Tuesday, September 17, 2024
More
    હોમપેજરાજકારણ'લવ જેહાદ' કર્યો તો ખેર નથી, થશે આજીવન કેદ: યુપી વિધાનસભામાં યોગી...

    ‘લવ જેહાદ’ કર્યો તો ખેર નથી, થશે આજીવન કેદ: યુપી વિધાનસભામાં યોગી સરકારે રજૂ કરેલું બિલ થયું પાસ, ધર્માંતરણને પણ બનાવ્યો ‘ગંભીર શ્રેણી’નો ગુનો

    યોગી સરકારે લવ જેહાદ વિરુદ્ધ પહેલો કાયદો 2020માં બનાવ્યો હતો. ત્યારબાદ યુપી સરકારે વિધાનસભામાં ધર્મ સંપરિવર્તન પ્રતિશેષ વિધેયક 2021 પાસ કર્યું હતું. આ બિલમાં 1થી 10 વર્ષ સુધીની સજાની જોગવાઈ કરવામાં આવી હતી. ત્યારબાદ હવે આ નવું બિલ પાસ થયા બાદ આ કાયદા વધુ સુસંગત અને સખત બનશે.

    - Advertisement -

    ઉત્તર પ્રદેશની યોગી સરકાર લવ જેહાદ સાથે જોડાયેલા કાયદાઓને વધુ સખત બનાવવા જઈ રહી છે. ઉત્તર પ્રદેશની વિધાનસભામાં યોગી સરકારે લવ જેહાદ વિરુદ્ધ બિલ રજૂ કર્યું હતું, જે પાસ પણ થઈ ચૂક્યું છે. હવે ઔપચારિક વિધિ અને રાજ્યપાલની પરવાનગી બાદ તે બિલ કાયદાનું સ્વરૂપ ધારણ કરશે. નવા કાયદા અનુસાર, લવ જેહાદના ગુનેગારોની સજા વધારી દેવામાં આવી છે. પહેલાં 10-15 વર્ષની કેદની જોગવાઈ હતી, જ્યારે હવે આજીવન કેદની જોગવાઈ કરવામાં આવી છે. આ સાથે જ ધર્માંતરણને અટકાવવા માટે પણ યોગી સરકારે કમર કસી છે. રાજ્યમાં ધર્માંતરણને ‘ગંભીર શ્રેણી’નો ગુનો બનાવવામાં આવ્યો છે.

    મંગળવારે (30 જુલાઈ) યોગી સરકારે ઉત્તર પ્રદેશની વિધાનસભામાં લવ જેહાદ વિરોધી બિલ પાસ કર્યું છે. આ બિલ સોમવાર (29 જુલાઈ)ના રોજ વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. બિલમાં ગુનેગારોને આજીવન કેદ સુધીની સજાની જોગવાઈ કરવામાં આવી છે. આ કાયદા દ્વારા ઘણા ગુનાઓમાં ગુનેગારોની સજામાં પણ વધારો કરવામાં આવ્યો છે. લવ જેહાદના આ બિલમાં અન્ય પણ અનેક ગુનાઓને સામેલ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત આ બિલમાં ધર્માંતરણને લગતી જોગવાઈઓ પણ સામેલ કરવામાં આવી છે.

    શું છે લવ જેહાદ વિરોધી બિલની જોગવાઈઓ?

    લવ જેહાદ વિરોધી બિલમાં હવે ગુનેગાર સાબિત થયા બાદ 20 વર્ષથી લઈને આજીવન કેદ સુધીની સજાનો જોગવાઈ કરવામાં આવી છે. એ ઉપરાંત હવે કોઈપણ વ્યક્તિ ધર્માંતરણના કેસને લઈને FIR નોંધાવી શકે છે. બિલમાં કહેવામાં આવ્યું છે કે, હવે જો કોઈ વ્યક્તિ ધર્માંતરણ કરાવવાના ઈરાદે કોઈ અન્ય વ્યક્તિને તેના જીવન કે સંપત્તિને લઈને ધમકાવે છે, હુમલો કરે છે, વિવાહના વચનો આપે છે અથવા તો આ બધી બાબતોને લઈને ષડયંત્ર રચે છે, સગીર, મહિલા કે કોઈપણ વ્યક્તિને કીડનેપ કરે છે, તો આવા બધા ગુનાને ‘ગંભીર શ્રેણી’ના ગુના ગણવામાં આવશે.

    - Advertisement -

    આ ઉપરાંત બિલમાં જોગવાઈ કરવામાં આવી છે કે, લવ જેહાદના કેસની સુનાવણી સેશન્સ કોર્ટથી નીચેની કોઈપણ કોર્ટમાં થઈ શકશે નહીં. આ સાથે જ એવું પણ કહેવાયું છે કે, લવ જેહાદના કેસમાં સરકારી વકીલને તક આપ્યા વિના જામીન અરજી પર વિચાર કરવામાં આવી શકશે નહીં. આ ઉપરાંત કહેવાયું છે કે, આ તમામ ગુનાઓ બિનજામીનપાત્ર ગુનાઓ ગણાશે. યોગી સરકારે આ નવા બિલ થકી જૂના તમામ કાયદાઓને સખત અને અસરકારક બનાવવા માટે તજવીજ હાથ ધરી છે.

    નોંધનીય છે કે, યુપી સરકારે લવ જેહાદ વિરુદ્ધ પહેલો કાયદો 2020માં બનાવ્યો હતો. ત્યારબાદ યુપી સરકારે વિધાનસભામાં ધર્મ સંપરિવર્તન પ્રતિશેષ વિધેયક 2021 પાસ કર્યું હતું. આ બિલમાં 1થી 10 વર્ષ સુધીની સજાની જોગવાઈ કરવામાં આવી હતી. ત્યારબાદ હવે આ નવું બિલ પાસ થયા બાદ આ કાયદા વધુ સુસંગત અને સખત બનશે.

    યુપી સહિત દેશભરના 10 રાજ્યોમાં લાગુ થયો છે આ કાયદો

    ધર્માંતરણ અને લવ જેહાદને અટકાવવા માટે યુપી સહિત દેશના 10 રાજ્યોમાં કાયદો લાગુ કરવામાં આવ્યો છે. ઓગસ્ટ, 2023 સુધીમાં દેશના 10 રાજ્યોમાં લવ જેહાદ અને ધર્માંતરણ વિરોધી કાયદા લાગુ કરવામાં આવ્યા હતા. આ 10 રાજ્યોમાં ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, મધ્ય પ્રદેશ, કર્ણાટક, હરિયાણા, ગુજરાત, ઝારખંડ, છત્તીસગઢ, હિમાચલ પ્રદેશ અને ઓડિશાનો સમાવેશ થાય છે. ગયા વર્ષે ઓગસ્ટમાં મહારાષ્ટ્રમાં ધર્માંતરણ વિરુદ્ધ કાયદો લાવવાની જાહેરાત કરવામાં આવી હતી. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ત્યારે કહ્યું હતું કે, રાજ્ય અન્ય રાજ્યોના ધર્માંતરણ વિરોધી કાયદાનું અધ્યયન કરીને નવા કાયદા મહારાષ્ટ્ર માટે લાગુ કરશે. ગુજરાતમાં પણ લવ જેહાદને લગતા કાયદા અસ્તિત્વ ધરાવે છે. આ કાયદા અંતર્ગત જ ગુજરાતમાં લવ જેહાદના કેસોની સુનાવણી કરવામાં આવે છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં