Friday, November 22, 2024
More
    હોમપેજદેશ6 Day War: વાત ઇઝરાયેલના એ પરાક્રમની, જેનાથી માત્ર 6 દિવસમાં બદલાઈ...

    6 Day War: વાત ઇઝરાયેલના એ પરાક્રમની, જેનાથી માત્ર 6 દિવસમાં બદલાઈ ગયો હતો મધ્ય-પૂર્વનો નકશો, ધૂળ ચાટતા થઈ ગયા હતા આરબ દેશો

    આ છ દિવસના ટૂંકાગાળામાં ઇઝરાયેલે ફરીથી એક વખત પોતાની શક્તિઓનો પરચો બતાવીને પોતાની ઉપર હાવી થવા આવેલા આરબ દેશોને ધૂળ ચાટતા કરીને મોકલી આપ્યા હતા અને ફરી વધારે વિસ્તાર કબજે કરી લીધો હતો. 

    - Advertisement -

    ઇતિહાસમાં જોશો તો વૈશ્વિક શક્તિઓ વચ્ચે થતાં યુદ્ધો મોટેભાગે લાંબાં ચાલ્યાં છે. રશિયા અને યુક્રેન વચ્ચે સૈન્ય સંઘર્ષ લગભગ અઢી વર્ષથી ચાલી રહ્યો છે અને હાલની સ્થિતિએ વહેલી તકે પૂર્ણવિરામ મૂકાવાની શક્યતાઓ દેખાય રહી નથી. ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ શરૂ થયાને 7 ઑક્ટોબરે 1 વર્ષ પૂર્ણ થશે અને હાલ પણ મધ્ય-પૂર્વમાં સ્થિતિ અત્યંત કપરી છે. 2 વિશ્વયુદ્ધ થયાં અને બંને અનુક્રમે 4 અને 6 વર્ષ જેટલાં ચાલ્યાં હતાં. પણ ભૂતકાળમાં એવા પણ દાખલા બની ચૂક્યા છે, જેમાં માત્ર 6 જ દિવસમાં યુદ્ધ (Six-Day War) પૂર્ણ થઈ ચૂક્યું હોય અને તે પણ સમાધાન નહીં પણ વિજય સાથે. આ પરાક્રમ કરી દેખાડ્યું હતું યહૂદી દેશ ઇઝરાયેલે, જે હાલ પણ વિશ્વભરમાં ચર્ચના કેન્દ્રમાં છે. 

    ઇઝરાયેલની સ્થાપના થઈ વર્ષ 1948માં. ચોક્કસ તારીખ જોઈએ તો 14 મે, 1948ના દિવસે. કોઈ પણ દેશ સ્થપાય પછી તેની પ્રાથમિકતા હોય છે સ્થિર થઈને આર્થિક વ્યવસ્થા સરખી કરવાની, આગળ વધવાની. ઇઝરાયેલની પણ એ જ હતી, પણ આરબ દેશોને યહૂદી દેશ સ્થપાય તે મંજૂર ન હતું. યહૂદીઓની શક્તિઓને જાણતા હોવાથી તેઓ બિલકુલ વિલંબ કરવા માંગતા ન હતા એટલે 14 મેના રોજ ઇઝરાયેલની સ્થાપના થઈ અને 15 મેએ આરબ દેશોએ તેની ઉપર હુમલો કરી દીધો. 

    સંભવતઃ વિશ્વમાં એકમાત્ર ઘટના બની હતી, જ્યારે માત્ર એક દિવસ પહેલાં રચાયેલા દેશને યુદ્ધમાં ધકેલી દેવામાં આવ્યો હોય. 15 મેના દિવસે ઇજિપ્ત, સીરિયા, જોર્ડન અને ઇરાકે તેની ઉપર હુમલો કરી દીધો. પછીથી આ સૈન્ય સંઘર્ષમાં યમન, મોરક્કો, સાઉદી અરબ અને સુદાન પણ કૂદી પડ્યા. આ યુદ્ધને 1948ના આરબ-ઇઝરાયેલ યુદ્ધ તરીકે ઓળખવામાં આવે છે. 

    - Advertisement -

    પણ ઇઝરાયેલની શક્તિ જુઓ. માત્ર એક દિવસ પહેલાં રચાયેલા દેશે યુદ્ધમાં ઉતરવાનું નક્કી કર્યું અને સામી છાતીએ તેઓ લડ્યા. ન માત્ર લડ્યા પણ આ તમામ આરબ દેશોને હરાવીને વિજય પ્રાપ્ત કર્યો અને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખ્યું. ત્યારપછીનાં તમામ યુદ્ધો યહૂદીઓ એકમાત્ર આશય સાથે લડ્યા છે- પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે, અને જ્યારે માણસ મરણિયો થઈને લડે છે ત્યારે વિજય નક્કી હોય છે. એક વર્ષ પછી જ્યારે યુદ્ધવિરામ થયું ત્યારે ઇઝરાયેલ પાસે UN તરફથી મળ્યો હતો તેના કરતાં વધુ વિસ્તાર હતો અને જે આરબો ઇઝરાયેલનું અસ્તિત્વ ખતમ કરવા યુદ્ધે ચડ્યા હતા તેમાંથી 7 લાખે પોતાની જમીન મૂકીને ભાગવું પડ્યું અને ત્યાં નિયંત્રણ આવી ગયું ઇઝરાયેલનું. બીજી બાજુ, વેસ્ટ બેન્ક અને પૂર્વ જેરૂસલેમ પર જોર્ડને કબજો કરી લીધો અને ગાઝા પટ્ટી પર ઇજિપ્તે. (આજે આ બંને ભાગ સંયુક્ત રીતે પેલેસ્ટાઇન તરીકે ઓળખાય છે.)

    આટલી પૂર્વભૂમિકા પછી હવે વાત 6 ડે વૉરની

    આ યુદ્ધ લડાયું વર્ષ 1967માં અને માત્ર 6 જ દિવસ ચાલ્યું હતું એટલે તેને 6 ડે વૉર કહેવાય છે. આ છ દિવસના ટૂંકાગાળામાં ઇઝરાયેલે ફરીથી એક વખત પોતાની શક્તિઓનો પરચો બતાવીને પોતાની ઉપર હાવી થવા આવેલા આરબ દેશોને ધૂળ ચાટતા કરીને મોકલી આપ્યા હતા અને ફરી વધારે વિસ્તાર કબજે કરી લીધો હતો. 

    1948માં આરબ દેશોએ હુમલો એ ઇરાદે કર્યો હતો કે ઇઝરાયેલને ઉગતાવેંત ડામી દેવામાં આવે. પણ તેમણે ઊંધેમાથે પછડાટ ખાધી. 

    ત્યારપછીનાં વર્ષોમાં પણ પાડોશી આરબ દેશો અને ઇઝરાયેલ વચ્ચે સંઘર્ષની પરિસ્થિતિ યથાવત રહી. ઇઝરાયેલને US જેવા પશ્ચિમી દેશોનું સમર્થન હતું અને આરબોને સોવિયેત યુનિયન અને તેના સાથીઓ તરફથી સૈન્ય સમર્થન મળતું રહ્યું. બીજી તરફ, આરબોના ફિદાયીન હુમલાઓ પણ ચાલુ રહ્યા અને આર્થિક બહિષ્કાર પણ ઇઝરાયેલ માટે નુકસાનકારક સાબિત થઈ રહ્યો હતો. 

    1967 આવતાં સુધીમાં યુદ્ધની સંભાવનાઓ વધુ સ્પષ્ટ દેખાવા માંડી. જૂન, 1967માં યુદ્ધ થયું તેના બે મહિના અગાઉ સીરિયા અને ઇઝરાયેલની વાયુ સેનાઓ બાખડી અને તેમાં સીરિયાનાં 6 મિગ-21 વિમાનો ઇઝરાયેલની સેનાએ તોડી પાડ્યાં. ત્યારપછી તરત ઇજિપ્તે અકાબાના અખાતમાં ઇઝરાયેલી જહાજો રોકીને કોફિનમાં છેલ્લો ખીલો ઠોકી દીધો. 

    આમ તો યુદ્ધ માટે આ બે કારણો જ માનવામાં આવે છે, પણ થિયરી ઇઝરાયેલના ન્યુક્લિયર પ્રોગ્રામની પણ છે. માનવામાં આવે છે કે ઇઝરાયેલને પરમાણુ શસ્ત્રો બનાવતું રોકવા માટે આરબો ફરી યુદ્ધે ચડ્યા હતા. શક્યતાઓ આ પણ નકારી શકાય એમ નથી. 

    જૂન, 1967 આવ્યું ત્યાં સુધીમાં આરબ દેશો-ઇઝરાયેલ વચ્ચે વધુ એક યુદ્ધ ખેલાશે તે લગભગ સ્પષ્ટ બની ચૂક્યું હતું. દરમ્યાન, આરબ દેશોના સાથી સોવિયેત યુનિયને ઇજિપ્તને એક માહિતી આપી એમાં ગડબડ થઈ ગઈ હતી. જેમાં જણાવવામાં આવ્યું હતું કે ઇઝરાયેલ સીરિયા પર પૂરેપૂરી શક્તિ સાથે હુમલો કરવાની તૈયારીમાં છે. આ ઇનપુટના આધારે ઇજિપ્તે પણ ઇઝરાયેલ સરહદે સેના ગોઠવવા માંડી હતી. 

    આમ જોવા જઈએ તો એક તરફ ઇજિપ્ત, સીરિયા અને જોર્ડન હતા, જેમને ઈરાક, સાઉદી અને કુવૈતનું સમર્થન પ્રાપ્ત હતું અને બીજી તરફ ઇઝરાયેલ એકલે હાથે લડી રહ્યું હતું, જેની સ્થાપનાને માંડ 20 વર્ષ થયાં હતાં. તેમ છતાં સચોટ ઇન્ટેલિજન્સ, અભૂતપૂર્વ સૈન્ય સાહસ અને દ્રઢ મનોબળના જોરે ગમે તેવી સૈન્ય શક્તિઓને કઈ રીતે પરાસ્ત કરી શકાય તે ઇઝરાયેલે આ યુદ્ધમાં દુનિયાને દેખાડ્યું. 

    ઇઝરાયેલે હુમલો કરી દીધો હતો ઇજિપ્ત પર, ઊંઘતી ઝડપાઈ હતી ત્યાંની સેના

    5 જૂન, 1967ની સવારે બરાબર 7:45 વાગ્યે ઇઝરાયેલે ‘ઑપરેશન ફોકસ’ લૉન્ચ કરી દીધું, પણ હુમલો કર્યો ઇજિપ્ત ઉપર, સીરિયા પર નહીં. તેમની ઉપર ઇઝરાયેલ અચાનક હુમલો કરી દેશે તેનો ઇજિપ્તની સેનાને ત્યારે બિલકુલ અંદાજો ન હતો. બાકી ઇજિપ્તની વાયુસેના ત્યારે એટલી સક્ષમ હતી કે ઇઝરાયેલનાં કોઈ પણ શહેરને તબાહ કહી શકી હોત. 

    આ વાતથી પૂરેપૂરું વાકેફ ઇઝરાયેલ પણ હતું. તેઓ બરાબર જાણતા હતા કે માત્ર ગ્રાઉન્ડ ઑપરેશનથી ઇજિપ્તને નબળું પાડી શકાશે નહીં, સૌથી પહેલી જરૂર તેની વાયુસેનાને નબળી પાડવાની છે. યહૂદી દેશની સેનાએ માત્ર ઇજિપ્ત પર ધ્યાન કેન્દ્રિત કરીને તમામ મોરચે યુદ્ધ આરંભી દીધું અને માત્ર 3 કલાકના સમયગાળામાં 19 ઇજિપ્ત્શિયન એરફિલ્ડ તબાહ કરી નાખી અને 319 એરક્રાફ્ટને ક્યાં જમીન પર નેસ્તનાબૂદ કરી દીધાં અથવા હવામાં તોડી પાડ્યાં. બહુ ટૂંકા સમયમાં ઇઝરાયેલે સંપૂર્ણ રીતે ઇજિપ્તની એરસ્પેસ પર કબજો કરી લીધો અને બીજી બાજુ ઇજિપ્ત પાસે કોઈ વિકલ્પ બાકી રહ્યો ન હતો. 

    બીજી તરફ, શરૂઆતથી જ ત્રણ મોરચે લડવા માટે તૈયાર ઇઝરાયેલ તુરંત જ જોર્ડન અને સીરિયાને પણ બાનમાં લીધા. અહીં પણ ઇઝરાયેલનું ઇન્ટેલિજન્સ કેટલું મજબૂત હતું તેનું ઉદાહરણ જોવા મળે છે. પહેલા દિવસે જ્યારે ઇજિપ્ત પર હુમલો થયો ત્યારે સંદેશ એવો મોકલવામાં આવ્યો કે તેમાં ઇજિપ્તનો વિજય થયો છે, પણ વાસ્તવમાં તો ઇજિપ્ત પાયમાલ થઈને બેઠું હતું. ત્યારપછી લાલચમાં આવીને તરત જોર્ડને હુમલો કરી દીધો હતો, પણ ઇઝરાયેલીઓ તૈયાર બેઠા હતા. 

    ઇઝરાયેલે ઇજિપ્તને જે પરચો બતાવ્યો હતો તેવો જ જૉર્ડન અને સીરિયાને પણ બતાવ્યો અને તેમની એરફિલ્ડ પણ ક્યાં ધ્વસ્ત કરી દેવામાં આવી, ક્યાં કબજે કરી લેવાઈ. તરત ઇઝરાયેલ વેસ્ટ બેન્ક પર પણ કબજો મેળવી લીધો, જ્યાં ત્યાં સુધી જૉર્ડનનું શાસન હતું. 8 અને 9 જૂનના રોજ ઉત્તરે ગોલાન પર્વતો પર ઇઝરાયેલ-સીરિયા વચ્ચે યુદ્ધ ખેલાયું અને તેમાં પણ સીરિયાને પછડાટ મળી. ઇઝરાયેલે આ જમીન પણ કબજે કરી લીધી. 

    ગોલાન પર્વતો પર સીરિયાને ફાયદો એ હતો કે તેઓ ઊંચાઈ પર હતા. એટલે ઇઝરાયેલે પ્રમાણમાં વધુ સૈન્ય મોકલવું પડ્યું. પરંતુ આખરે એરસ્ટ્રાઈક અને જમીની હુમલા બંને એકસાથે કરીને ઈઝરાયેલે સીરિયાને પણ હરાવ્યું અને ઉત્તરનો ભાગ દુશ્મનના હાથમાં જતો બચાવી લીધો. 

    યુદ્ધવિરામ થયો ત્યારે ઇઝરાયેલ પાસે વધુ જમીન હતી

    આખરે હારી થાકેલા આરબ દેશો અને વિજય પામેલા ઇઝરાયેલ વચ્ચે UNની મધ્યસ્થતાથી યુદ્ધવિરામ થયો. 11 જૂનના રોજ જ્યારે 6 દિવસીય યુદ્ધનો અંત આવ્યો ત્યારે ઇઝરાયેલ પાસે વધુ જમીન હતી. સિનાઈ પેનિન્સ્યુલા, ગાઝા પટ્ટી, વેસ્ટ બેન્ક અને ગોલાન પર્વતોનો સંપૂર્ણ વિસ્તાર હવે ઇઝરાયેલના કબજામાં હતો. જે આરબો ઇઝરાયેલને હરાવવા માટે યુદ્ધ લડવા આવ્યા હતા તેમાંથી 10 લાખ હવે ઇઝરાયેલના શાસન હેઠળ હતા. 

    1982 સુધી સિનાઈ વિસ્તાર ઇઝરાયેલ પાસે રહ્યો. આખરે ઇજિપ્ત-ઇઝરાયેલ વચ્ચે સંધિ થઈ અને ત્યાંથી ઇઝરાયેલે સેના પરત બોલાવી લીધી. ત્યારપછી પણ બાકીના વિસ્તારો ઇઝરાયેલ પાસે જ રહ્યા. આખરે 2005માં ઇઝરાયેલે ગાઝા પટ્ટી પરથી પણ નિયંત્રણ પરત લઈ લીધું અને ત્યાં ચૂંટણી થઈ, તેમાં આતંકવાદી સંગઠન હમાસે કબજો મેળવી લીધો. જે આજ સુધી ત્યાં સત્તામાં છે અને 7 ઑક્ટોબરે તેમણે જ ઇઝરાયેલ પર હુમલો કરી દીધો હતો. 

    આજે વેસ્ટ બેન્ક અને પૂર્વ જેરુસલેમ પેલ્સ્ટેનિયન ઑથોરિટી પાસે છે, જેઓ તેનું સંચાલન કરે છે. સુરક્ષા હજુ પણ ઇઝરાયેલ જ જુએ છે અને આ વેસ્ટ બેન્કમાં પણ વચ્ચે-વચ્ચે ઇઝરાયેલીઓનાં ઘરો છે, જેને સેટલમેન્ટ કહેવાય છે. અહીં આરબોને જવાની પરવાનગી નથી અને નિયંત્રણ સંપૂર્ણ ઇઝરાયેલી સેના પાસે છે. વેસ્ટ બેન્કનું સંચાલન કઈ રીતે થાય છે તેની ઉપર અલગથી એક લેખ થઈ શકે તેમ છે.  

    ઇઝરાયેલ તેની સ્થાપના સમયથી આજદિન સુધી અસ્તિત્વ માટે લડતું આવ્યું છે. તેઓ જાણે છે કે જે ક્ષણે શસ્ત્રો હેઠાં મૂકી દીધાં તે સમયે તેમનું અસ્તિત્વ નહીં રહે. આસપાસ દુશ્મનોથી ઘેરાયેલા હોવા છતાં તેઓ ક્યારેય હાર માન્યા નથી. જે આંખ ઉઠાવીને ઇઝરાયેલ તરફ જુએ છે તેની તેઓ આંખ કાઢી લે છે. 

    6 ડે વૉર ઇઝરાયેલના ઇતિહાસની એ ગૌરવપ્રદ ઘટના છે, જેને યાદ કરીને આજે પણ યહૂદીઓ ગર્વ લે છે. એક નાનકડા રાષ્ટ્રને વારંવાર યુદ્ધમાં ધકેલી દેવામાં આવ્યું હોવા છતાં તે દરેક વખતે વિજયી બનીને ઉભરી આવ્યું છે. હવે ફરી એક વખત તેની પરીક્ષા લેવાની ‘ગુસ્તાખીઓ’ થઈ રહી છે, ઇઝરાયેલે કહ્યું છે કે તેના દુશ્મનો પરિણામો ભોગવશે. તેનો ઇતિહાસ જોતાં તેમાં કોઈ શંકા નથી. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં