યોગગુરુ સ્વામી રામદેવે તાજેતરમાં એક પોડકાસ્ટમાં ચર્ચા કરતી વખતે જણાવ્યું કે, તેમણે ડાયાબિટીસ અને લીવર ફેલ્યોર જેવી બીમારીઓનો સફળતાપૂર્વક ઈલાજ કર્યો છે. 9 જાન્યુઆરીના રોજ પોડકાસ્ટ પ્રકાશિત થયું, જેનું શીર્ષક છે- ‘બાબા રામદેવ અનફિલ્ટર્ડ: પ્રારંભિક જીવન, ખ્યાતિ, વિવાદો, પતંજલિ કેસ અને ભારત.’
ચર્ચા એક કલાકથી વધુ સમય સુધી ચાલી હતી, જેમાં તેમણે અનેક વિષયો પર વાતો કરી. દરમ્યાન ડાયાબિટીસ અને લીવર ફેલ સહિત અનેક બીમારીઓની સારવારમાં તેમના ઉપાયોની ચમત્કારિક અસરો વિશે સ્વામી રામદેવે જાણકારી આપી. આ સાથે તેમણે એમ પણ કહ્યું કે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનાં બહેનની સારવાર પણ તેમણે કરી હતી.
ગૃહમંત્રી અમિત શાહની બહેનનો ઈલાજ કર્યો: બાબા રામદેવ
આ પોડકાસ્ટ દરમિયન તેમણે કહ્યું હતું કે, “હું મારી જાતને ડૉક્ટરની સમકક્ષ નથી માનતો, પણ હું દાવો કરું છું કે હું હાઈ બ્લડપ્રેશર અને ડાયાબિટીસ જેવા રોગોને મટાડવામાં મદદ કરી શકું છું. દરેક વ્યક્તિની અંદર અપાર ક્ષમતા રહેલી છે. મારી ભૂમિકા ફક્ત તે સહજ શક્તિને જાગૃત કરવાની છે. તમારી અંદર નિયંત્રણ કરવા, ઉપચાર કરવા અને પોતાની સમસ્યાઓનું સમાધાન બનવાની શક્તિ હોય જ છે.”
આ ઉપરાંત બાબા રામદેવે ગૃહમંત્રી અમિત શાહની બહેનનો પણ ઈલાજ કર્યો હોવાનો દાવો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, “મારી પાસે ટાઇપ 1 ડાયાબિટીસથી પીડિત હજારો લોકોના વૈજ્ઞાનિક રેકોર્ડ છે. આ ઉપરાંત, મેં મોટી સંખ્યામાં લીવર અને કિડની ફેલ્યોરના કેસોની સારવાર કરી છે, જેમાં આપણા આદરણીય ગૃહમંત્રી અમિત શાહની બહેનનો પણ સમાવેશ થાય છે. તેમના પતિ એક સર્જન છે જે લીવર ટ્રાન્સપ્લાન્ટમાં નિષ્ણાત છે.”
Swami Ramdev:
— The Analyzer (News Updates🗞️) (@Indian_Analyzer) January 10, 2025
"I have cured Type 1 and 2 Diabetes, Liver Failure, Kidney Failure, & major health problems. I will keep fighting the DRUG MAFIA.
~ I even cured our Home minister Amit Shah's sister of LIVER FAILURE. Her husband is also a Surgeon."😳👌 pic.twitter.com/qmRjLOqcAG
લોકોને અનેક સર્જરીથી બચાવ્યા હોવાનો દાવો
તેમણે વધુમાં ઉમેર્યું, “મેં લોકોને લીવર અને કિડની ટ્રાન્સપ્લાન્ટ, પેસમેકર પ્લેસમેન્ટ, બાયપાસ સર્જરી અને એન્જીયોપ્લાસ્ટી સહિત વિવિધ તબીબી હસ્તક્ષેપોથી બચાવ્યા છે. મેં કેન્સરના દર્દીઓની સફળતાપૂર્વક સારવાર કરી છે જેનાં પરિણામો ચકાસી શકાય છે. મારા પ્રયત્નોથી વિવિધ રોગોથી પીડિત ઘણા લોકોને સાજા થવામાં મદદ મળી છે, જે તમામ પુરાવાઓ દ્વારા સાબિત થાય છે.”
તેમણે આગળ કહ્યું હતું કે, “આ કોઈ ઔષધીય ઉત્પાદન કે યોગાભ્યાસનો પ્રચાર નથી. આ અસંખ્ય વ્યક્તિઓને ઉપચાર, સહાયતા અને મોક્ષ પ્રદાન કરવા મામલે છે. સમાજ માટે આ સત્ય સમજવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. ‘દરેક વ્યક્તિ સ્વસ્થ ન હોઈ શકે’ એવો દાવો એક છેતરપિંડી છે, જે બીજાના દુઃખમાંથી નફો મેળવવાની ઇચ્છાને પ્રતિબિંબિત કરે છે. મેડિકલ માફિયા જ આવી વાતો કરતા હોય છે.”