian Police) 14 ઑક્ટોબરે એક પ્રેસ કૉન્ફરન્સમાં ભારત (India) પર ગંભીર આરોપો મૂક્યા હતા, જેમાં જણાવાયું હતું કે, ભારત કેનેડામાં (Canada) ગુનાહિત પ્રવૃત્તિઓમાં સામેલ છે, જેમાં ખાલિસ્તાની આતંકવાદી (Khalistani Terrorist) હરદીપ સિંઘ નિજ્જરની હત્યાનો (Hardeep Singh Nijjar’s Murder) સમાવેશ પણ થાય છે. રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસે (RCMP) એક નિવેદનમાં જણાવ્યું હતું કે, તેમણે જાહેર સલામતી માટેના જોખમને કારણે કેસને સાર્વજનિક કરવાનો નિર્ણય કર્યો છે. એજન્સીએ સ્પષ્ટ કર્યું કે, ભારત સમગ્ર શીખ સમુદાયને નહીં પરંતુ માત્ર ખાલિસ્તાની સમર્થકોને નિશાન બનાવી રહ્યું છે. હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે કેનેડા ખાલિસ્તાનીઓ માટે સુરક્ષિત આશ્રયસ્થાન બની ગયું છે.
રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસે (RCMP) જણાવ્યું હતું કે તેમને દક્ષિણ એશિયાઈ સમુદાય, ખાસ કરીને ખાલિસ્તાની સમર્થકો સાથે જોડાયેલી અનેક હિંસક ધમકીઓ મળી છે. જેમાં હત્યા અને ખંડણી જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. RCMPએ ફેબ્રુઆરી 2024માં ભારત સરકારના એજન્ટો દ્વારા કેનેડામાં ચાલી રહેલી ગુનાહિત પ્રવૃત્તિઓની તપાસ કરવા માટે એક વિશેષ ટીમની રચના કરી હતી. રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસનો દાવો છે કે ભારત સરકારના એજન્ટો કેનેડામાં આ પ્રવૃત્તિઓ કરી રહ્યા છે અને આ માટે ગુનેગારોની મદદ લઈ રહ્યા છે, જેમાં લૉરેન્સ બિશ્નોઈ ગેંગનું નામ મુખ્ય રીતે લેવામાં આવ્યું છે.
#WATCH | Ottawa, Ontario (Canada): "It (India) is targeting South Asian community but they are specifically targeting pro-Khalistani elements in Canada…What we have seen is, from an RCMP perspective, they use organised crime elements. It has been publically attributed and… pic.twitter.com/KYKQVSx7Ju
— ANI (@ANI) October 14, 2024
રસપ્રદ વાત એ છે કે, RCMPએ આ ગુનાહિત પ્રવૃત્તિઓના મુખ્ય ગુનેગાર તરીકે લૉરેન્સ બિશ્નોઈ ગેંગનું નામ આપ્યું હતું અને કહ્યું હતું કે, ભારત સરકાર ખાલિસ્તાની આતંકવાદીઓને નિશાન બનાવવા માટે બિશ્નોઈના સહયોગીઓનો ઉપયોગ કરી રહી છે. RCMP આસિસ્ટન્ટ કમિશનર બ્રિગેટ ગૌવિને જણાવ્યું હતું કે, “ભારત દક્ષિણ એશિયાઈ સમુદાયને નિશાન બનાવી રહ્યું છે, પરંતુ ખાસ કરીને ખાલિસ્તાની તત્વોને. અમે જોઈ રહ્યા છીએ કે આ (ભારતીય) ઓર્ગેનાઇઝ્ડ ક્રિમીનલ્સ ગેંગ સાથે સંકળાયેલા લોકો/ગુનેગારોનો ઉપયોગ કરી રહ્યા છે, ખાસ કરીને બિશ્નોઈ જૂથ સાથે સંકળાયેલા લોકો.”
વોશિંગ્ટન પોસ્ટે પણ છાપી દીધો અહેવાલ
આ સમગ્ર ઘટના દરમિયાન વોશિંગ્ટન પોસ્ટે ભારતના ગૃહમંત્રી અમિત શાહ પર કેનેડામાં ગુનાહિત પ્રવૃત્તિઓમાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો છે. અહેવાલ મુજબ , કેનેડાના અધિકારીઓએ આરોપ લગાવ્યો છે કે ભારત સરકારના વરિષ્ઠ અધિકારીઓએ હરદીપ સિંઘ નિજ્જરની હત્યા સહિત ખાલિસ્તાની આતંકવાદીઓ વિરુદ્ધ હિંસાને પ્રોત્સાહન આપ્યું છે. આ આરોપો પાછળ ઇન્ટરસેપ્ટેડ કોમ્યુનિકેશન્સ અને નવી ગુપ્ત માહિતીનો દાવો કરવામાં આવ્યો છે.
કેનેડાની સરકારે આ આરોપોના જવાબમાં છ ભારતીય રાજદ્વારીઓની ઓળખ કરી હતી, જેઓ ખાલિસ્તાની આતંકવાદીઓની માહિતી એકત્ર કરવામાં સામેલ હતા. આ રાજદ્વારીઓને કેનેડા છોડવાનો આદેશ આપવામાં આવ્યો છે, જેમાં કેનેડામાં ભારતીય હાઈકમિશનર સંજય કુમાર વર્માનો પણ સમાવેશ થાય છે. તેના જવાબમાં ભારતે પણ છ કેનેડિયન રાજદ્વારીઓને હાંકી કાઢ્યા છે. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ પણ ભારત પર એવો આરોપ મૂક્યો છે કે ભારત સરકાર કેનેડામાં ગુનાહિત પ્રવૃત્તિઓમાં સામેલ છે તેના વિશ્વસનીય પુરાવાઓ પણ તેમની પાસે ઉપલબ્ધ છે. ભારતે આ આરોપોને નકારી કાઢ્યા છે અને તેને ટ્રુડો સરકારનો રાજકીય એજન્ડા ગણાવ્યો છે.
RCMPના રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, ભારતીય રાજદ્વારીઓ ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે ઊંડો સંબંધ ધરાવે છે, જેમાં ઘરમાં ઘૂસણખોરી, ગોળીબાર અને હત્યાનો સમાવેશ થાય છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ભારતીય રાજદ્વારીઓ દ્વારા એકત્રિત કરવામાં આવેલી માહિતી ભારતની રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (RAW)ને મોકલવામાં આવી હતી, જેણે અલગતાવાદી વ્યક્તિઓ પર હુમલા કરવા માટે ગુનાહિત સિન્ડિકેટનો ઉપયોગ કર્યો હતો.
વોશિંગ્ટન પોસ્ટે ગૃહમંત્રી અમિત શાહને પણ ખાલિસ્તાની હુમલાઓમાં સામેલ વરિષ્ઠ અધિકારી તરીકે ઉલ્લેખિત કર્યા છે. જોકે, વોશિંગ્ટન પોસ્ટનો આ રિપોર્ટ એક રીતે સંપૂર્ણપણે પક્ષપાતી દેખાઈ આવે છે. કારણ કે, તેમાં કેનેડા તરફથી થઈ રહેલા એક પણ કાવતરાનો ઉલ્લેખ નથી કરવામાં આવ્યો હતો. એક તરફ જસ્ટિન ટ્રુડો એવું કહે છે કે, તેમની પાસે તમામ પુરાવા ઉપલબ્ધ છે અને બીજી તરફ ભારત પુરાવા માંગે છે તો મૌન ધારણ કરી લેવામાં આવે છે. આ બેવડું વલણ વોશિંગટન પોસ્ટે પણ અપનાવ્યું છે.
મોટા ઉપાડે ભારત અને કેન્દ્રીય ગૃહમંત્રી પર આરોપો તો નાખી દીધા, પરંતુ પુરાવાની વાત આવે તો કેનેડિયન PM અને વોશિંગ્ટન પોસ્ટ હાથ ઊંચા કરી દે છે. દરેક વખતે ભારતે કેનેડાના તમામ આરોપોને સંપૂર્ણપણે ફગાવી દીધા છે અને વારંવાર તે માટે પુરાવા સાર્વજનિક કરવાની માંગણી કરી છે, પરંતુ એકવાર પણ કેનેડી સરકારે તે વિશે નિવેદન નથી આપ્યું. તેમ છતાં વોશિંગ્ટન પોસ્ટને એક તરફી રિપોર્ટિંગ કરવામાં વધુ રસ પડી રહ્યો છે.