દિલ્હીની એક કોર્ટે યુ-ટ્યુબર ધ્રુવ રાઠીને એક માનહાનિના કેસમાં સમન્સ પાઠવ્યા છે. આ કેસ ભારતીય જનતા પાર્ટીના નેતા સુરેશ નાખુઆ દ્વારા દાખલ કરવામાં આવ્યો છે. કારણ એ છે કે રાઠીએ તેમને ‘હિંસક અને તોછડા ટ્રોલ’ કહીને સંબોધ્યા હતા. સાકેત કોર્ટના જિલ્લા ન્યાયાધીશ ગુંજન ગુપ્તાએ 19 જુલાઇના રોજ આ આદેશ પસાર કર્યો હતો.
કોર્ટે નાખુઆની વચગાળાની રાહતની માંગ કરતી અરજી પર સુનાવણી કરતી વખતે આ નોટિસ પાઠવી હતી અને મામલાની સુનાવણી આગામી 6 ઑગસ્ટના રોજ મુકરર કરી હતી. કોર્ટે કહ્યું કે, ‘પ્રતિવાદીને (ધ્રુવ રાઠીને) સમન્સ અને CPCના નિયમો હેઠળ નોટિસ પાઠવવામાં આવે. આ માટે સ્પીડપોસ્ટ કે પ્રમાણિત કુરિયર અને ઇલેક્ટ્રોનિક મોડનો ઉપયોગ કરવા માટે પણ કોર્ટે કહ્યું છે. રાઠી ઉપરાંત ગૂગલ અને Xને પણ નોટિસ મોકલવામાં આવી છે.
શું છે કેસ?
વાસ્તવમાં લોકસભા ચૂંટણી વખતે ફેક ન્યૂઝ ફેલાવતા પકડાઇ ચૂકેલા યુ-ટ્યુબર ધ્રુવ રાઠીએ 7 જુલાઈ, 2024ના રોજ યુ-ટ્યુબ પર એક વિડીયો અપલોડ કર્યો હતો, જેનું શીર્ષક હતું- ‘ગોદી યુટ્યુબરોને મારો જવાબ’. ભારતીય જનતા પાર્ટીના નેતા અને મુંબઈ વિભાગના પ્રવક્તા સુરેશ નાખુઆએ આરોપ લગાવ્યો છે કે આ વિડીયોમાં ધ્રુવ રાઠીએ તેમને ‘વાયોલેન્ટ એન્ડ એબ્યુસિવ ટ્રોલ્સ’ કહીને સંબોધ્યા હતા. તેમનું કહેવું છે કે આ આરોપો પાછળ કોઇ આધાર-પુરાવા નથી અને તેનાથી તેમની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચી શકે છે.
સુરેશ નાખુઆએ અરજીમાં જણાવ્યું કે, રાઠીના આ આરોપોના કારણે તેમણે ખૂબ ટીકાઓનો સામનો કરવો પડ્યો અને મજાકના પાત્ર બનવું પડ્યું છે. તેમણે કહ્યું કે, “લુચ્ચાઈપૂર્વક બનાવવામાં આવેલા આ વિડીયો થકી અરજદારની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવા માટે જાણીજોઈને પ્રયાસ કરવામાં આવ્યા હોય તેવું સ્પષ્ટ જણાઈ આવે છે. વિડીયો બનાવનારે ન માત્ર અરજદારના ચરિત્ર પર પ્રશ્ન ઉઠાવ્યા છે, પરંતુ સમાજમાં તેમની પ્રતિષ્ઠાને પણ નુકસાન થાય તેવું કૃત્ય કર્યું છે, જેના કારણે દૂરગામી પરિણામો ભોગવવાં પડી શકે છે. આગળ કહેવામાં આવ્યું કે, આ પ્રકારના ખોટા આરોપો.નાં પરિણામો એક વિડીયો સુધી સીમિત ન રહેતાં તેની મોટી અસર પડી શકે છે અને અરજદારના વ્યક્તિગત અને વ્યાવસાયિક જીવન પર અસર પાડી શકે છે, જેના નુકસાનની ભરપાઈ કરવી કઠિન છે.”
નોંધવું જોઈએ કે ધ્રુવ રાઠી જર્મનીમાં રહે છે અને યુટ્યુબ પર સક્રિય છે. જોકે, ભૂતકાળમાં પણ મોદી સરકાર સામે ધડમાથા વગરના આરોપો લગાવીને વિપક્ષી પાર્ટીઓને મદદરૂપ થાય તેવા નેરેટિવ ચલાવવા માટે તે ચર્ચામાં રહી ચૂક્યો છે.