અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં શનિવારે (6 ઓગસ્ટ 2022) એક બૉમ્બ બ્લાસ્ટ થયો હતો, જેમાં આઠ લોકોનાં મોત થયાં હતાં જ્યારે 22 લોકોને ઇજા પહોંચી હતી. સુન્ની મુસ્લિમ આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટ દ્વારા આ હુમલાની જવાબદારી લેવામાં આવી છે.
આ હુમલો કાબુલના પશ્ચિમી ભાગમાં એક ભીડવાળા બજારમાં થયો હતો. આ સ્થળે શિયા મુસ્લિમ સમાજના લોકો અવારનવાર ભેગા થતા રહેતા હોવાનું મીડિયા અહેવાલોમાં જણાવવામાં આવ્યું છે. સ્થાનિક ખાનગી હોસ્પિટલમાં તબીબો અનુસાર, બૉમ્બ બ્લાસ્ટમાં આઠ લોકોનાં મોત થઇ ગયાં હતાં, જ્યારે 22 લોકોને ઇજા પહોંચી હતી.
શુક્રવારે અન્ય એક બૉમ્બ બ્લાસ્ટમાં કાબુલમાં આઠ લોકો માર્યા ગયા હતા, જ્યારે 18 વ્યક્તિઓને ઇજા પહોંચી હતી. જે બાદ વધુ એક હુમલો થયો છે.
ઇસ્લામિક સ્ટેટ દ્વારા ટેલિગ્રામ ચેનલ પર આ હુમલાની જવાબદારી લઇ જાહેરાત કરવામાં આવી હતી. ઇસ્લામિક સ્ટેટ અફઘાનિસ્તાનમાં કોઈ ચોક્કસ વિસ્તાર પર કબજો ધરાવતું નથી, પરંતુ તેના સ્લીપર સેલ શિયા મુસ્લિમો અને તાલિબાનીઓને અવારનવાર નિશાન બનાવતા રહે છે.
અફઘાનિસ્તાનની વસ્તીગણતરીનો કોઈ ઠોસ ડેટા નથી પરંતુ મીડિયા અહેવાલોમાં જણાવ્યા પ્રમાણે, અફઘાનિસ્તાનની 3.90 કરોડની વસ્તીમાંથી શિયા મુસ્લિમોની વસ્તી 10 થી 20 ટકા છે. જેમાં ફારસી ભાષી તાજિક, પશ્તુનો અને હજારાનો પણ સમાવેશ થાય છે.
બે દાયકા બાદ અફઘાનિસ્તાનમાં સત્તા પર પરત ફરેલા સુન્ની આતંકવાદી સંગઠન તાલિબાને કહ્યું હતું કે, તેઓ શિયા મુસ્લિમો અને તેમનાં ઠેકાણાં તેમજ મસ્જિદો વગેરેની સુરક્ષા સુનિશ્ચિત કરશે. જોકે, તેમ છતાં અફઘાનિસ્તાનમાં બોમ્બ હુમલાઓ થતા જ રહ્યા છે.
7 મહિનામાં કાબુલમાં 15 બૉમ્બ બ્લાસ્ટની ઘટનાઓ
અફઘાનિસ્તાનમાં આ વર્ષે માત્ર રાજધાની કાબુલમાં જ 15 જેટલી બૉમ્બ બ્લાસ્ટની ઘટનાઓ બની છે. એપ્રિલ મહિનામાં કાબુલના એક મની એક્સચેન્જ માર્કેટમાં ગ્રેનેડ બ્લાસ્ટ થયો હતો, જેમાં 58 લોકોને ઇજા પહોંચી હતી, જયારે એક વ્યક્તિ મૃત્યુ પામ્યો હતો. આ ઉપરાંત, એપ્રિલમાં કાબુલની એક કુમાર શાળામાં બૉમ્બ બ્લાસ્ટ થયો હતો. બાળકો જ્યારે ઘરે પરત ફરી રહ્યા હતા, ત્યારે આ બ્લાસ્ટ થયો હતો. જે બાદ 10 મિનિટ પછી અન્ય વિસ્ફોટ થયો હતો. આ ઘટનામાં 6 લોકોનાં મોત થયાં હતાં અને 25ને ઇજા પહોંચી હતી. તદુપરાંત, એપ્રિલમાં એક મસ્જિદમાં પણ બૉમ્બ બ્લાસ્ટ થયો હતો.
ગત જૂન મહિનામાં એક શીખ ગુરુદ્વારામાં પર પણ હુમલો થયો હતો, જેમાં બેનાં મોત થયાં હતાં, જ્યારે સાત લોકોને ઇજા પહોંચી હતી. ઉપરાંત, જૂનમાં એક મિનીબસમાં પણ બૉમ્બ બ્લાસ્ટ થયો હતો.
અફઘાનિસ્તાનમાં ગત 15 ઓગસ્ટના રોજ તાલિબાને કબજો મેળવી લીધો હતો. અમેરિકન રાષ્ટ્રપતિ બાયડને અફઘાનિસ્તાનમાંથી સેના પરત લઇ લેવાની જાહેરાત કર્યા બાદ તાલિબાને એક પછી એક શહેરો કબજો મેળવવા માંડ્યો હતો. જે બાદ 15 ઓગસ્ટ તાલિબાનીઓ કાબુલ સુધી પહોંચી ગયા હતા અને સત્તા પર કબજો જમાવી લીધો હતો.