Friday, November 22, 2024
More
    હોમપેજદુનિયાબાંગ્લાદેશમાં જેશોરેશ્વરી શક્તિપીઠમાંથી મા કાળીનો મુગટ ચોરાયો, તપાસ શરૂ: 2021માં PM મોદીએ...

    બાંગ્લાદેશમાં જેશોરેશ્વરી શક્તિપીઠમાંથી મા કાળીનો મુગટ ચોરાયો, તપાસ શરૂ: 2021માં PM મોદીએ ભેટ ચડાવ્યો હતો, નવરાત્રિ દરમિયાન જ બની ઘટના

    ઘટના 10 ઓકટોબર 2024ના રોજ ઘટી હતી. આ મંદિર બાંગ્લાદેશમાં વસતા હિંદુઓ સહિત ભારતીય હિંદુઓ માટે પણ આસ્થાનું મોટું કેન્દ્ર છે. મંદિરના મુખ્ય પૂજારીએ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

    - Advertisement -

    બાંગ્લાદેશમાં (Bangladesh) આવેલા શક્તિપીઠ જેશોરેશ્વરી કાલી મંદિરમાં કાલિકા માતાનો મુગટ (Gold Crown) ચોરી થઇ ગયો છે. ચાંદીનો બનેલો અને સોનાના ઢોળવાળો આ મુગટ વડાપ્રધાન મોદીએ વર્ષ 2021માં તેમની બાંગ્લાદેશ યાત્રા દરમિયાન ભેટ ચડાવ્યો હતો. બાંગ્લાદેશ પોલીસે ઘટનાની પુષ્ટિ કરીને તપાસ હાથ ધરી છે.

    પ્રાપ્ત માહિતી અનુસાર, આ ઘટના 10 ઑક્ટોબર, 2024ના રોજ ઘટી હતી. આ મંદિર બાંગ્લાદેશમાં વસતા હિંદુઓ સહિત ભારતીય હિંદુઓ માટે પણ આસ્થાનું મોટું કેન્દ્ર છે. મંદિરના મુખ્ય પૂજારીએ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે. તેમનું કહેવું છે કે તેમણે બપોરની પૂજા સમાપ્ત કર્યા બાદ મંદિરના કપાટ બંધ કરી દીધા હતા. ત્યારબાદ જ્યારે તેઓ સંધ્યા આરતી માટે સાફસફાઈ કરવા પહોંચ્યા ત્યારે દેવીમાના માથા પર રહેલો દિવ્ય મુગટ ગાયબ હતો

    તેમની ફરિયાદ બાદ પોલીસે આ ચોરીની તપાસ આદરી છે. આ ચોરી મંદિરમાં લાગેલા કેમેરામાં કેદ થઈ જતાં હાલ પોલીસ CCTVના માધ્યમથી ચોરનું પગેરું મેળવવા પ્રયત્નો કરી રહી છે. આ માટે પોલીસ CCTV ફૂટેજની તપાસ પણ કરી રહી છે. બીજી તરફ ઘટનાને લઈને સ્થાનિક હિંદુ સમુદાયમાં રોષ ફાટી નીકળ્યો છે. તેમણે માંગ કરી છે કે વહેલી તકે ચોરને ઝડપી લેવામાં આવે અને માતાજીના મુગટને ફરી દિવ્ય રીતે સુશોભિત કરવામાં આવે. મહત્વનું છે કે નવરાત્રિ અને દુર્ગા પૂજાના પવિત્ર દિવસોમાં થયેલી આ ચોરીએ અનેક હિંદુઓની લાગણીને ઠેસ પહોંચાડી છે.

    - Advertisement -

    વડાપ્રધાન મોદીએ ચડાવી હતી ભેટ

    નોંધવું જોઈએ કે જે મુગટની ચોરી થઇ છે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અહીં ભેટ કરવામાં આવ્યો હતો. વર્ષ 2021માં જ્યારે PM મોદી બાંગ્લાદેશની યાત્રા પર ગયા હતા તે સમયે તેમણે મહાકાળી માતાના આ પાવન શક્તિપીઠના દર્શન કર્યા હતા. તે સમયે જ વડાપ્રધાને સોનાના વરખવાળો શુદ્ધ ચાંદીથી બનેલો આ સુંદર મુગટ માતાને અર્પણ કર્યો હતો. મહત્વનું છે કે, જ્યારથી પીએમ મોદીએ આ મુગટ માતાજીને અર્પણ કર્યો હતો ત્યારથી તે માતાજીના માથા પર સુશોભિત હતો. હાલ આ મુગટ ચોરી થઇ જતાં હિંદુઓ દુઃખની લાગણી અનુભવી રહ્યા છે.

    બાંગ્લાદેશ સ્થિત ભારતીય હાઈકમિશને વ્યક્ત કરી ચિંતા

    આ ચોરીને લઈને બાંગ્લાદેશમાં ભારતીય હાઈ કમિશને ચિંતા વ્યક્ત કરી છે. તેમના સત્તાવાર X હેન્ડલ પરથી કહેવામાં આવ્યું હતું કે, “વર્ષ 2021માં વડાપ્રધાન મોદી દ્વારા જેશોશ્વરી કાલી મંદિર (સતખીરા) ખાતે ભેટમાં આપવામાં આવેલા મુગટની ચોરીના સમાચાર ધ્યાન આવ્યા છે. આ મામલે અમે ચિંતા વ્યક્ત કરીએ છીએ અને બાંગ્લાદેશ સરકારને ચોરીની તપાસ કરી મુગટને પરત મેળવી આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાનો આગ્રહ કરીએ છીએ.”

    હિંદુઓ માટે આસ્થાનું કેન્દ્ર છે

    નોંધનીય છે કે બાંગ્લાદેશનું આ જેશોરેશ્વરી કાલી મંદિર 51 શક્તિપીઠ પૈકીનું શક્તિપીઠ છે. પુરાણોને ટાંકીને કહેવામાં આવે છે કે અહીં માતા સતીની હાથની હથેળીઓ પડી હતી. આ ઘટના બાદ એક બ્રાહ્મણ દ્વારા અહીં શક્તિપીઠની સ્થાપના કરવામાં આવી હતી. આ મંદિર ઓછામાં ઓછું 1200થી 1500 વર્ષ જૂનું હોવાનું કહેવામાં આવે છે. લગભગ 400 વર્ષ પહેલાં આ મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો.

    બાંગ્લાદેશી હિંદુઓ માટે આ સ્થાન અતિમહત્વનું માનવામાં આવે છે. દર વર્ષે અહીં ભવ્ય મેળા ભરાય છે અને બાંગ્લાદેશ અને ભારતના હિંદુઓ અહીં દર્શન કરવા આવે છે. ખાસ કરીને નવરાત્રિના સમયે અહીં કરવામાં આવતી દુર્ગાપૂજા વધુ મહત્વ ધરાવે છે. આ વખતે પણ હિંદુઓ નવરાત્રિને લઈને ઉત્સાહી હતા પરંતુ મુગટની ચોરીએ તેમને વ્યથિત કરી દીધા છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં