Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટસત્તાપલટા અને હિંદુવિરોધી હિંસા પહેલાં બાંગ્લાદેશના 'વિદ્યાર્થી નેતાઓ'એ ISI અને US અધિકારીઓ...

    સત્તાપલટા અને હિંદુવિરોધી હિંસા પહેલાં બાંગ્લાદેશના ‘વિદ્યાર્થી નેતાઓ’એ ISI અને US અધિકારીઓ સાથે કરી હતી મુલાકાત: રિપોર્ટમાં દાવો- કતાર અને પાકિસ્તાનમાં થઈ હતી બેઠકો

    બાંગ્લાદેશના તમામ વિદ્યાર્થીઓ અલગ-અલગ સમયે ઇન્ટરનેશનલ ફ્લાઇટ પડકી રહ્યા હતા. જેથી કરીને બાંગ્લાદેશી ગુપ્તચર એજન્સીને આખા ષડયંત્ર વિશે ખ્યાલ ન આવે. ઉપરાંત ભારતીય અધિકારીઓએ પણ આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી.

    - Advertisement -

    તાજેતરમાં પાડોશી દેશ બાંગ્લાદેશમાં વિદ્યાર્થીઓના પ્રદર્શનની આડમાં ભયાનક હિંસા ઊભરી આવી હતી. અનામત મુદ્દે શરૂ થયેલું પ્રદર્શન શેખ હસીનાના રાજીનામાં બાદ હિંદુવિરોધી હિંસા તરીકે તરીકે ભડકી ઉઠ્યું હતું. અનેક હિંદુ નાગરિકોની હત્યા કરી નાખવામાં આવી હતી, હિંદુઓનાં ઘરો અને મંદિરો પર સતત હુમલા થઈ રહ્યા હતા તો આજની તારીખે પણ હિંદુ શિક્ષકોના રાજીનામાં લેવામાં આવી રહ્યાં છે. હિંદુવિરોધી હિંસા વચ્ચે શેખ હસીનાએ આખા ઘટનાક્રમમાં અમેરિકાનો હાથ હોવાનો દાવો કર્યો હતો. જોકે, ઘણા લોકોએ તેને માત્ર ષડયંત્ર ગણાવી દીધું હતું તો બીજી તરફ અમેરિકાએ પણ શેખ હસીનાના દાવાને નકારી કાઢ્યો હતો. પરંતુ ગુપ્ત સૂત્રો પર આધારિત એક રિપોર્ટની વિગતો પરથી ફરી એક વખત ચર્ચા શરૂ થઈ છે કે બાંગ્લાદેશી કથિત વિદ્યાર્થી આંદોલનના કારણે દેશમાં આવેલા સત્તાપરિવર્તન પાછળ પાકિસ્તાની ISI અને અમેરિકી હાથ હોય શકે છે.

    નૉર્થઈસ્ટ ન્યૂઝના એક રિપોર્ટ અનુસાર, એપ્રિલ અને સપ્ટેમ્બર 2023ના સમયગાળા વચ્ચે બાંગ્લાદેશી વિદ્યાર્થી નેતાઓના એક-બે જૂથે શેખ હસીના સરકારને અસ્થિર કરવા માટે ચલાવેલા એક ગુપ્ત અભિયાન હેઠળ પાકિસ્તાન, દુબઈ અને કતારની મુલાકાત લીધી હતી. બાંગ્લાદેશના આ વિદ્યાર્થી જૂથને ‘સંયોજક’ (કોઓર્ડિનેટર્સ) તરીકે ઓળખાવવામાં આવ્યું છે. આ વિદ્યાર્થી નેતાઓએ ISI અને કેટલાક અમેરિકી અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, આ મુલાકાત બાદ તમામ વિદ્યાર્થી નેતાઓ બાંગ્લાદેશ પરત ફર્યા હતા.

    રિપોર્ટમાં વધુમાં કહેવાયું છે કે, ભારતીય એજન્સીઓ પહેલાંથી જ બાંગ્લાદેશ પર નજર રાખીને બેઠી હતી. અહેવાલ અનુસાર, વિરોધ પ્રદર્શનમાં સામેલ કેટલાક વિદ્યાર્થીઓ પાકિસ્તાન ગયા હતા અને ત્યાં ઇન્ટર-સર્વિસ ઇન્ટેલિજન્સ (ISI)ના અધિકારી સાથે મુલાકાત કરી હતી. સાથે એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે, એક સેનાનિવૃત્ત ISI લેફટન્ટ જનરલને બાંગ્લાદેશી વિદ્યાર્થીઓ સાથે સંકલનની જવાબદારી સોંપવામાં આવી હતી.

    - Advertisement -

    મદરેસાઓમાંથી મેળવી હતી તાલીમ

    રિપોર્ટમાં કહેવાયું છે કે, ISI અધિકારી સાથે મુલાકાત કરનારા વિદ્યાર્થીઓમાં એક મોહમ્મદ મહફૂઝ આલમ પણ હતો, જેને 28 ઑગસ્ટના રોજ નવી સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસના વિશેષ સહાયક તરીકે નિયુક્ત કરવામાં આવ્યો હતો. આલમ સિવાય, શેખ હસીનાને સત્તા પરથી હટાવવા માટે આંદોલનનું નેતૃત્વ કરનારા ઘણા બાંગ્લાદેશી વિદ્યાર્થીઓએ દેશભરમાં અને ખાસ કરીને ઢાકામાં અલગ-અલગ કોલેજો અને યુનિવર્સિટીમાં એડમિશન પહેલાં મદરેસામાંથી તાલીમ પણ મેળવી હતી.

    રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, ભારતીય સુરક્ષા એજન્સીઓને બાંગ્લાદેશી વિદ્યાર્થીઓ અને કતાર સરકાર વચ્ચે એક મહત્વપૂર્ણ કડી મળી છે, જેનો ઉપયોગ અમેરિકી સુરક્ષા અધિકારીઓ દ્વારા બાંગ્લાદેશ અને વિદેશોમાં વિવિધ બેન્ક ખાતાંમાં મોટા પ્રમાણમાં નાણાં મોકલવા માટે કરવામાં આવતો હતો. કહેવાય રહ્યું છે કે, આ વિદ્યાર્થીઓ હિજ્બ-ઉત-તહરીર અને ઇસ્લામી છાત્ર શિબિર સાથે જોડાયેલા હતા, જેને કતારની ચેનલો દ્વારા નોંધપાત્ર પ્રમાણમાં નાણાકીય સહાય આપવામાં આવતી હતી.

    નોંધનીય છે કે, પાકિસ્તાનના તે જ સેવાનિવૃત્ત ISI લેફટન્ટ જનરલે એપ્રિલ અને સપ્ટેમ્બર 2023 વચ્ચે કતારની રાજધાની દોહામાં એક હોટેલ બુક કરીને બાંગ્લાદેશી વિદ્યાર્થીઓના અન્ય એક જૂથ સાથે મુલાકાત કરી હતી. એ જ સમયે અમેરિકાએ પણ ડગ માંડવાના શરૂ કર્યા અને તત્કાલીન રાજદૂત પીટર હાસે તત્કાલીન વડાંપ્રધાન શેખ હસીના પર ‘સ્વતંત્ર, નિષ્પક્ષ અને હિંસા-મુક્ત’ ચૂંટણી યોજવા માટે રાજકીય દબાણ ઊભું કર્યુ. અમેરિકાનું આ આખા ષડયંત્રમાં આ પહેલું મહત્વપૂર્ણ પગલું હતું. ભારતીય અધિકારીઓને શંકા છે કે, કેટલાક અમેરિકી નાગરિકો પણ દોહાની તે જ હોટેલમાં રોકાયા હતા, જ્યાં બાંગ્લાદેશી વિદ્યાર્થીઓ અને પાકિસ્તાની અધિકારી રોકાયા હતા.

    બાંગ્લાદેશના તમામ વિદ્યાર્થીઓ અલગ-અલગ સમયે ઇન્ટરનેશનલ ફ્લાઇટ પડકી રહ્યા હતા. જેથી કરીને બાંગ્લાદેશી ગુપ્તચર એજન્સીને આખા ષડયંત્ર વિશે ખ્યાલ ન આવે. ઉપરાંત ભારતીય અધિકારીઓએ પણ આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી. અધિકારીએ કહ્યું હતું કે, ISI સેવાનિવૃત્ત લેફટન્ટ જનરલે એક વર્ષમાં ઘણી વાર બાંગ્લાદેશની મુલાકાત લીધી હતી. આ પછી આંદોલન અને પ્રદર્શન માટે વિદ્યાર્થીઓની ગુપ્ત ભરતી કરવામાં આવી હતી. ત્યારબાદ બાંગ્લાદેશી વિદ્યાર્થીઓએ દુબઈમાં પોતાના પાકિસ્તાની સાથીઓ સાથે મુલાકાત પણ કરી હતી. ત્યારબાદ બાંગ્લાદેશમાં શું થયું તે સૌ કોઈની સામે છે.

    રિપોર્ટમાં થયેલા આ ઘટસ્ફોટ બાદ બાંગ્લાદેશના રાજકારણમાં વિદેશી હસ્તક્ષેપને લઈને અનેક પાસાં સામે આવ્યાં છે. હવે બાંગ્લાદેશમાં સત્તાપલટો અને હિંસક આંદોલન પાછળ અમેરિકા અને પાકિસ્તાનનો હાથ હોવાની અટકળો ફરી વહેતી થઈ ગઈ છે. જોકે, સેન્ટ માર્ટિન ટાપુ અમેરિકાને ન મળવા પર પહેલાંથી જ બંને દેશોના રાજદ્વારી સંબંધોમાં થોડી કડવાશ આવી હતી, પરંતુ નૉર્થઈસ્ટ ન્યૂઝનો રિપોર્ટ તે દિશામાં વધુ વિચારવા પર પણ મજબૂર કરે છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં