Thursday, September 19, 2024
More
    હોમપેજદુનિયા‘હિંદુ રાષ્ટ્ર’ નેપાળમાંથી ‘હિંદુ’ શબ્દ દૂર કરવા રચાયો હતો ખેલ, પડદા પાછળના...

    ‘હિંદુ રાષ્ટ્ર’ નેપાળમાંથી ‘હિંદુ’ શબ્દ દૂર કરવા રચાયો હતો ખેલ, પડદા પાછળના ખેલાડીઓ હતા સીતારામ યેચુરી અને કોંગ્રેસ: હિમાલયન દેશમાં ‘સેક્યુલર ડેમોક્રેસી’ લાવવા પાછળની એક કથા આ પણ 

    ‘સાચું સેક્યુલરિઝમ’ લાવવાની તેમની ખોજ માત્ર ભારત સુધી સીમિત ન રહી પણ જેમ એક સાચો સામ્યવાદી સરહદોમાં ન રહીને પોતાની વિચારધારા દુનિયાભરમાં પ્રસરાવવા માટે કામ કરતો હોય તેમ યેચુરીએ પણ આ કામ ભારતના પાડોશમાંથી ચાલુ કર્યું હતું.

    - Advertisement -

    કોમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયા (માર્ક્સવાદી)ના મહાસચિવ અને રાજ્યસભા સાંસદ સીતારામ યેચુરીનું ગુરુવારે (12 સપ્ટેમ્બર) 72 વર્ષની વયે નિધન થયું. ન્યુમોનિયા થયા બાદ તેમને દિલ્હીની AIIMSમાં દાખલ કરવામાં આવ્યા હતા અને લગભગ મહિનાની સારવારને અંતે તેમણે હોસ્પિટલમાં જ અંતિમ શ્વાસ લીધા. હરકિશન સિંઘ સુરજીત જેવા રીઢા ડાબેરી નેતાઓ પાસેથી રાજકારણના પાઠ શીખેલા યેચુરીને નેશનલ મીડિયાની હેડલાઈનોમાં રહેવાની આદત હતી. જોકે મોટાભાગે કારણો ખોટાં જ રહેતાં, પણ તોય, તેઓ દેશના અગ્રણી કોમ્યુનિસ્ટ અવાજોમાં સ્થાન પામ્યા હતા એ પણ એક હકીકત છે. 

    સામ્યવાદીઓ ઘણીવાર ધર્મને ‘અફીણ’ ગણાવતા હોય છે. યેચુરીના વિચારો પણ આવા જ હતા પણ ‘ગંગા-જમુની તહેઝીબ’નું ધુપ્પલ ચાલવવા માટે અન્ય સામ્યવાદીઓની જેમ તેમના અને તેમની પાર્ટીના વિચારો પણ હિંદુ ધર્મની વાત આવે ત્યાં વધારે મુખર થઈ જતા. રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠાના આમંત્રણને નકારીને કે પછી રામાયણ અને મહાભારત જેવા પવિત્ર ગ્રંથોને ‘હિંસક’ કહીને સીતારામ યેચુરી સમયાંતરે ભારતમાં પ્રચલિત આ ‘સેક્યુલરિઝમ’ પ્રત્યે પોતાની નિષ્ઠા દર્શાવતા રહ્યા હતા. 

    જોકે, ‘સાચું સેક્યુલરિઝમ’ લાવવાની તેમની ખોજ માત્ર ભારત સુધી સીમિત ન રહી પણ જેમ એક સાચો સામ્યવાદી સરહદોમાં ન રહીને પોતાની વિચારધારા દુનિયાભરમાં પ્રસરાવવા માટે કામ કરતો હોય તેમ યેચુરીએ પણ આ કામ ભારતના પાડોશમાંથી ચાલુ કર્યું હતું. મોદીએ તો ‘નેબર્સ ફર્સ્ટ’ (પાડોશીને પ્રાથમિક)વાળી નીતિ બહુ વર્ષો પછી લાગુ કરી, પણ યેચુરીએ મોદી સત્તામાં આવ્યા તેનાં પણ ઘણાં વર્ષો પહેલાં આ નીતિ અમલમાં મૂકી હતી. 

    - Advertisement -

    આમ તો ભારતના ઘણા પાડોશીઓ છે, જ્યાં જેહાદી વિચારધારા બહુ ઝડપથી વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે અને હિંદુઓ સહિતના લઘુમતીઓ નાશપ્રાય થવાના આરે છે. પણ યેચુરીએ પકડ્યો હતો હિમાલયન દેશ નેપાળ, જે તેમની ટોળકીએ સામ્યવાદ ઘૂસાડવાની શરૂઆત કરી ત્યાં સુધી ‘હિંદુ રાષ્ટ્ર’ હતો. નેપાળમાં જેમજેમ સામ્યવાદ આગળના દરવાજેથી પ્રવેશ્યો તેમ પાછળથી હિંદુ રાષ્ટ્રનું સ્ટેટ્સ નાબૂદ થતું ગયું ને એક સમયે દેશ ‘સેક્યુલર ડેમોક્રેસી’ બની ગયો. આ પ્રક્રિયા શરૂ કરનારાઓમાંથી એક સીતારામ યેચુરી હતા. તે સમયે કેન્દ્રમાં જેની સરકાર હતી એ UPA (જેની અધ્યક્ષતા કોંગ્રેસ કરતી હતી)એ પણ તેમાં અગત્યનો ભાગ ભજવ્યો હતો અને સાથ મળ્યો હતો ડાબેરી મોરચાના પક્ષોનો.

    તત્કાલીન PM મનમોહન સિંઘના કહેવાથી માઓવાદી મિત્રને મળ્યા હતા યેચુરી

    નેપાળની પ્રતિબંધિત રાજકીય પાર્ટીઓની પ્રથમ ઑપન કૉન્ફરન્સ 1990માં ગણેશમાન સિંઘના ઘરે યોજાઇ, જેઓ નેપાળી કોંગ્રેસના સ્થાપક સભ્ય હતા અને ભારતીય પ્રતિનિધિમંડળ તરફથી ચંદ્રશેખર પણ હાજર રહ્યા હતા. આ રાજા બીરેન્દ્રના શાસનનો અંતનો આરંભ હતો. પછીથી યેચુરી અને નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટીના ડીપી ત્રિપાઠી જેવા નેતાઓએ આ અભિયાન આગળ ચલાવ્યું. 

    યેચુરી અને ત્રિપાઠી ત્યારે જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ હતા. તેમની મુલાકાત નેપાળના પૂર્વ વડાપ્રધાન અને માઓવાદી નેતા બાબુરામ ભટ્ટારાઈ સાથે થઈ. બાબુરામ પણ આ જ સંસ્થામાં અભ્યાસ કરતા. એક તરફ જ્યાં યેચુરીએ માઓવાદી પર પ્રભુત્વ મેળવવાનું શરૂ કર્યું તો ત્રિપાઠીએ નેપાળી કોંગ્રેસ સાથે સંપર્કો સ્થાપ્યા. 

    કહેવાય છે કે વડાપ્રધાન મનમોહન સિંઘે યેચુરીને ભટ્ટારાઇ સાથે સંપર્કો સ્થાપિત કરવા માટે કહ્યું હતું. ત્રિપાઠીનો પણ પછીથી તેમની સાથે સંપર્ક કરાવવામાં આવ્યો અને ઘણા નેપાળી કોંગ્રેસના નેતાઓ સાથે મળ્યા હતા. યેચુરીના હસ્તક્ષેપ બાદ માઓવાદીઓ અને નેપાળની રાજકીય પાર્ટીઓ વચ્ચે એક 12 મુદ્દાના કરાર થયા હતા. આ એજન્ડાને મીડિયામાં ‘યેચુરી ફોર્મ્યુલા’નું પણ નામ અપાયું હતું. 

    2006માં જ્યારે નેપાળમાં રાજાશાહી હતી ત્યારે સીતારામ યેચુરીએ ત્યાંની મુલાકાત લીધી હતી. અહીં તેમણે કહ્યું હતું કે, “નેપાળે હવે નવો લોકતાંત્રિક રસ્તો પકડવો જોઈએ. રાજકીય પ્રક્રિયાઓ હવે એ જ સ્થિતિમાં ન રહેવી જોઈએ જે 1990માં હતી. આ જરૂરી એટલા માટે પણ છે કે કારણ કે એવું માનવામાં આવે છે કે તેનાથી માઓવાદીઓને લોકતાંત્રિક મુખ્યધારામાં આવવાની તક મળશે.” તે પહેલાં 2005માં યેચુરી અને ત્રિપાઠીએ ભારતમાં ‘નેપાળ ડેમોક્રેસી સોલિડરિટી કમિટી’ બનાવી હતી અને સાઉથ એશિયા ફાઉન્ડેશનના રાહુલ બરુઆ સાથે પણ કામ કર્યું હતું. 

    નેપાળના આ ઘટનાક્રમમાં ભારતે શું કામ સમર્થન આપવું જોઈએ, તેવી દલીલો પર યેચુરી ત્યારે કહેતા કે તેનાથી ભારતમાં ‘અલ્ટ્રા લેફ્ટ’ પર ફાયદાકારક પ્રભાવ પડશે અને લોકશાહી માટે લોકોની આકાંક્ષાઓમાં એક પરિબળ ‘ક્રાંતિ’નું પણ હોવું જ જોઈએ. પછીથી યેચુરી અને ત્રિપાઠીને નેપાળ કોંગ્રેસ અધ્યક્ષ ગિરિજા પ્રસાદ કોઈરાલાએ આમંત્રણ આપ્યું હતું અને નેપાળની સંસદમાં પણ તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. 

    યેચુરીએ પછી પણ નિયમિત રીતે નેપાળની યાત્રા ચાલુ રાખી હતી અને ત્યાં જઈને તેઓ માઓવાદી અને સાત પાર્ટીઓના ગઠબંધન વચ્ચે વચેટિયાની ભૂમિકા ભજવતા. જતાં પહેલાં કાયમ તેઓ વડાપ્રધાન મનમોહન સિંઘ અને રક્ષામંત્રી પ્રણવ મુખર્જી સાથે મુલાકાત કરતા. અત્યારે જેઓ વડાપ્રધાન છે તે પુષ્પ કમલ દહલ સાથે પણ તેમણે ત્યારે ઘણી મુલાકાત કરી હતી, જેઓ કોમ્યુનિસ્ટ પાર્ટી ઑફ નેપાલ (માઓઈસ્ટ સેન્ટર)ના વરિષ્ઠ સભ્ય પણ છે. 

    2006માં નેપાળના કથિત બીજા જનઆંદોલનમાં અગત્યની ભૂમિકા ભજવ્યા બાદ સીતારામ યેચુરી વર્ષ 2010માં ફરી નેપાળ પરત ફર્યા હતા. આશય શું હતો? શાંતિપ્રક્રિયા પર ચર્ચા માટે રાજકીય પાર્ટીઓને મદદ કરવી, બંધારણ લખવું અને નવા રાજકીય ઘટનાક્રમ પર ચર્ચા કરવી. અહીં તેઓ તત્કાલીન નેપાળી કૉંગ્રેસ પ્રમુખથી માંડીને યુનિફાઇડ કોમ્યુનિસ્ટ પાર્ટી ચેરમેન અને કોમ્યુનિસ્ટ પાર્ટી ઑફ નેપાળ સહિતના પક્ષોના નેતાઓને ફરી એક વખત મળ્યા હતા. 

    દર્શાવે છે કે ડાબેરીઓ અને યેચુરી લોકતંત્રની આડમાં સામ્યવાદની ઉધાર લીધેલી વિચારધારા થોપી બેસાડીને રાષ્ટ્રનાં હિંદુ મૂળોને જડમાંથી ઉખાડવા માટે કેટલા ‘પ્રતિબદ્ધ’ હતા. જોકે, તેમાં કોંગ્રેસનો પણ પૂરતો સહયોગ હતો. હિંદુ રાષ્ટ્ર પ્રત્યે તેમની નફરત ત્યારપછી પણ યથાવત રહી અને આજે પણ એ વિવિધ નિવેદનો અને કામોથી છતી થતી રહે છે, તે સમયે પણ આ બાબતે તેઓ બહુ સ્પષ્ટ હતા. 

    ચીન પ્રત્યેનો પ્રેમ પણ હતો જગજાહેર 

    સીતારામ યેચુરીનો ચીન પ્રત્યેનો પ્રેમ પણ જગજાહેર હતો. તેઓ કાયમ ‘ભારતમાં મુસ્લિમોની આવી દશા છે ને તેવી દશા છે’ની વાતો કરતા રહેતા પણ ક્યારેય ચીનમાં તેમની જ વિચારધારાના માણસો દ્વારા ઉઇગર મુસ્લિમો પર થતા અત્યાચારો વિશે બોલવાની વાત તો દૂર પણ તે તરફ ધ્યાન પણ ક્યારેય ન આપ્યું. ન ક્યારેય તેમણે ચીનમાં મીડિયા પર લાગતાં નિયંત્રણોનો ક્યારેય ઉલ્લેખ કર્યો કે ચીનની વિસ્તારવાદી નીતિઓને કે પાકિસ્તાનના સમર્થનને વખોડ્યું. ભારતમાં તેઓ નાની-નાની બાબતને મુદ્દો બનાવતા રહ્યા પણ ચીનમાં જે કાંઈ પણ લોકશાહી વિરુદ્ધ કે સેક્યુલરિઝમ વિરુદ્ધ પણ થાય તેમાં પણ તેમનું કાયમ સમર્થન રહ્યું. 

    સીતારામે 2015માં CPIMના મહાસચિવ તરીકેનો કારભાર સંભાળ્યો હતો. કાયમ તેઓ પોતાનો રાજકીય અને વૈચારિક એજન્ડા આગળ કરવા માટે કામ કરતા રહ્યા. એક ‘સાચા સામ્યવાદી’ તરીકે કાયમ તેમણે પાર્ટીનો જ એજન્ડા આગળ રાખ્યો અને કાયમ સનાતન ધર્મ, તેની સંસ્કૃતિ કે ભારતના ભવ્ય હિંદુ વારસા વિરુદ્ધ બોલવાનું ચાલુ રાખ્યું. એક ચતુર રાજકારણીની જેમ પોતાનાં હિતો સાધવા માટે તેઓ કાયમ દંભને આગળ કરીને કામ કરતા રહ્યા. આ ‘ખૂબીઓ’ માટે તેમને ભારતીય રાજકારણના ઇતિહાસમાં યાદ કરવામાં આવતા રહેશે ને સંભવતઃ નેપાળના રાજકારણમાં પણ!

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં