Friday, November 22, 2024
More
    હોમપેજદેશમસ્જિદમાંથી ઉશ્કેરણીના દાવાને ‘ભ્રામક’ ગણાવવા મામલે પૂછાયેલા પ્રશ્નો પર પોલીસે આપ્યા ગોળગોળ...

    મસ્જિદમાંથી ઉશ્કેરણીના દાવાને ‘ભ્રામક’ ગણાવવા મામલે પૂછાયેલા પ્રશ્નો પર પોલીસે આપ્યા ગોળગોળ જવાબ: જાણો પ્રત્યક્ષદર્શીઓના નિવેદનો અને તેના મીડિયા રિપોર્ટિંગ વિશે શું કહે છે કાયદો

    કોઈ ઘટનાના પીડિત/પ્રત્યક્ષદર્શીના નિવેદન પર મીડિયા રિપોર્ટિંગ કરી શકાય છે કે નહીં, તે મામલે સુપ્રીમ કોર્ટના એડવોકેટ રીના એન સિંઘનું કહેવું છે કે મીડિયા કોઈપણ પીડિત અથવા પ્રત્યક્ષદર્શીનું નિવેદન લઈ શકે છે. સિવાય કે આવા કાયદાકીય કે પ્રશાસનિક રૂપે કોઈ અંતર્ગત આવા નિવેદનો લેવા પર કે મીડિયા રિપોર્ટીંગ પર પ્રતિબંધ ન લાગ્યો હોય.

    - Advertisement -

    બહરાઈચના (Bahraich Violence) મહારાજગંજમાં 13 ઓક્ટોબર 2024ના રોજ દુર્ગા વિસર્જન શોભાયાત્રા પર હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં રામગોપાલ મિશ્રાની (Ramgopal Mishra Murder) ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. અન્ય ઘણા હિંદુઓ પણ ઘાયલ થયા હતા. આ પીડિત પ્રત્યક્ષદર્શી હિંદુઓના એવો દાવો કરતા નિવેદન સામે આવ્યા છે કે મુસ્લિમ ટોળાએ મસ્જિદ દ્વારા ઉશ્કેરવામાં આવ્યા બાદ તેમના પર હુમલો કર્યો હતો. પરંતુ બહરાઈચ પોલીસે (Bahraich Police) સોશિયલ મીડિયા પરના આ દાવાઓને ‘ભ્રામક’ ગણાવ્યા છે. આ નિષ્કર્ષના આધારે જ્યારે અમે બહરાઈચ પોલીસ સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેઓ કોઈ ચોક્કસ જવાબ આપી શક્યા નહીં.

    70 વર્ષીય વિનોદ મિશ્રા હુમલામાં ઘાયલ થયેલા હિંદુઓમાંના એક છે. અનેક મીડિયા સંસ્થાઓ સાથે વાત કરતી વખતે તેમણે દાવો કર્યો હતો કે હુમલાખોરોને મસ્જિદમાંથી ઉશ્કેરવામાં આવ્યા હતા. તેમણે ઑપઇન્ડિયાને જણાવ્યું હતું કે, “જ્યારે પોલીસે લાઠીચાર્જ કર્યો, ત્યારે હિંદુઓ વિખેરાઈ ગયા. પછી, મસ્જિદમાંથી ‘અલ્લાહ-હુ-અકબર’ના નારા લાગ્યા અને એલાન કરવામાં આવ્યું કે ‘જે જ્યાં મળે ત્યાં મારી નાખો અને કાપી નાખો.’

    ઑપઇન્ડિયાએ વિનોદ મિશ્રાના આ નિવેદનનો વિડીયો પણ જાહેર કર્યો હતો. આમાં તમે સ્પષ્ટપણે સાંભળી શકો છો કે અમારા રિપોર્ટર રાહુલ પાંડેએ તેમને આ દાવા અંગે પૂછ્યું – શું તમે પોતે આ સાંભળ્યું છે? વિનોદ મિશ્રાએ પણ જવાબ આપ્યો, “હા મેં સાંભળ્યું છે.”

    - Advertisement -

    ઑપઇન્ડિયાની X પોસ્ટ પર જવાબ આપતા બહરાઈચ પોલીસે લખ્યું કે, “માહિતી વિના આવા ભ્રામક તથ્યો ન ફેલાવો જેના માટે હજી સુધી કોઈ પુરાવા ઉપલબ્ધ નથી. તેના કારણે જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખોરવાઈ જવાની પ્રબળ શક્યતા છે, જેના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.”

    વિનોદ મિશ્રા બાદ અન્ય કેટલાક હિંદુ પીડિતોએ પણ મસ્જિદ દ્વારા ઉશ્કેરણી કરવામાં આવી હોવાનો દાવો કર્યો છે. તેમાંથી દિવ્યાંગ સત્યવાન મિશ્રાએ ઑપઇન્ડિયા સાથે વાત કરતાં કહ્યું કે તે દિવસે મસ્જિદમાંથી જાહેરાત કરવામાં આવી હતી કે, “તમને જે પણ હિંદુ મળે તેને કાપી નાખો.” તેમણે કહ્યું કે આ જાહેરાત બાદ મુસ્લિમોના ટોળાએ અબ્દુલ હમીદના ઘરની સામે હાજર હિંદુ શ્રદ્ધાળુઓ પર હુમલો કર્યો. કટ્ટરવાદી ટોળું કહી રહ્યું હતું કે, “હે હિંદુઓ, અહીંથી ભાગી જાઓ નહિતર ગોળીઓ ધરબી દઈશું.”

    એટલું જ નહીં, પદ્માકર દીક્ષિત નામના અન્ય પીડિતે પણ આવો જ દાવો કર્યો છે. ઑપઇન્ડિયા સાથે વાત કરતા, તેમણે કહ્યું કે તેઓ મૂર્તિ લઈને આગળ વધી રહ્યા હતા ત્યારે એક પથ્થર તેમના પર આવ્યો. જેના કારણે મા દુર્ગાની મૂર્તિનો હાથ તૂટી ગયો હતો. દરમિયાન, મસ્જિદમાંથી “અલ્લાહ હુ અકબર, જે મળે એને કાપી નાખો”નું એલાન કરવામાં આવ્યું. પદ્માકરના કહેવા પ્રમાણે, મુસ્લિમ ટોળું કહી રહ્યું હતું કે તેઓ જેટલા હિંદુઓને મારી નાખશે, તેટલું વધુ ઈનામ મળશે.

    વિનોદ મિશ્રાના જે દાવાને બહરાઈચ પોલીસ ભ્રામક અને પાયાવિહોણો ગણાવી રહી છે, તેને ઘણી મીડિયા સંસ્થાઓએ છાપ્યો છે. બહરાઈચ પોલીસે દૈનિક જાગરણના આ સમાચાર પર કાયદાકીય કાર્યવાહીની ધમકી પણ આપી હતી.

    ઑપઇન્ડિયાએ પૂછ્યા 3 સવાલ, બહરાઈચ પોલીસે આપ્યા ગોળગોળ જવાબ

    હિંદુ પીડિતોના દાવાને ભ્રામક ગણાવવા પાછળનું કારણ જાણવા માટે ઑપઇન્ડિયાએ બહરાઇચ પોલીસનો સંપર્ક કર્યો. તમે નીચે વાંચી શકો છો કે તેમને કયા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા અને પોલીસે કેવા ગોળગોળ જવાબો આપ્યા હતા.

    પ્રશ્ન 1. શું વિનોદ મિશ્રા હિંસાના પીડિત કે પ્રત્યક્ષદર્શી છે? શું પોલીસે તેમનું નિવેદન નોંધ્યું છે?

    જવાબ: બહરાઈચ (મહસી) ડેપ્યુટી એસપી રવિ ખોખરે કહ્યું કે વિનોદ મિશ્રાએ હજુ સુધી પોલીસમાં ફરિયાદ નોંધાવી નથી. તેઓ ફરિયાદ નોંધાવશે તે બાદ તેની તપાસ કરવામાં આવશે.

    પ્રશ્ન 2. શું પોલીસે મસ્જિદમાંથી ઉશ્કેરણી અંગે કરેલા દાવાઓની તપાસ કરી છે? જો કરી હોય તો, તેનો નિષ્કર્ષ શું નીકળ્યો? જો નથી કરી, તો શું તેમના દાવાઓને તપાસમાં સામેલ કરવામાં આવ્યા છે?

    જવાબઃ જ્યારે ઑપઇન્ડિયાએ બહરાઈચના એસપી વૃંદા શુક્લાના સત્તાવાર ફોન નંબર પર ફોન કર્યો, તો ફોનનો જવાબ આપનારા PROએ કહ્યું કે મસ્જિદથી હુમલાના એલાન વાળી વાત ખોટી છે. આ આરોપ ભ્રામક છે.

    પ્રશ્ન 3. બહરાઈચ પોલીસ સોશિયલ મીડિયા પર મસ્જિદ દ્વારા હુમલાના મીડિયા અહેવાલોને ભ્રામક ગણાવી રહી છે, તેનો આધાર શું છે?

    જવાબ: બહરાઈચ એસપી વૃંદા શુક્લાના સત્તાવાર નંબર પર કરવામાં આવેલ કોલ ઉપાડનાર PROએ કહ્યું કે આ બાબતે તેમનું વલણ અગાઉ જેવું જ છે.

    પ્રત્યક્ષદર્શી પોલીસ નિવેદન વિશે શું કહે છે કાયદો?

    કોઈ ઘટનાના પીડિત/પ્રત્યક્ષદર્શીના નિવેદન પર મીડિયા રિપોર્ટિંગ કરી શકાય છે કે નહીં, તે મામલે સુપ્રીમ કોર્ટના એડવોકેટ રીના એન સિંઘનું કહેવું છે કે મીડિયા કોઈપણ પીડિત અથવા પ્રત્યક્ષદર્શીનું નિવેદન લઈ શકે છે. સિવાય કે આવા કાયદાકીય કે પ્રશાસનિક રૂપે કોઈ અંતર્ગત આવા નિવેદનો લેવા પર કે મીડિયા રિપોર્ટીંગ પર પ્રતિબંધ ન લાગ્યો હોય.

    ભારતમાં પ્રત્યક્ષદર્શીઓ અંગે પણ કાયદો છે. આ અંગે આપણો કાયદો શું કહે છે તેના પર રીના સિંઘનું કહેવું છે કે મીડિયામાં આપવામાં આવેલા નિવેદનનું કાયદાકીય મહત્વ સીમિત છે અને કોર્ટમાં આપવામાં આવેલ એફિડેવિટને જ મુખ્ય પુરાવા તરીકે ગણવામાં આવે છે. સાક્ષીઓના રક્ષણ માટે વિટનેસ પ્રોટેક્શન સ્કીમ અને સાક્ષીઓના અધિકારોનું રક્ષણ કરવા માટે સુપ્રીમ કોર્ટના નિર્દેશો પણ જરૂરી છે.

    રીના સિંઘનું કહેવું છે કે બંધારણના અનુચ્છેદ 20(3) હેઠળ કોઈ પણ વ્યક્તિને પુરાવા આપવા માટે દબાણ કરી શકાય નહીં. આનો મતલબ એ છે કે જે આરોપીને દોષી ઠેરવી શકે એવા કોઈ પણ સાક્ષીને આરોપી સામે સાક્ષી બનવા માટે દબાણ કરી શકાય નહીં. ભારતીય કાયદામાં પ્રત્યક્ષદર્શીના નિવેદન ખૂબ જ મહત્વપૂર્ણ છે, પરંતુ તેની માન્યતા અને વિશ્વસનીયતા કોર્ટ અને અન્ય કાનૂની પ્રક્રિયાઓમાં આપવામાં આવેલી પ્રક્રિયાઓ સાથે જોડાયેલી હોય છે.

    આ કાયદા અનુસાર, સાક્ષીનું નિવેદન મહત્વપૂર્ણ પુરાવા છે. જો સાક્ષીનું નિવેદન સુસંગત અને વિશ્વસનીય હોય તો તેને નિર્ણાયક પુરાવા તરીકે ગણી શકાય. કોર્ટ સાક્ષીને તેનું નિવેદન મેળવવા માટે બોલાવી શકે છે. બંને પક્ષકારો દ્વારા સાક્ષીના નિવેદનની તપાસ કરવામાં આવે છે. આ પ્રક્રિયા સાક્ષીની વિશ્વસનીયતાની ચકાસણી કરે છે અને જો નિવેદનમાં કોઈપણ વિરોધાભાસ હોય તો તેને ઉજાગર કરે છે.

    ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતા 2023 (BNSS) ની કલમ 186 (સાક્ષીઓના નિવેદન) અનુસાર, પોલીસ તપાસ દરમિયાન સાક્ષીઓનું નિવેદન નોંધી શકે છે. પોલીસ સાક્ષીના ઘરે જઈને તેનું નિવેદન પણ નોંધી શકે છે અને સાક્ષી નિવેદન આપવા માટે પોલીસ સ્ટેશન આવે તે જરૂરી નથી. વાસ્તવમાં, BNSS (ભારતીય ન્યાયિક સંહિતા)માં સાક્ષીઓનું રક્ષણ, નિવેદન આપવાની પ્રક્રિયા છે.

    ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023 (BNSS) ની કલમ 179 (સાક્ષીને સમન્સ) માં કહેવામાં આવ્યું છે કે પોલીસ સાક્ષીને નોટિસ અથવા સમન્સ આપીને પોલીસ સ્ટેશન બોલાવી શકે છે. જો કે, મહિલા સાક્ષીઓ માટે એક વિશેષ જોગવાઈ છે કે તેમને તેમના રહેઠાણના સ્થળે જ નિવેદન આપવાની છૂટ છે. તેમને પોલીસ સ્ટેશન આવવાની ફરજ પાડી શકાય નહીં.

    એ જ રીતે, ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતા 2023 (BNSS) ની કલમ 183 (ન્યાયિક નિવેદન) અનુસાર, મેજિસ્ટ્રેટ સમક્ષ આપવામાં આવેલ નિવેદનને ન્યાયિક નિવેદન તરીકે નોંધવામાં આવે છે. આ નિવેદનનો બાદમાં તપાસ દરમિયાન અને કોર્ટની કાર્યવાહીમાં પુરાવા તરીકે ઉપયોગ કરી શકાય છે. આવું ત્યારે આવશ્યક હોય છે જયારે નિવેદન આપ્યા પછી સાક્ષીના જીવને ખતરો હોય અથવા સાક્ષી પર દબાણ હોય.

    રીના સિંઘનું કહેવું છે કે સુપ્રીમ કોર્ટે ઘણા કેસમાં સાક્ષીઓની સુરક્ષા અને તેમના અધિકારોની સુરક્ષા પર ભાર મૂક્યો છે. કોર્ટે સાક્ષીઓને ધમકાવવા કે પ્રભાવિત કરવાના કેસમાં કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે, જેથી સાક્ષીઓ કોઈપણ ડર વગર કોર્ટમાં નિવેદન આપી શકે. ભારતીય કાયદો સાક્ષીઓના અધિકારો અને તેમના રક્ષણ પર ભાર મૂકે છે. ભારતીય સાક્ષ્ય અધિનિયમ અને BNSS જેવા કાયદા હેઠળ સાક્ષીઓને અમુક અધિકારો છે.

    ગોપનીયતાનો અધિકાર: જો સાક્ષી જોખમમાં હોય તો તેની ઓળખ ગુપ્ત રાખી શકાય છે.

    સુરક્ષાનો અધિકાર: જો કોઈ સાક્ષી પર નિવેદન આપ્યા પછી કોઈ જોખમ હોય તો તેને પોલીસ અથવા રાજ્ય દ્વારા સુરક્ષા પૂરી પાડવામાં આવી શકે છે.

    મુક્ત નિવેદન આપવાનો અધિકાર: સાક્ષીને મુક્ત અને ન્યાયી નિવેદન આપવાનો અધિકાર છે અને તેને કોઈપણ પ્રકારના દબાણ અથવા ધાકધમકીથી બચાવવાની જોગવાઈ છે.

    જ્યારે બહરાઈચ પોલીસે ઑપઇન્ડિયાના સમાચારને ભ્રામક ગણાવ્યા ત્યારે અમે રીના સિંઘ પાસેથી મીડિયામાં પ્રત્યક્ષદર્શીએ આપેલા નિવેદન અંગેની બાબતો પણ જાણવાનો પ્રયાસ કર્યો. તેમણે કહ્યું કે પોલીસને પ્રત્યક્ષદર્શીએ આપેલું નિવેદન તપાસનો વિષય છે. ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતા 2023 (BNSS) ની કલમ 398 જણાવે છે કે દરેક રાજ્ય સરકાર સાક્ષીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે રાજ્ય માટે એક સાક્ષી સુરક્ષા યોજના/WPS તૈયાર કરશે અને અધિસૂચિત કરશે. કાયદાની નજરમાં, મીડિયામાં પ્રત્યક્ષદર્શીઓના નિવેદનો ખૂબ મર્યાદિત અને ઘણીવાર પરોક્ષ મૂલ્ય ધરાવે છે.

    ઈન્ડિયન એવિડન્સ એક્ટ 2023 અને ઈન્ડિયન સિવિલ ડિફેન્સ કોડ 2023 (BNSS) અનુસાર, મીડિયામાં આપેલા નિવેદનનો ઉપયોગ અમુક પરિસ્થિતિઓમાં સંદર્ભ અથવા સંકેત તરીકે થઈ શકે છે, પરંતુ તેને કોર્ટમાં સ્વીકાર્ય પુરાવા તરીકે માનવામાં આવતા નથી. તે કોર્ટમાં માન્ય પુરાવા તરીકે ત્યાં સુધી સ્વીકાર્ય નથી જ્યાં સુધી તે પોલીસ દ્વારા અથવા કોર્ટ સમક્ષ યોગ્ય રીતે નોંધવામાં ન આવે.

    રીના સિંઘનું કહેવું છે કે મીડિયામાં આપવામાં આવેલ નિવેદન બાહ્ય પ્રભાવ હેઠળ હોઈ શકે છે, તેથી તેને કોર્ટની ન્યાયી પ્રક્રિયાનો ભાગ માનવામાં આવતો નથી. આવા નિવેદનો સાક્ષી પર દબાણ, ડર અથવા પક્ષપાતને કારણે પણ આવી શકે છે. મીડિયામાં આપેલા નિવેદનો પોલીસ અથવા કોર્ટના ધ્યાન પર સૂચક અથવા પ્રાથમિક માહિતી તરીકે લાવી શકાય છે.

    રીના સિંઘના જણાવ્યા અનુસાર, “જો આ નિવેદન કેસની તપાસમાં અથવા કોર્ટમાં મહત્વપૂર્ણ હોઈ શકે છે, તો પોલીસ અથવા કોર્ટ તે સાક્ષીને સમન્સ મોકલી શકે છે અને તેનું નિવેદન નોંધી શકે છે. કોર્ટમાં નિવેદન દરમિયાન સાક્ષીનું નિવેદન ઊલટતપાસ (cross-examination) દ્વારા ચકાસી શકાય છે. મીડિયામાં આપેલા નિવેદનોને ઊલટતપાસ કરવાનો મોકો મળતો નથી, તેથી તેને સંપૂર્ણ સાચા માની શકાય નહીં.

    મીડિયામાં આપેલા નિવેદનને ઘણીવાર ગેર સ્વીકૃત સાક્ષ્ય (hearsay evidence) તરીકે ગણવામાં આવે છે, કારણ કે તે કોર્ટમાં આપવામાં આવેલા પુરાવાઓ દ્વારા પ્રમાણિત હોતું નથી. કોર્ટમાં સ્વીકૃત નિવેદન તેને જ કહેવાય છે જે કોર્ટ સમક્ષ શપથ હેઠળ આપવામાં આવ્યું હોય અને જેની ઉલટતપાસ થઈ શકે છે.

    જો કોઈ પીડિત કે પ્રત્યક્ષદર્શી મીડિયામાં આવું નિવેદન આપે તો શું પોલીસે જાતે તેના સુધી પહોંચવું જોઈએ કે સાક્ષ્ય પોલીસ સ્ટેશન આવે તેની રાહ જોવી જોઈએ? આ સવાલ પર રીના સિંઘ કહે છે, “ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023 (BNSS)ની કલમ 181 હેઠળ પોલીસ સાક્ષીઓના નિવેદનો લઇ  શકે છે. આ પ્રક્રિયામાં, પોલીસ સાક્ષીને તેના ઘરે મળવા જઈ શકે છે અને ત્યાં તેનું નિવેદન નોંધી શકે છે.”

    રીના સિંહનું કહેવું છે કે સાક્ષીએ પોલીસ સ્ટેશન આવવાની જરૂર નથી જ્યાં સુધી તેને પોલીસ દ્વારા બોલાવવામાં ન આવે અથવા નોટિસ મોકલવામાં આવે. પોલીસ તપાસમાં સહકાર આપવા માટે પોલીસ સ્ટેશન આવવા માટે સાક્ષીને નોટિસ અથવા સમન્સ મોકલી શકે છે. આ ત્યારે જ કરવામાં આવે છે જ્યારે પોલીસને તેની હાજરી જરૂરી લાગે. હાલમાં, ભારતીય કાયદા હેઠળ, પોલીસની જવાબદારી છે કે તે સાક્ષી સુધી પહોંચે અને તેનું નિવેદન લે, ના કે સાક્ષીના પોલીસ સ્ટેશન આવવાની રાહ જોવે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં