Wednesday, June 26, 2024
More
    હોમપેજગુજરાત‘સરકારે દરખાસ્ત નામંજૂર કરી, છતાં પ્લોટ પર દબાણ’: ક્રિકેટર અને TMC સાંસદ...

    ‘સરકારે દરખાસ્ત નામંજૂર કરી, છતાં પ્લોટ પર દબાણ’: ક્રિકેટર અને TMC સાંસદ યુસુફ પઠાણે વડોદરામાં સરકારી જમીન પર કબજો કર્યાનો આરોપ, કાર્યવાહીની માંગ

    પૂર્વ કોર્પોરેટર વિજય પવારે સ્થાયી સમિતિના અધ્યક્ષને અરજી કરીને ફરિયાદ કરી છે કે રાજ્ય સરકારે પ્લોટ નં. 90 ફાળવવાની ના પાડી હોવા છતાં ત્યાં કમ્પાઉન્ડ વૉલ કરીને પઠાણે બગીચો અને તબેલો બનાવ્યા છે.

    - Advertisement -

    ભારતીય ક્રિકેટ ટીમમાં રમી ચૂકેલા ક્રિકેટર અને તાજેતરમાં પશ્ચિમ બંગાળથી લોકસભા ચૂંટણી જીતેલા યુસુફ પઠાણ વિવાદમાં સપડાયા છે. વડોદરામાં તેમણે સરકારી માલિકીની જમીન પર કબજો કર્યો હોવાની ફરિયાદ ભારતીય જનતા પાર્ટીના એક પૂર્વ કોર્પોરેટરે કરી છે. તેમણે સ્થાયી સમિતિના અધ્યક્ષને પત્ર લખીને મુદ્દો ઉઠાવ્યો અને જમીન ખુલ્લી કરાવીને કોર્પોરેશન હસ્તક લેવાની માંગ કરી. 

    આ મામલો વડોદરાના તાંદલજામાં આવેલ શુભમ પાર્ટી પ્લોટ નજીક મ્યુનિસિપલ કોર્પોરેશનની માલિકીનો એક પ્લોટ આવેલો છે. આ પ્લોટ નંબર 90ની બાજુમાં આવેલ પ્લોટ નંબર 91 પર યુસુફ પઠાણે બંગલો બનાવવાનું નક્કી કર્યું હતું. જેથી તેમણે કોર્પોરેશન પાસે પ્લોટ નં. 90ની માંગણી કરી હતી. આ માટે પછીથી તાત્કાલિક મ્યુનિસિપલ કમિશનરની ભલામણ સાથે એક દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી. 

    આ દરખાસ્તમાં સુરક્ષાની દ્રષ્ટિએ ખાસ કિસ્સામાં જાહેર હરાજી કર્યા વગર પ્રતિ ચોરસ મીટર ₹57,270ના ભાવે યુસુફ મહેમુદ પઠાણને રહેણાંક હેતુથી જમીનની ફાળવણી કરવા અને આ માટે સરકારમાંથી મંજૂરી મેળવવા તેમજ 99 વર્ષના ભાડાપટ્ટેથી જામીન ફાળવવા માટેની તમામ સત્તાઓ કમિશનરને આપવા માટે ભલામણ કરવામાં આવી હતી. 

    - Advertisement -

    દરખાસ્ત 30 માર્ચ, 2012ના રોજ મહાનગરપાલિકાની સ્થાયી સમિતિમાં રજૂ કરવામાં આવી હતી, જ્યાં મંજૂરી અપાઈ હતી. ત્યારબાદ સામાન્ય સભાની મંજૂરી માટે મોકલવામાં આવી હતી. 8 જૂન, 2012ના રોજ સામાન્ય સભામાં પણ સર્વાનુમતે દરખાસ્તને મંજૂર કરી દેવામાં આવતાં તેને મંજૂરી માટે રાજ્ય સરકાર સમક્ષ મોકલી આપવામાં આવી હતી. પરંતુ 9 જૂન, 2014ના રોજ શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના તાત્કાલીન અધિકારીએ દરખાસ્ત નામંજૂર કરી દીધી હતી. કમિશનરને લેખિત જાણ કરીને કહેવામાં આવ્યું હતું કે, જાહેર હરાજી સિવાય ક્રિકેટર યુસુફ મહેમુદ પઠાણને પ્લોટ ફાળવવા માટે ખાસ કિસ્સા તરીકે રાજ્ય સરકાર સમક્ષ જે મંજૂરી માંગવામાં આવી છે, તે અંગે વિચારણા બાદ સરકાર દ્વારા દરખાસ્ત નામંજૂર કરવામાં આવે છે. 

    હવે પૂર્વ કોર્પોરેટર વિજય પવારે સ્થાયી સમિતિના અધ્યક્ષને અરજી કરીને ફરિયાદ કરી છે કે રાજ્ય સરકારે પ્લોટ નં. 90 ફાળવવાની ના પાડી હોવા છતાં ત્યાં કમ્પાઉન્ડ વૉલ કરીને પઠાણે બગીચો અને તબેલો બનાવ્યા છે. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો કે સરકારની મંજૂરી વગર જમીન પર કબજો કઈ રીતે થઈ શકે? ફરિયાદ છે કે યુસુફ પઠાણ આજે પણ જમીનનો ઉપયોગ કરી રહ્યા છે. 

    ભાજપ નેતાએ માંગ કરી આ સરકારી જમીન ખુલ્લી કરાવીને તેનો કબજો મેળવી લેવામાં આવે અને ફરી કોર્પોરેશન હસ્તક કરવામાં આવે. તેમણે આ મામલે યોગ્ય કાર્યવાહીની માંગ કરી છે. 

    નોંધનીય છે કે યુસુફ પઠાણ ભારતીય ક્રિકેટ ટીમમાં રમી ચૂક્યા છે. તાજેતરમાં તેમણે રાજકારણમાં પ્રવેશ મેળવ્યો અને પશ્ચિમ બંગાળની બહેરામપુર બેઠક પર મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસમાંથી ઉમેદવારી કરી હતી. આ ચૂંટણીમાં તેમણે કોંગ્રેસ નેતા અને લોકસભામાં પૂર્વ વિપક્ષ નેતા અધીર રંજન ચૌધરીને હરાવ્યા. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં