Tuesday, September 17, 2024
More
    હોમપેજદેશવિશ્લેષણ | સેમીકન્ડક્ટર ઉદ્યોગમાં ગ્લોબલ પાવરહાઉસ બનવા તરફ આગળ વધતા ભારત માટે...

    વિશ્લેષણ | સેમીકન્ડક્ટર ઉદ્યોગમાં ગ્લોબલ પાવરહાઉસ બનવા તરફ આગળ વધતા ભારત માટે કેમ મહત્વપૂર્ણ સાબિત થશે PM મોદીની સિંગાપોર યાત્રા?

    ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીઝ હોય કે, મોબાઈલ ઇન્ડસ્ટ્રીઝ, કે પછી ઈલેક્ટ્રીકલ કે ઇલેક્ટ્રિક ઇન્ડસ્ટ્રીઝ હોય. ઘરનાં સામાન્ય ફ્રીઝ, મોબાઈલથી લઈને મોટી-મોટી મિસાઈલો બનાવવામાં આ સેમીકન્ડક્ટર ચિપ્સ અતિ મહત્વપૂર્ણ છે. તો સ્વભાવિક છે કે વર્તમાન સમયમાં તેને લાગતી-વળગતી ઇન્ડસ્ટ્રીઝનો દબદબો રહેવાનો.

    - Advertisement -

    તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની દક્ષિણ-પૂર્વ એશિયન દેશોની યાત્રા દરમિયાન બ્રુનેઈ અને સિંગાપોરની મુલાકાત લીધી. PM મોદીના પ્રવાસ દરમિયાન ભારત અને સિંગાપોર વચ્ચે અનેક મહત્વના MoU પણ થયા. જેમાંથી સેમીકન્ડક્ટર ડિઝાઇનિંગ-મેન્યુફેક્ચરિંગ માટે બંને દેશો વચ્ચે થયેલા કરાર સહુથી વધુ મહત્વના ગણવામાં આવી રહ્યા છે. સેમીકન્ડક્ટર ઈકોસિસ્ટમ તૈયાર કરવું હાલ ભારત સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતાઓ પૈકી એક છે, ત્યારે આ ક્ષેત્રમાં પહેલેથી જ કાઠું કાઢી ચૂકેલા સિંગાપોર સાથે કરારો અત્યંત અગત્યના સાબિત થશે અને તેનાથી ભારતના પ્રયાસોને પણ વેગ મળશે.

    ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીઝ હોય કે, મોબાઈલ ઇન્ડસ્ટ્રીઝ, કે પછી ઈલેક્ટ્રીકલ કે ઇલેક્ટ્રિક ઇન્ડસ્ટ્રીઝ હોય. ઘરનાં સામાન્ય ફ્રીઝ, મોબાઈલથી લઈને મોટી-મોટી મિસાઈલો બનાવવામાં આ સેમીકન્ડક્ટર ચિપ્સ અતિ મહત્વપૂર્ણ છે. તો સ્વભાવિક છે કે વર્તમાન સમયમાં તેને લાગતી-વળગતી ઇન્ડસ્ટ્રીઝનો દબદબો રહેવાનો. હજારો કરોડોની કિંમત ધરાવતી આ ઇન્ડસ્ટ્રી આજે કોઈ પણ દેશની GDPનો મહત્વપૂર્ણ ભાગ બની શકે તેમ છે. તેવામાં ભારત અને સિંગાપોર વચ્ચે થયેલા કરાર આગામી ભવિષ્યમાં બંને દેશોની આર્થિક વ્યવસ્થામાં મોટો ફેરબદલ લાવી શકે છે.

    સેમીકન્ડક્ટર ઉદ્યોગોમાં ભારતની શરૂઆત

    એક સમય હતો કે ટેકનિકલ ક્ષેત્રોની મોટાભાગની બાબતો માટે આપણે અન્ય દેશો પર નિર્ભર રહેવું પડતું, ખાસ કરીને ચીન પર. તેવામાં કોરોના મહામારી, વૈશ્વિક યુદ્ધો અને આ જ સમયગાળા દરમિયાન એશિયાઈ દેશોમાં થયેલાં મોટાં રાજનીતિક ધમાસાણના લીધે સર્જાયેલા તણાવો પછી ભારતે સેમીકન્ડક્ટરને લઈને પગભર થવાની તાતી જરૂરીયાત ઉભી થઈ. પરંતુ તે સહેલું પણ નહોતું, કારણ કે સેમીકન્ડક્ટર ચિપ્સ ઉદ્યોગમાં ચીનનો દબદબો હતો અને આ ઉદ્યોગ એક રીતે શરૂઆતી આર્થિક રોકાણો માટે ચિંતાજનક પણ ખરો. એટલે જ કદાચ અમેરિકા સહિતના મોટાભાગના યુરોપપિયન દેશો પણ સેમીકન્ડક્ટર ચિપ્સ માટે અન્ય દેશો પર નિર્ભર રહેતા. તેવામાં ભારતે હિંમત દાખવી અને અવિશ્વસનીય રીતે ઉભરી આવ્યું.

    - Advertisement -

    વર્ષ 2021માં ભારતે પેહલી જ વારમાં સેમીકન્ડક્ટર મિશન લૉન્ચ કરીને 76,000 કરોડનો પ્રોજેક્ટ શરૂ કર્યો. કેન્દ્રની મોદી સરકારે આ ઇન્ડસ્ટ્રીની મહત્તા ધ્યાનમાં રાખીને રોકાણોના અડધા ભાગની સબસીડીઓ જાહેર કરી. કેબિનેટમાં લગભગ 1.26 લાખ કરોડની સેમીકન્ડક્ટર સંબંધિત યોજનાઓને પરવાનગી આપવામાં આવી હતી અને આ બધા સાથે શરૂ થઈ હતી ભારતની સેમીકન્ડક્ટર ઉદ્યોગની યાત્રા.

    સેમીકન્ડક્ટર ઇન્ડસ્ટ્રીઝને લઈને સિંગાપોરનું મહત્વ

    એટલી વાત તો સ્પષ્ટ થઇ ગઈ કે વર્તમાન સમયમાં સેમીકન્ડક્ટર અને તેની સાથે લાગતા-વળગતા ઉદ્યોગો અતિ મહત્વના બની ચૂક્યા છે. હવે પ્રશ્ન એ થાય કે વડાપ્રધાન મોદીનો સિંગાપોર પ્રવાસ સેમીકન્ડક્ટરને લઈને આટલો મહત્વનો શા માટે માનવામાં આવે છે. તો અહીં ધ્યાનમાં લેવા જેવી બાબત તે છે કે સેમીકન્ડક્ટર ઉદ્યોગોને ધ્યાનમાં લઈએ તો સિંગાપોર તેનું મોટું હબ છે. દુનિયાના નકશામાં ખૂબ જ નાનો ભૂભાગ ધરાવતું સિંગાપોર સેમીકન્ડક્ટર ઉદ્યોગોની દુનિયામાં બહુ મોટું કદ ધરાવે છે.

    વર્તમાન સમયમાં સેમીકન્ડક્ટર વૈશ્વિક ઉદ્યોગોમાં ઉત્પાદન 10 ટકા, ગ્લોબલ ચિપ માર્કેટમાં ચિપ્સ નિર્માણ આઉટ્પુટના ક્ષમતાના 5 ટકા અને સેમીકન્ડક્ટર ઇક્યુપમેન્ટ ઉત્પાદનોમાં 20 ટકાની હિસ્સેદારી ધરાવે છે. નાનકડો લાગતો આ દેશ વર્તમાન સમયમાં સેમીકન્ડક્ટર ઈકોસિસ્ટમનો મજબૂત હિસ્સો બની ચૂક્યો છે. આઈસી ડિઝાઈન હોય, ચિપ્સ પ્રોડક્શન હોય, ઇક્યુપમેન્ટ એસેમ્બલી હોય, કે પછી પેકેજીંગ કે પરીક્ષણ હોય. દરેક દિશામાં સિંગાપોર ફૂલ્યું-ફાલ્યું છે. એ પણ ન ભૂલવું જોઈએ કે આજે વિશ્વમાં જે 15 કંપનીઓને સેમીકન્ડક્ટર ઇન્ડસ્ટ્રીઝમાં દિગ્ગજ સંસ્થાઓ ગણવામાં આવે છે તે પૈકીની 9એ ધામા સિંગાપોરમાં જ નાખ્યા છે.

    ભારત કેવી રીતે લઈ શકે છે લાભ? કેવી છે તક?

    પ્રશ્ન તે પણ ઉદ્ભવે કે જો ભારત પોતે જ આ ઉદ્યોગમાં પગભર થવાના પ્રયત્ન કરી રહ્યું હોય તો સિંગાપોર સાથેના MOU મહત્વના કેવી રીતે થઇ શકે? તો સરળ ભાષામાં સમજાવીએ તો વર્તમાન સમયમાં સિંગાપોર ભૂમિ (ઇન્ડસ્ટ્રીઝ નાંખવા માટે) અને શ્રમની ઉણપનો સામનો કરી રહ્યું છે. તેવામાં ભારતમાં આ બંને બાબતો સરળતાથી ઉપલબ્ધ થઇ શકે તેમ છે. ભારતનાં મબલખ સંસાધનો અને સિંગાપોરની સેમીકન્ડક્ટર ઉદ્યોગની જરૂરિયાત માટે એક અવસર પ્રદાન કરી શકે છે. સિંગાપોરની કંપનીઓ ભારતમાં આવે અને અહીં તેમનો વિસ્તાર વધે તો ભારત આપોઆપ વૈશ્વિક હરોળમાં પોતાનું સ્થાન મેળવી લેશે.

    એ પણ નોંધવું જોઈએ કે વર્તમાન સમયમાં અમેરિકા અને ચીન વચ્ચે સેમીકન્ડક્ટર ઇન્ડસ્ટ્રીઝને લઈને ગળાડૂબ હરીફાઈ ચાલી રહી છે. એશિયાઈ દેશોમાં ચીન હવે આ મામલે પાછું પડી રહ્યું છે. તેવા સમયમાં જો ભારત સિંગાપોર અને અન્ય મિત્ર દેશોના સહારે પોતાના સંસાધનો થકી તે દિશામાં ડગલા માંડે તો તેને હરણફાળ ઝડપ મળી શકે તેમ છે. કારણ કે ભારત પાસે ઉદ્યોગો માટે જગ્યા અને મેનપાવરની કોઈ જ ઉણપ નથી. આ જ કારણ છે કે સિંગાપોરનો સેમીકન્ડક્ટર ઉદ્યોગ ભારતના પગ વધુ મજબૂત કરી શકશે.

    વડાપ્રધાન મોદીની સિંગાપોર યાત્રા ભારત માટે સુવર્ણ અવસર પ્રદાન કરી શકે

    હવે કદાચ સ્પષ્ટ થઇ ગયું હશે કે શામાટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સિંગાપોર યાત્રા અને સેમીકન્ડક્ટરને લઈને થયેલા MOU ભારતના ભવિષ્ય માટે સુવર્ણ અવસર પ્રદાન કરી શકે છે. આ કરાર થયા બાદ ભારત અને સિંગાપોર સેમીકન્ડક્ટર ક્લસ્ટરના વિકાસ અને સેમીકન્ડક્ટર ડિઝાઈન તેમજ પ્રોડક્શનમાં ખભેખભો મેળવીને કામ કરશે. મજાની વાત તે છે કેસિંગાપોરની સેમીકન્ડક્ટરની અઢળક કંપનીઓ ભારતમાં રોકાણ કરવા માટે તલપાપડ થઇ રહી છે. આ કરાર થયા બાદ તે તમામ માટે ભારતના દરવાજા ખૂલી જશે.

    નોંધનીય છે કે સિંગાપોર તે ભારતનો છઠ્ઠો સૌથી મોટો બિઝનેસ પાર્ટનર દેશ છે. ભારતના કુલ વેપારમાં તેનો હિસ્સો 3.2% છે. નાણાકીય વર્ષ 2024માં સિંગાપોરથી આયાત 21.1 અબજ ડોલર હતી, જ્યારે નિકાસ કુલ 14.4 અબજ ડોલર હતી. સાથે જ સિંગાપોર ભારતમાં ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ (FDI)નો સૌથી મોટો સ્ત્રોત પણ છે. એપ્રિલ 2000થી 2024 દરમિયાન સિંગાપોરથી ભારતમાં કુલ FDI 160 અબજ ડોલર રહ્યો હતો, જે ભારતની કુલ FDIના લગભગ એક ચતુર્થાંશ જેટલો છે.

    અમેરિકા પણ ભારતમાં કરી રહ્યું છે રોકાણ

    નોંધનીય છે કે માત્ર સિંગાપોર જ નહીં, અમેરિકન કંપનીઓ પણ ભારતમાં આવવા હરોળમાં ઉભી છે. તાજેતરની જ વાત કરીએ તો 23 સપ્ટેમ્બર 2023ના રોજ સાણંદમાં દેશના પ્રથમ સેમીકન્ડક્ટર પ્લાન્ટનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ, રાજીવ ચંદ્રશેખર તેમજ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં આ ભૂમિપૂજન કાર્યક્રમ યોજાયો. તે સમયે અમેરિકન મૂળની કંપની માઈક્રોન ટેકનોલોજી દ્વારા 22 હજાર કરોડ રૂપિયાના ખર્ચે આ પ્રોજેક્ટ શરૂ કર્યો હતો

    સાણંદમાં આકાર લઇ રહેલા સેમીકન્ડક્ટર પ્લાન્ટ વર્ષ 2024ના અંત સુધીમાં કાર્યરત થવાનું શરૂ થશે તેવું અનુમાન છે. આ પ્રોજેક્ટ આગામી કેટલાંક વર્ષોમાં 5,000 નવી ડાયરેક્ટ માઇક્રોન નોકરીઓ અને 15,000થી પણ વધુ લોકો માટે રોજગારનું સાધન બનશે તેવી કંપનીને આશા છે. આ પ્લાન્ટ દેશનો પ્રથમ સેમીકંડક્ટર પ્લાન્ટ છે. માઈક્રોન અમેરિકાની કૉમ્પ્યુટર સ્ટોરેજ ચિપ મેન્યુફેક્ચરર કંપની છે. જે આ પ્લાન્ટમાં 825 મિલિયન ડોલરનું રોકાણ કરશે. ફન્ડિંગનો બાકીનો હિસ્સો ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર ફાળવશે.

    મોબાઈલ અને ઇલેક્ટ્રોનિક્સ માટે દેશમાં એક મોમેન્ટમ બન્યું છે, તેમાં સેમીકન્ડક્ટર એક ફાઉન્ડેશનલ મટિરીયલ છે. મોબાઈલ, ફ્રિજ, એસી, કાર, ટ્રેન અને પ્લેનમાં આ સેમીકન્ડક્ટર ચીપ વપરાય છે. આ તમામનું પ્રોડક્શન ભારતમાં થવા માંડશે. આગામી થોડા જ મહિનાઓમાં આ પ્લાન્ટ બનીને તૈયાર થઇ જશે અને આ જ જગ્યાએથી દેશની પ્રથમ મેડ ઇન ઇન્ડિયા ચિપ તૈયાર થશે.

    તેમ ચોક્કસથી કહી શકાય કે ભારત સરકાર સેમીકન્ડક્ટર ઉદ્યોગમાં જે વિઝનથી કાર્ય કરી રહી છે, તે વિઝન આવનારા સમયમાં ભારતને સેમીકન્ડક્ટર ઉદ્યોગોમાં આગવું સ્થાન અપાવી શકશે. જો આમ થવામાં સફળતા મળી તો વૈશ્વિક અર્થવ્યવસ્થામાં ભારત હાલ જેટલું મહત્વનું છે, તેના કરતા મહત્વતા અનેક ગણી વધી જશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં